Skip to main content

ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ

banner media

ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ

Sat, 23 Jul, 2022

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઑથોરિટી અને ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત સૌપ્રથમ અધિવેશનમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર ઉપરાંત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.આર. શાહ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદીએ રાજ્યના જ્યુડિશિયલ ઓફિસર્સને માર્ગદર્શન આપ્યું

******************** 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

 • રાજ્યમાં શાંતિ અને સલામતિ સુનિશ્ચિત કરવામાં સક્ષમ ન્યાય પ્રણાલીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે
 • લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યેની જે શ્રદ્ધા છે તે ટકી રહે અને તેમાં વધારો થાય તે કામ ન્યાયિક અધિકારીઓનું છે
 • ન્યાયની અદાલતો એ રૂલ ઓફ લો ના ગાર્ડીયન તરીકે ફરજ બજાવે છે
 • ન્યાયતંત્રના બજેટમાં છેલ્લાં વીસ વર્ષમાં આશરે 1200 ટકાનો જંગી વધારો કરાયો છે
 • કોરોનાના કપરા કાળમાં પણ લોકોને ન્યાય આપવાનું સરાહનીય કાર્ય ન્યાયપાલિકા દ્વારા કરવામાં આવ્યું

 

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર

 • મુખ્યમંત્રીશ્રીએ એક જ દિવસમાં ન્યાયતંત્રને લગતા 27 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી
 • મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે
 • દરેક જ્યુડિશિયલ અધિકારીએ આશાવાદી અને સકારાત્મક રહેવું જોઈએ
 • જિલ્લા ન્યાયતંત્રની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પ્રો-એક્ટિવ બનીને કામ કરવું જરૂરી

 

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.આર. શાહ

 • ડિસ્ટ્રીક્ટ જ્યુડિશિયરી એ ન્યાયતંત્રનો સ્તંભ છે, એ જેટલો મજબૂત હશે ન્યાયતંત્રની ઈમારત પણ એટલી જ મજબૂત બનશે
 • ગુજરાતમાં ન્યાયતંત્રને સરકારનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

 

******************** 

અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાનામાં નાના માનવીના હિત અને ન્યાય ને કેન્દ્રમાં રાખવાની  આવશ્યકતા દર્શાવી હતી. તેમણે ક્હ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ દરેક કલ્યાણ યોજનાઓમાં સમાજના નાનામાં નાના અને ગરીબ વ્યક્તિને મહત્તમ લાભ મળે તેવો જ ધ્યેય રાખેલો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રથમવાર આ અધિવેશનના યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, લોકશાહીમાં ગુડ-ગવર્નન્સ અને રૂલ્સ ઓફ લો માટે લેજીસ્લેચર, એક્ઝીક્યુટીવ અને જ્યુડીશ્યરી એક બીજા પૂરક બનીને અને સ્વતંત્ર રીતે જો કામ કરે તો દરેકને ન્યાય અને તેની પ્રક્રિયાનો લાભ ચોક્કસપણે મળે.

ન્યાયની અદાલતો એ રુલ ઓફ લૉના ગાર્ડીયન તરીકે ફરજ બજાવે છે અને લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યેની જે શ્રદ્ધા છે તે ટકી રહે અને તેમાં વધારો થાય તે કામ ન્યાયીક અધિકારીઓનું છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે ક્હ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન  છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ગત ૨૦ વર્ષમાં દરેક ક્ષેત્રમાં વિકાસની કેડી કંડારીને ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે. આની પાછળ મુખ્ય કારણ રાજ્યમાં ગુડ ગવર્નન્સ એટલે કે ઝડપી, વાજબી નિર્ણય અને સારામાં સારી પબ્લીક બિઝનેસ સર્વીસીસ તેમજ બિઝનેસ એન્વાયરમેન્ટ હોવાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વમાંથી અને અન્ય રાજ્યોમાંથી  વધુમાં વધુ રોકાણ થાય છે એમ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું.

એટલું જ નહિ સાથોસાથ સક્ષમ ન્યાય પ્રણાલીનો પણ રાજ્યમાં શાંતિ અને સલામતિ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે તેનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો  હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે પણ કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી છે. ન્યાયતંત્રની તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી  કરવામાં આવે છે. ૨૦૦૩-૨૦૦૪માં ન્યાયતંત્રનું બજેટ  માત્ર ૧૪૦.૧૯ કરોડ હતું તેમાં ગત વીસ વર્ષમાં આશરે બારસો ટકાનો જંગી વધારો કરીને આ નાણાકીય વર્ષ માટે રુપિયા ૧ હજાર સાતસો ૪૦ કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી.

કોરોનાના કપરા કાળમાં પણ લોકોને ન્યાય આપવાનું સરાહનીય કાર્ય ન્યાયપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેની સરાહના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. તમામ ન્યાયાધીશો દ્વારા કોવિડના કપરા સમયમાં પણ પ્રસંશનીય કામગીરી કરવા બદલ ન્યાયાધિશોને અભિનંદન  પણ પાઠવ્યા હતા. જે ન્યાયાધીશો ન્યાયિક કામગીરી દરમ્યાન કોવિડ ગ્રસ્ત થયેલ હોય અને કોવિડને કારણે જે ન્યાયાધીશો અવસાન પામેલ છે તેઓના પરિવાર પ્રત્યે સંવેદના તેમણે  વ્યક્ત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ પર ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારી હોય છે, દરેક જ્યુડિશિયલ ઓફિસરે આશાવાદી અને સકારાત્મક બનવું જોઈએ. હું નહીં કરી શકું એમ નહીં પરંતુ ‘આઈ કેન’નો અભિગમ અપનાવો જોઈએ. જિલ્લા ન્યાયતંત્રની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્યારે તેમણે પ્રો એક્ટિવ બનીને કામ કરવું જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય ન્યાયધીશે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ન્યાય ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રી તથા ગુજરાત સરકારનો ખૂબ સારો સહયોગ મળી રહે છે. મુખ્યમંત્રીશ્રી સાથે જ્યારે બેઠક થઈ હતી ત્યારે તેમણે એક જ દિવસમાં ન્યાયતંત્રને લગતા 27 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

