Latest News

ગાંધીનગરમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો રાજ્ય પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કુદરતી આપદા-આપત્તિના પડકારને  અવસરમાં પલ્ટાવવા સજ્જ ભાવિ પેઢી તૈયાર કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે.

    ગાંધીનગરમાં શાળા સલામતી સપ્તાહ તા. ર૭ જૂનથી ૧ જુલાઇ-ર૦૧૭ની ઉજવણીનો રાજ્ય પ્રારંભ કરાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા કલેકટરો, શાળાઓના શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓને બાયસેગ સેટેલાઇટના માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત આપત્તિને આશીર્વાદમાં પલ્ટાવવાની તથા વ્યથા નહિં વ્યવસ્થાની આગવી ખૂમારી ધરાવતું રાજ્ય છે.

    આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, આપત્તિનો ભોગ બહુધા બાળકો અને વૃધ્ધો-વરિષ્ઠ વડીલો બનતા હોય છે. બાળકોને શાળામાં મોકડ્રીલ, આપત્તિ વ્યવસ્થાપનના નિદર્શનો દ્વારા શિક્ષકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઇનર્સ તાલીમ આપીને પ્રશિક્ષિત કરી બાળકોના માધ્યમથી તેમના વડીલો, માતા-પિતા અને સમાજને આપત્તિ સામે નિપટવા તૈયાર કરી શકાય તેવી નેમ આપણે રાખી છે. તેમણે ઉમેર્યુ કે, ભવિષ્યના નાગરિક એવા બાળકોમાં જો આપત્તિ સામે લડવાની, પડકારોને પાર પાડવાની જાગૃતિ તાલીમ આપીને કેળવીશું તો આવી વિપદાથી થતા મોટા નુકશાન-જાનહાનિથી બચી શકાશે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ર૬ જાન્યુઆરી-ર૦૦૧ના ભયાવહ ભુકંપની તારાજીમાં અંજારમાં રાષ્ટ્રપ્રેમ દર્શાવતી પ્રભાતફેરીમાં નીકળેલા બાળકો અકાળે મોતને ભેટયા તેને પગલે સરકારે આવી વિપદા સામે બાળકોને સાવચેતીના પગલાં, શું કરવું-શું ન કરવું ની સમજ તથા વ્યાપક જાગૃતિ માટે આ શાળા સલામતી સપ્તાહનો વિચાર અપનાવ્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભૂકંપ, સૂનામી, પૂર, વાવાઝોડા કે આગ જેવી કુદરતી આપત્તિઓ સામે માનવજાતને બચાવવા, ઓછું નુકશાન થાય તેવી તાલીમ-જ્ઞાન આપવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવાની પહેલ વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટીનો પરિપાક છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ સપ્તાહના આયોજન માટે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

    આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે શાળા સલામતી સપ્તાહની ઉજવણીના આયોજનની વિગતો આપી હતી.

    શ્રી દિલીપકુમાર ઠાકોરે ઉમેર્યુ કે આ વર્ષે ૩ TOT પ્રોગ્રામ યોજીને દરેક તાલુકામાં એક એક એમ રપ૭ માસ્ટર ટ્રેનર તૈયાર કર્યા છે. આ માસ્ટર ટ્રેનર્સે રાજ્યની ૩૩૭૩૩ શાળાના શિક્ષકો-આચાર્યોને તાલીમ આપી હતી. પરર૦૬ જેટલા શિક્ષકોની આવી તાલીમ પૂર્ણ થઇ ગઇ છે તેની વિગતો તેમણે આપી હતી.

    શ્રી ઠાકોરે GSDMA દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સર્વગ્રાહી વ્યવસ્થા, અદ્યતન સાધનો અને પ્રશિક્ષિત માનવ સંશાધનની ભુમિકા આપી હતી.

    આ વેળાએ મુખ્યસચિવ ડો. જે. એન. સિંઘ, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સુશ્રી એસ. અપર્ણા, મહેસૂલ અગ્ર સચિવશ્રી પંકજ કુમાર, GSDMAના ચેરમેન શ્રી પી. કે. તનેજા, CEO શ્રીમતી અનુરાધા મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat