મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણની કપરી સ્થિતીમાં પોતાનો તબીબી સેવા ધર્મ બજાવી કોરોના સંક્રમિતોની સારવાર સુશ્રુષા કરી રહેલા સેવાવ્રતી તબીબોને અભિનંદન પાઠવી તેમના પણ હાલ-ચાલ પૂછયા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં ફરજરત તબીબો-આરોગ્ય કર્મીઓ સાથે વાતચીત કરી હતી.
આ તબીબો જેઓ કોરોના સંક્રમિત દર્દીઓની દિવસ-રાત સારવાર કરી રહ્યા છે તેમની સેવા ભાવનાને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તમે સૌ ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે જે સારવાર સુશ્રુષા અને કપરી ફરજ બજાવો છો તેના આધાર પર જ કોરોના સામે આપણે વિજય મેળવીશું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સૌ નાગરિકો વતી આ તબીબોને અભિનંદન આપતાં તેમને PPE કિટ, N-95 માસ્ક તથા અન્ય સુવિધાઓ પર્યાપ્ત રીતે મળે છે કે કેમ તેની પૃચ્છા પણ કરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે, રોગગ્રસ્તોની સારવાર દરમ્યાન આ તબીબોને ચેપ ન લાગે કે તેઓ સ્વયં સંક્રમિત ન થાય તે માટેની તકેદારી, રોગપ્રતિકારક શકિત વધારવી વગેરે તેઓ અવશ્ય કરે.
મુખ્યમંત્રીશ્રીએ આ જ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા એવા પોલીસ અને આરોગ્ય કર્મીઓ જેઓ કોરોના નિયંત્રણની કામગીરી ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ભોગ બન્યા છે તેમના ખબરઅંતર પૂછયા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ દર્દીઓને દવા, ખાવા-પીવાની વ્યવસ્થા, હોસ્પિટલ સ્ટાફની સેવાઓ, સેનીટેશન વગેરે સુવિધા અંગે સહજ ભાવે પૂછપરછ કરી માહિતી મેળવી હતી.
તેમણે આ સંક્રમિત કર્મચારીઓ સત્વરે સાજા થઇને પોતાની ફરજ પર આવીને સમાજ-રાજ્યની સેવાનું દાયિત્વ નિભાવે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ સ્વજન સહજ સંવાદ અને કાળજીથી તબીબો, આરોગ્ય કર્મીઓ અને સારવારગ્રસ્ત કર્મીઓએ હૂંફ અનુભવી હતી.
Source: Information Department, Gujarat