Latest News

ગુજરાતમાં ગ્રીન કવર વધારી જમીન ધોવાણ અટકાવવા ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર થશે- મુખ્યમંત્રીશ્રી

રાજ્યના નગરો-મહાનગરોમાં ઘન કચરા-સૂકા-ભીના કચરાના વર્ગીકરણ માટે નાગરિકોને અલાયદા ડસ્ટબિનનું વિતરણ સંપન્ન-: મુખ્યમંત્રીશ્રી

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગ્રીન કવર વધારી જમીનનું ધોવાણ અટકાવવા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતા સાથે ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યકત કર્યો છે.

       આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતથી લઇને મહાપાલિકા સુધીના વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હજાર વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણીથી સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સ્વચ્છ ઊર્જાના આર્વિભાવને સ્વીકારી ‘કનેકટ ટૂ નેચર’ અભિગમ સાથે આવાં ૧૦ કરોડ વૃક્ષો સ્વૈચ્છિક સંગઠનો, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગમાં જનભાગીદારીથી વાવવા છે.

       મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ, પ-જૂનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમદાવાદ મહાનગરમાં સૂકા-ભીના કચરાના વર્ગીકરણ માટે પ૦ હજાર ગ્રીન-બ્લ્યુ ડસ્ટબિનનું નાગરિકોને વિતરણ કર્યુ હતું.

       તેમણે અમદાવાદ મહાનગરમાં ઇ-રીક્ષા, પર્યાવરણ જતન કેલેન્ડર સહિતના વિવિધ પર્યાવરણ સુરક્ષા વિકાસ કામોના પ્રજાપર્ણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં કર્યા હતા.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને તેમના ઘર, કામકાજના સ્થળો, દૂકાન, ઉદ્યોગના સ્થળે સ્વચ્છતા માટે પ્રેરિત કરતી અને ભીના-સૂકા કચરાના અલગ-અલગ વર્ગીકરણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

       તેમણે આવા ભીના કચરાના પ્રોસેસિંગથી વર્મીકમ્પોસ્ટ-ખાતર બનાવીને જમીનની ફળદ્રુપતા વધે, ખેતી વધુ સમૃધ્ધ થાય તે માટે પણ પ્રેરણા આપી હતી.

       મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પર્યાવરણ દિવસની ઉજવણી એક પ્રતિક છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યકિતથી સમષ્ટિ અને જીવથી શિવનો વિચાર થયેલો જ છે.

       આપણે તો પ્રકૃતિ-પ્રભુ-પર્યાવરણના સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને સૌનુ સન્માન-સૌની રક્ષા-એકબીજા આધારિત પૂરક બનવાની ભાવનાથી સમગ્ર બ્રહ્માંડને પરિવાર ભાવે જોડનારા લોકો છીએ તેમ તેમણે ઉમેર્યુ હતું.

       છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરને વરેલી આ સંસ્કૃતિમાં ભગવાન બુધ્ધ પર્યાવરણ પ્રતિબધ્ધતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ છે તેમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧૬૭ નગરપાલિકા ૮ મહાનગરોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા કરીને ડમ્પીંગ સાઇટ પરના આવા કચરામાંથી વેસ્ટ-ટૂ એનર્જીની દિશામાં યોગ્ય મિકેનિઝમ રાજ્ય સરકાર ગોઠવી રહી છે તેની ભૂમિકા પણ આપી હતી.

       તેમણે આ અંગે જણાવ્યું કે, આવી ડમ્પીંગ સાઇટમાં જેમ બને તેમ ઓછો કચરો એકત્ર થાય અને કથીરમાંથી કંચન કઇ રીતે બની શકે તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રો સાથે રાજ્ય સરકાર પણ સક્રિય છે.

       મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતના શહેરોમાં પ્રદૂષણ ન વધે તે હેતુથી સ્માર્ટ સિટીના ક્રાઇટેરિયામાં આવતી તમામ બાબતોની ચિંતા સરકારે કરી છે. વધતું જતું વાયુ-હવા પ્રદૂષણ કેટલું ભયાવહ હોય છે તેનું ઉદાહરણ દીલ્હીનું વાયુ પ્રદૂષણે પુરૂં પાડયુ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વૈવિધ્યસભર પ્રાકૃતિક સંપદા વિપૂલ પ્રમાણ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યુ કે, સૌર ઊર્જા, પવન ઊર્જા, વિશાળ જંગલો, કુદરતી સંશાધનો સૌનો સહયોગ કરીને પ્રકૃતિ સાથે જોડાઇએ તો આવનારા ભવિષ્યમાં ગુજરાત સ્વચ્છ ભારતના નિર્માણમાં દિશાદર્શક બનશે.

