Latest News

શ્રી મહાવીર જૈન વિદ્યાલય – શેઠ શ્રી યુ.એન મહેતા વિદ્યાર્થી ગૃહનું ડિજિટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોમર્શિયલ હેતુ સિવાયના શૈક્ષણિક ધામો જેવાં કે હોસ્ટેલ, કોલેજ માટે રાજ્ય સરકાર માર્કેટ ભાવથી ૫૦ ટકાની કિંમતે જમીન ઉપલબ્ધ કરાવશે તેવી નેમ વ્યક્ત કરી છે.

    તેમણે અમદાવાદના પાલડી ખાતે નવનિર્મિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય-  શેઠ શ્રી યુ.એન મહેતા વિદ્યાર્થી ગૃહનું ડિજિટલી લોકાર્પણ કરતા જણાવ્યું કે, જેમાં સમાજના પૈસા વપરાતાં હોય તેવી કોમર્શિયલ હેતુ સિવાયની શૈક્ષણિક પ્રવૃત્તિ માટે સરકાર બાંધકામ માટે જરૂરી વધારાની એફ.એસ.આઇ. પણ આપશે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે શિક્ષણના વધતા વ્યાપ સાથે આનુષાંગિક વ્યવસ્થાઓનો પણ વિકાસ કરવો જરૂરી છે, ખાસ કરીને શહેરોમાં શિક્ષણની વધુ વ્યવસ્થાઓ હોવાથી વિદ્યાર્થીઓને રહેવા માટેની છાત્રાલયની સુવિધા વધે તે જરૂરી છે.

    આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મોટા શહેરોમાં પેઇંગ ગેસ્ટમાં વિદ્યાર્થી રહેવાથી વાલીઓને ચિંતા રહેતી હોય છે, પરંતુ સમાજ દ્વારા સંચાલિત છાત્રાલયોમાં જરૂરી સુવિધાઓ સાથે અનુશાસન અને શિસ્ત હોવાથી વાલીઓને પોતાના બાળકોની ચિંતા રહેતી નથી.

    તેમણે કહ્યું કે, સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરી રહ્યાં છે તે આનંદની વાત છે. સરકાર તમામ જગ્યાએ પહોંચી ન શકે તેવા સમયે સમાજનો સહકાર પણ ઇચ્છનીય હોય છે.

    તેમણે રાજ્યમાં વધી રહેલી શૈક્ષણિક સ્થિતિનો ચિતાર આપી છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં મરીન યુનિવર્સિટી થી માંડી રેલવે યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણમાં વધેલી બેઠકોની વિગતો  આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યના ભારતના ઘડતર માટે શિક્ષણ જરૂરી છે તેનો ઉલ્લેખ કરીને રાજ્યમાં નાગરિકોની સુવિધા વધે તે માટે સરકાર કાર્યરત છે, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ પણ રચનાત્મક યોગદાન આપે તે માટેની વાંચ્છના કરી હતી.

    તેમણે પોતાના સંસ્મરણો તાજા કરતાં કહ્યું કે, હું પણ આ છાત્રાલયમાં ૮૦ના દાયકામાં રોજ સાંજે જતો હતો. જૈન સમાજ સખાવતનો આગવો ઈતિહાસ ધરાવે છે. સમાજના સહકારને કારણે જ આ હોસ્ટેલ આકાર પામી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    ટોરેન્ટ ગ્રુપના શ્રી સુધીરભાઈ મહેતાએ જણાવ્યું કે, આ સંસ્થા સો વર્ષ જૂની છે,તેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને તેમના જીવનના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા છે. આ બિલ્ડિંગ જૂની હોવાથી તેના મરામતની જરૂરિયાત હતી, તેથી ૧.૨૫ લાખ સ્ક્વેર મીટરમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    આ હોસ્ટેલના લોકાર્પણ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ, નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ, ટોરેન્ટ ગ્રુપના શ્રીમતી શારદાબેન મહેતા, ટ્રસ્ટીશ્રીઓ સર્વ શ્રી મુકેશભાઈ મહેતા, હિતેશભાઈ દોશી, જશવંતભાઈ મોદી, જૈન શ્રેષ્ઠીઓ તથા જૈન સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat