Latest News

રાધનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા સંચાલિત શાંતિધામની મુલાકાત લેતાં મુખ્યમંત્રીશ્રી

રાધનપુર ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટના નિરિક્ષણ બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શ્રી રામ સેવા સમિતિ સંચાલિત શાંતિધામની મુલાકાત લીધી હતી. જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી અંજલી પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શાંતિધામ ખાતે હિન્દુ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર માટે શ્રી રામ સેવા સમિતિ દ્વારા શાંતિધામ ખાતે પૂરી પાડવામાં આવતી તમામ વ્યવસ્થાઓ નિહાળી હતી. સાથે જ પ્રભુશ્રી રામજીની છબી આગળ શીશ ઝુકાવી વંદના કરી હતી.

સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે ચીતાર મેળવી મુખ્યમંત્રીશ્રીએ કોરોનાકાળ દરમ્યાન સંસ્થાએ કરેલી જનસેવાને બિરાદાવી હતી. સાથે જ કોરોનાકાળમાં નિઃસ્વાર્થ સેવા આપનાર સફાઈકર્મીઓનું મુખ્યમંત્રીશ્રીએ સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ ઉપરાંત રાધનપુર શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પૂર્વ ગૃહ મંત્રીશ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રભારીશ્રી ગોવિંદભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા ઉપરાંત શ્રી રામ સેવા સમિતિ સંસ્થાના પ્રમુખ, હોદ્દેદારો, વિવિધ સંસ્થા અને મંડળોના પ્રતિનિધિશ્રીઓ, આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat