Latest News

ગુજરાત કેશલેસ ઇકોનોમી-ડિઝીટલ બેન્કીંગ ટ્રાન્ઝેકશન્સમાં અગ્રેસર રહેશે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • ગાંધીનગરમાં ડિઝીટલ પેમેન્ટના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજ માટે સ્ટેટ લેવલ વર્કશોપનું આયોજન, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતી
  • રાષ્ટ્રીયકૃત બેન્કોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા આપી સમજ

મુખ્યમંત્રીશ્રી:

  • વિમૂદ્રીકરણના પગલે દેશમાં પ્રમાણિકતાનો યુગ શરૂ થયો છે.
  • કેશલેસ ઇકોનોમી પ્રત્યે લોકોના માઇન્ડ સેટમાં બદલાવ આવ્યો છે.
  • રાજ્ય સરકારના કર્મયોગીઓ-વિભાગો ડિઝીટલ ટ્રાન્ઝેકશન્સ માટે જનજાગૃતિ જગાવવાનું સમાજ દાયિત્વ નિભાવે.
  • બેન્કમાં ગયા સિવાય મોબાઇલફોન-એસ.એમ.એસ.-ડેબીટ- ક્રેડીટ કાર્ડથી આર્થિક વ્યવહારો સરળતાથી થઇ શકે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત કેશલેસ ઇકોનોમી અને ડિઝીટલ બેન્કીંગ ટ્રાન્ઝેકશન્સમાં અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ પ્રામાણિકતાનો યુગ દેશમાં શરૂ કરવાની પ્રતિબધ્ધતા સાથે વિમૂદ્રીકરણનું જે કદમ ઉઠાવ્યું છે તેમાં બેન્કીંગ સેવાઓના માધ્યમથી એસ.એમ.એસ. બેન્કીંગ, ઇ-વોલેટ, ડિઝીટલ પેમેન્ટ-આધાર સીડીંગ જેવા સરળ ઉપાયોથી ગુજરાત કેશલેસ ઇકોનોમીનો માર્ગ અપનાવશે.

રાજ્ય સરકારના કર્મયોગીઓ તથા વિવિધ વિભાગો સ્વયં આ ડિઝીટલ ટ્રાન્ઝેકશન્સ પધ્ધતિઓ અપનાવીને સમાજમાં અન્ય નાગરિકોને આ માટે પ્રેરિત કરવાનું દાયિત્વ નિભાવે તેવો આગ્રહપૂર્વકનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ડિઝીટલ પેમેન્ટના વિવિધ પ્રકારો-ઉપયોગ અંગેના રાજ્યકક્ષાના વર્કશોપમાં કર્મયોગીઓ-સનદી અધિકારીઓ-વરિષ્ઠ અધિકારીઓને ડિઝીટલ બેન્કીંગ માટેની પ્રેરણા આપી હતી.

આ વર્કશોપમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સહિત અગ્રણી રાષ્ટ્રીયકૃત બેન્કોના અધિકારીઓ તથા સચિવાલયના વિભાગોના કર્મયોગી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નોટબંધીના નિર્ણયને પગલે દેશની ફિઝીકલ ડેફિસીટ ઘટશે તથા કાળુ નાણું પણ ઓછું થશે. આ પગલાંને દેશની જનતા જર્નાદને વધાવ્યું છે અને હવે બેન્કમાં ગયા સિવાય પણ પોતાના મોબાઇલ ફોન્સ, ડેબિટ-ક્રેડીટ કાર્ડ વગેરેના ઉપયોગથી કેશલેસ વ્યવહારો થઇ શકે છે તેવો માઇન્ડ સેટ ઊભો થઇ રહ્યો છે.

તેમણે માઇન્ડ સેટના આ બદલાવને હજુ વ્યાપકપણે સમાજ સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારના કર્મયોગીઓ-વિભાગો સક્રિયતા દાખવે તેવી અપિલ પણ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ ડિઝીટલ ઇન્ડીયાનો જે વિચાર આપ્યો છે તેને કેશલેસ ઇકોનોમી-ડિઝીટલ ટ્રાન્ઝેકશન દ્વારા ગુજરાત સંપૂર્ણપણે અપનાવશે જ.

ઉદ્યોગ-ખાણ ખનીજ રાજ્યમંત્રી શ્રી રોહિતભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના નવતર અભિગમને આવકારતા ઉમેર્યું હતુ કે, વિમુદ્રીકરણ માટે પ્રજાજનો દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે સરાહનીય છે. નાગરિકો ડિઝીટલ પેમેન્ટ માટે પણ સક્રીય સહયોગ આપશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહે ડિઝીટલ પેમેન્ટ માટે રાજ્યકક્ષાના વર્કશોપને આવકારતા જણાવ્યું કે, રાજ્યમાં ડિઝીટલ પેમેન્ટનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યાં છે ત્યારે આ પગલું આવકાર્યં છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને કેન્દ્ર સરકાર તથા આર.બી.આઈ. સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને નાગરિકોને કોઈ પ્રશ્નો ઉપલબ્ધ ન થાય. તેમણે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને ગ્રામ્ય-તાલુકાકક્ષાએ ડિઝીટલ પેમેન્ટનો વ્યાપ વધે તે માટે સક્રીય થવાનું સુચન કર્યુ હતું.

નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી સુજિત ગુલાટીએ રાજ્યકક્ષાના આ વર્કશોપને સ્તુત્ય પગલું ગણાવતાં કહ્યું કે,  રાજ્યમાં વિમુદ્રીકરણને વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીની જન ધન યોજનામાં પણ ૯૧ લાખથી વધુ વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યભરમાં ૧૦૦૦થી વધુ કેમ્પનું આયોજન કરીને અસંગઠિત ક્ષેત્રના ૧ લાખથી વધુ બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં ડિઝીટલ પેમેન્ટનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમમાં આપ સો પણ સક્રીય યોગદાન આપી ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ લાવવા સક્રીય સહયોગ આપશો તો આ ટ્રાન્ઝીટ પિરિયડ દરમ્યાન કોઇ અગવડતા નહિ રહે.

આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન દ્વારા ડિઝીટલ પેમેન્ટ અંગે સચિવશ્રીએ માહિતી પુરી પાડી હતી.

આ સેમિનારમાં રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતુ.

Source: Information Department, Gujarat