રાજ્યની વિવિધ કોર્ટના પેન્ડિંગ કેસોની વિગતો આપતાં મુખ્ય ન્યાયધીશે સમગ્ર રાજ્યના જ્યુડિશિયલ ઓફિસર્સને ક્વોલિટી અને ક્વોન્ટિટીની દૃષ્ટિએ ઉચ્ચ સ્તરીય પરફોર્મન્સ કરવા માટે આહ્વાન આપ્યું હતું. લોકોને ઝડપી અને ગુણવત્તાયુક્ત ન્યાય મળે, કોઈએ ન્યાય માગવા માટે પરેશાન ન થવું પડે, એ દરેક જ્યુડિશિયલ ઓફિસરની જવાબદારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.આર શાહે જણાવ્યું હતું કે ડિસ્ટ્રીક્ટ જ્યુડિશિયરી એ ન્યાયતંત્રનો સ્તંભ છે, એ જેટલો મજબૂત હશે ન્યાયતંત્રની ઈમારત પણ એટલી જ મજબૂત બનશે. જસ્ટિસ શાહે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ન્યાયતંત્રને સરકારનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તરત ફંડ મળી જાય છે. સમગ્ર દેશમાં ગુજરાતની આ બાબતે ઇમેજ ખૂબ જ સારી છે.

કોમનમેનને ન્યાય અપાવો એ આપણી સૌ પ્રથમ ફરજ છે. ઝડપી ન્યાય એ દરેકનો અધિકાર છે, એવું જણાવીને જસ્ટિસ શાહે કોર્ટમાં સારા પરફોર્મન્સ માટે તેમણે 3 પી – પ્રિપેરેશન, પંકચ્યુઆલિટી અને પોલાઇટનેસનો મંત્ર આપ્યો હતો. ન્યાયમાં થતા વિલંબ અને કેસના ભરાવા અંગે આત્મમંથન કરવા પર ભાર મૂકતાં જસ્ટિસ શાહે સૂચવ્યું હતું કે વૈકલ્પિક ન્યાય પદ્ધતિઓ અપનાવીને પણ ન્યાયમાં વિલંબ ટાળવો જોઈએ. માઇક્રો પ્લાનિંગ તથા સ્ક્રુટિની કમિટી જેવી સમિતીઓ રચીને પણ કોર્ટનો સમય બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ જે.બી. પારડીવાલાએ વર્ચ્યુઅલ ઉદબોધનમાં જણાવ્યું હતું કે બંધારણના આમુખમાં જણાવેલાં મૂલ્યોને ચરિતાર્થ કરવાની જવાબદારી ન્યાયતંત્રની છે. કોર્ટ સામાન્ય માનવીનો આખરી આશરો હોય છે. ન્યાયતંત્રે બંધારણના રખેવાળની ભૂમિકા નિભાવવાની હોય છે. બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરીને સમાજમાં સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાની સ્થાપના કરવાની જવાબદારી ન્યાયતંત્રની છે.

જસ્ટિસ પારડીવાલાએ ન્યાયધીશોને ધ્યાન અને યોગ થકી શારીરિક અને માનસિક રીતે પવિત્ર અને પ્રભાવી બનવા સલાહ આપી હતી. ન્યાયાલયોએ કોર્ટ ઓફ લો નહિ, પરંતુ કોર્ટ ઓફ જસ્ટિસની ભૂમિકા ભજવવાની છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં નિષ્પક્ષ રહીને જ કામ કરવું જરૂરી છે. ન્યાયાધીશનું થોડું અજ્ઞાન ચલાવી શકાય, પરંતુ અપ્રામાણિકતા સહેજ પણ ન ચાલે.

જસ્ટિસ બેલાબહેને વધુમાં જણાવ્યું હતું કે જજિંગ એક ટફ ટાસ્ક છે, પરંતુ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ડિસ્ટ્રિક જ્યુડિશિયલ સૌથી વધુ વલ્નરેબલ હોય છે. અનેક દબાણો અને અભાવો વચ્ચે તેણે કામ કરવાનું હોય છે, પરંતુ તમે તમારામાં અને બંધારણમાં શ્રદ્ધા રાખો તો કોઈથી ડરવાની જરૂર રહેતી નથી, એવું તેમણે ઉમેર્યું હતું.

આ એક દિવસીય અધિવેશનમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ જસ્ટિસ એ. જે. દેસાઈ, જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી સહિતના હાઇકોર્ટના ન્યાયાધીશો ઉપરાંત રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ સુશ્રી એસ.વી. પીન્ટો, ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ શ્રી આર.કે. દેસાઈ ઉપરાંત રાજ્યભરમાંથી જિલ્લા અને તાલુકા સ્તરના 900થી વધારે ન્યાયધીશો અને ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat