Latest News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સતત ચોથીવાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. તેમણે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સતત ચોથીવાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે આપણે પરંપરાગત રથયાત્રા નગરયાત્રા કાઢી શક્યા નથી. પરંતુ ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ મંદિર પરિસરમાં ફરીને ભક્તોને દર્શન આપશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમાધિન રહી ભક્તજનો જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હાને કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં વ્યવહારુ અભિગમ અપનાવી પરિસરમાં જ રથયાત્રા કાઢી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય સરકાર વતી આભાર માન્યો હતો.

  આ સાથે, મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

  Source: Information Department, Gujarat