       તેમણે યુવા પેઢીને આ વાત ઉપાડી લેવાનું પ્રેરક આહવાન કરતાં જણાવ્યું કે, પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર-રાજ્યથી ભાવિ પેઢીને સ્વચ્છતા-સ્વસ્થતા આપવાનું દાયિત્વ યુવાવર્ગો નિભાવે તે સમયની માંગ છે.

       મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ તાજેતરમાં ‘મન કી બાત’માં પર્યવારણ રક્ષાની કરેલી અપિલને સૌ સાથે મળી સાકાર કરવા સંકલ્પબધ્ધ થવા પણ પ્રેરણા આપી હતી.

       નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રેરક સંબોધનમાં પર્યાવરણની જાળવણીની રાજ્ય સરકાર અને જનસમુદાયની સંયુક્ત જવાબદારી છે તેમ જણાવ્‍યું હતું. ગ્‍લોબલ વોર્મીંગનો આજે વિશ્વ સામનો કરી રહ્યું છે ત્‍યારે આપણી આવનારી પેઢીને પણ આપણે વિચાર કરી પર્યાવરણનું જતન કરવા નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

       તેમણે કહ્યું કે, પર્યાવરણનું જતન એ આપણા ધર્મ – સંસ્‍કારોમાં વારસામાં મળેલું છે અને તેનું જતન-રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આ કાર્યક્રમમાં વધુ ને વધુ યુવા વર્ગ જોડાય અને હરિયાળું ગુજરાત – સ્‍વચ્‍છ ગુજરાતનું નિર્માણ કરીએ તેવી નેમ વ્‍યક્ત કરી હતી.

       નાયબ મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરોના શેરી-મહોલ્લા-સોસાયટીઓને ઘન કચરા નિકાલની તથા સ્વચ્છતા-સફાઇ જાળવણીની ઉત્કૃષ્ટતા માટે ઇનામોથી પ્રોત્સાહિત કરવાનો પ્રેરક વિચાર પણ આપ્યો હતો.

       તેમણે વિશ્વમાં વિકરાળ બની રહેલી ગ્લોબલ વોર્મિગ સમસ્યા સામે એક જુટ થઇ તારણોપાય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ સમૂદાયને કરેલા આહવાનની ભૂમિકા આપી હતી.

       મહાનગરના મેયર શ્રી ગૌતમભાઇ શાહે ગ્રીન ગુજરાત – સ્‍વચ્‍છ ગુજરાતના મહાઅભિયાનમાં નગરજનોને જોડાઇ મહાનગરને સ્‍વચ્‍છ કરવા તથા ગ્રીન સીટીમાં જોડાવા અનુરોધ કરતાં જણાવ્‍યું હતું કે, આ અંગે મહાનગરમાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે તા. ૫મી જૂનથી તા. ૧૬મી જુન સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ પર રજિસ્‍ટ્રેશન કરી શકાશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરમાં ૫૦,૦૦૦થી વધુ ડસ્‍ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે. મેયરશ્રીએ પ્રદૂષણરહિત સ્‍માર્ટ સીટીનું નિર્માણ કરવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.’’

       વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે  મહાનગરના વિકાસ કાર્યોનું મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે ઇ-લોંચીંગ કરવામાં આવ્‍યું હતું જેમાં રૂા. ૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચાનું લોકાર્પણ તથા રૂા. ૬૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત અર્બન હેલ્‍થ સેન્‍ટરનું લોકાર્પણ તથા ગ્રીન કેલેન્‍ડર અને ઇ – રીક્ષાનું પણ લોન્‍ચીંગ કરવામાં આવ્યું હતું.

       આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી વલ્‍લ્‍ભભાઇ કાકડિયા, શ્રીમતી નિર્મલાબેન વાધવાણી, સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, ડેપ્‍યુટી મેયર શ્રીમતી પ્રમોદાબેન, ધારાસભ્‍યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat