જાણીએ આદિજાતિ વિસ્તારમાં બની રહેલા આ રમત-ગમત સંકુલની રસપ્રદ બાબતો:
આઠ એકર-કુલ ૩૨,૯૧૨ ચો.મી. જમીન ઉપર અંદાજિત રૂપિયા ૨૮.૬૯ કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત-ગમત સંકુલનું ભવ્ય નિર્માણ:
રૂ. ૬.૫૦ કરોડના કામો પ્રગતિ હેઠળ જ્યારે રૂ. ૨૨.૧૯ કરોડના કામો ટુંક સમયમાં શરૂ થશે
બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો માટે ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ
૨૦૦ ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિત બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટની સુવિધા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યારા સ્થિત કાનપુરા ખાતે નિર્માણાધિન રમત-ગમત સંકુલના પ્રગતિ હેઠળના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સુરત મહાનગરપાલિકા આયોજિત તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ વ્યારા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે આ નિરીક્ષણ મુલાકાતમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ,ઊર્જા રાજ્ય મંત્રીશ્રી મૂકેશભાઇ પટેલ વગેરે પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ રમત-ગમત સંકુલની વિશેષતાઓ અને ઉભી થનારી અન્ય સુવિધાઓનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ સંકુલના મેદાનમાં વૃક્ષ પણ વાવ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા સ્થિત આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ
રહેલ છે.
બ્લોક નં. ૪૮૫ પૈકી ૨૬,૭૫૬ ચો.મી. તથા બ્લોક નં. ૪૮૯ પૈકી ૫,૨૭૭ ચો.મી. મળી કુલ ૩૨,૯૧૨.૦૦ ચો.મી. જમીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે.
આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા ૫.૫૦ કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની ૩૫ ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. સંપુર્ણ કામગીરી અંદાજિત ૩૧-૧૨-૨૦૨૨ સુધી પુર્ણ થશે.
આ ઉપરાંત વોલીબોલના ૨, ખો-ખો-૧, કબડ્ડી-૨ તથા પ્રેક્ટીસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા ૦૧ કરોડ વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી જેની ૮૦ ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. આમ હાલ રૂ. ૬.૫૦ કરોડના કામો પ્રગતિમાં છે આ સંપુર્ણ કામગીરી લગભગ ૨૦૨૨ના ઓગષ્ટ માસ સુધીમાં પુર્ણ થશે તેવો અંદાજ છે. સંકુલની અન્ય ખાસ બાબતોમાં જિલ્લા રમત સંકુલ ખાતે ૨૦૦ ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ બિલ્ડીંગનું કામ અંદાજીત રૂપિયા ૧૪ કરોડમાં, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિતનું કામ અંદાજીત રૂપિયા ૬.૮૦ કરોડ, બાસ્કેટ બોલ-૧ તથા ટેનિસ કોર્ટ-૧ના ગ્રાઉન્ડ રૂપિયા ૧.૩૯ કરોડ મળી કુલ- રૂપિયા ૨૨.૧૯ કરોડના ખર્ચે કામો શરૂ થનાર છે.
આમ જિલ્લામાં કુલ રૂ. ૨૮.૬૯ કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત-ગમત સંકુલ નિર્માણ થશે.
આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમત-ગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે.
દક્ષિણના છેવાડાનો આદિજાતિ જિલ્લો તાપી પોતાની અનેક બાબતો માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આ સ્પોર્ટસ સંકુલ તાપી જિલ્લાના આદિજાતિ યુવાઓ સહિત ખેલકૂદ ક્ષેત્રે વધુ હોનહાર ખેલ પ્રતિભા ઉભી કરશે.
Source: Information Department, Gujarat