Latest News

મુખ્યમંત્રીશ્રીએ શક્તિપીઠ પાવાગઢથી ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ આયોજિત ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથને કરાવ્યુ પ્રસ્થાન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:   

  • યુવા શક્તિની તાકાત જ ભારતને મહાસત્તા બનાવશે : કેન્દ્ર અને રાજ્ય સરકારે યુવા વિકાસના અનેકવિધ આયોજન કર્યા છે
  • સમાજને તોડવા અને વર્ગ વિગ્રહનું વાતાવરણ પેદા કરવાના કારસાઓથી રાજ્યની પ્રજા ભોળવાશે નહીં 
  • સમાજમાંથી વ્યસનોના દૂષણને ડામી દેવા કાયદાને વધુ કડક બનાવાશે
  • ઠાકોર સમાજે ગુજરાતના વિકાસ માટે લોહી પસીનો એક કર્યો છે, આ સમાજે સહન કર્યુ છે પણ કોઇનું છીનવ્યુ નથી

ભારત વિશ્વમાં સહુથી વિપુલ યુવાશક્તિ ધરાવે છે, યુવાનો ખૂબ જ બુધ્ધિશાળી છે જેને યોગ્ય દિશા અને પીઠબળ આપવાથી ચમત્કારો સર્જી શકાય છે તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે યુવા શક્તિની તાકાત જ ભારતને મહાસત્તા બનાવશે.

યુવાનો માટેના પ્રધાનમંત્રીશ્રીના ડિજીટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ સહિતના આયોજનોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, યુવા શક્તિનો રાષ્ટ્ર ઘડતર માટે સુઆયોજિત વિનિયોગ કરવા ભારત સરકારે અને રાજ્ય સરકારે યુવા વિકાસના અનેકવિધ આયોજનો કર્યા છે. સમાજને તોડવા અને વર્ગ વિગ્રહનું વાતાવરણ પેદા કરવા માટે ઘણાં કારસાઓ થઇ રહ્યા છે પરંતુ રાજ્યની પ્રજા તેનાથી ભોળવાવાની નથી એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વ્યસનમુક્તિની બાબતમાં સરકાર ખૂબ ગંભીર છે, દારૂબંધીની નીતિને ચૂસ્તપણે વરેલી છે અને વ્યસનોના દૂષણને કડકાઇથી ડામી દેવા માટે આગામી દિવસોમાં કાયદાઓને વધુ કડક બનાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર શક્તિપીઠ પાવાગઢથી ઠાકોર સમાજના ભામાશા તરીકે ઓળખાતા રોહિતજી ચંદુજી ઠાકોરના પીઠબળ અને સમાજના સહયોગથી યોજવામાં આવેલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ આયોજિત આ રથયાત્રા ગુજરાતના ગામે ગામ ફરશે અને વ્યસન, વહેમ તેમજ અંધશ્રધ્ધાથી મુક્ત સમાજ રચના તેમજ કન્યા કેળવણી, શિક્ષણ,સમુહ લગ્નોના આયોજન, બેટી બચાવો-બેટી વધાવો,  સામાજિક એકતા અને સંગઠનનો સંદેશો આપશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વ્યસનો અને કુરીવાજોથી મુક્ત થવાની જાગૃતિ તમામ સમાજો કેળવે, આ રથયાત્રા દ્વારા તેની પહેલ કરવા માટે ઠાકોર સમાજ અભિનંદનને પાત્ર છે. ઠાકોર સમાજ પ્રમાણીક, કર્તવ્યનિષ્ઠ અને મહેનતુ છે, આ સમાજે ગુજરાતના વિકાસ માટે લોહીપસીનો એક કર્યો છે અને આ સમાજે સહન કર્યુ હશે પણ ક્યારેય કોઇનું છીનવ્યુ નથી એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વ્યસનમુક્તિ, શિક્ષણ, કન્યા કેળવણીને પ્રોત્સાહન તેમજ એકતા અને સંગઠનને ઉત્તેજન જેવા ધ્યેયો માટે રથયાત્રાના, શ્રી રોહિતજી ઠાકોર સહિતના તમામ આયોજકોને બિરદાવ્યા હતા તથા જણાવ્યુ કે, આ યાત્રા ખરેખર ઘણા સારા કામો માટે નીકળી છે.

મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ પૂર્વે પાવાગઢ શક્તિપીઠના અધિષ્ઠાત્રી મહાશક્તિ કાળીકાના ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા અને પહેલીવાર માના દર્શનના મળેલા અવસર માટે  પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પાક બચાવવા વીજ પુરવઠાના સમયમાં વધારો, મગફળીની ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા, વિધવા બહેનોના પેન્શનમાં વધારો જેવા જન કલ્યાણ આયોજનોની વિગતો આપી હતી. પ્રધાનમંત્રીશ્રીની સરહદની સુરક્ષા માટેની સર્જીકલ સ્ટ્રાઇકથી આતંકવાદીઓ પર કુઠારાઘાત થયો છે અને સેનાનુ મનોબળ અને સ્વાભિમાન વધ્યુ છે તો કાળા નાણાં પરની સર્જીકલ સ્ટ્રાઇકથી મળેલુ ધન દેશના અને ગરીબોના વિકાસ માટે વપરાશે. આ સરકાર ગરીબો, પીડિતો અને શોષિતોના ઉત્કર્ષને સમર્પિત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

તેમણે, જાગૃતિ અભિયાન રથયાત્રા એક અને નેક બનવાની જાગૃતિનું સિંચન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, દેવજીભાઇ ફતેપુરા, ઠાકોર-કોળી વિકાસ નિગમના અધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, પૂર્વ સાંસદ પૂજાજી ઠાકોર, રમણસિંહ સોલંકી સહિતના આગેવાનોએ વ્યસનમુક્તિ, શિક્ષણ, સંગઠન અને અંધશ્રધ્ધા નિવારણ માટે રથયાત્રા યોજવા બદલ રોહિતજી ઠાકોરની સમાજસેવાની ભાવનાને બિરદાવી હતી. શ્રી રોહિતજીએ સહુના સહયોગનો ઋણ સ્વીકાર કર્યો હતો.

મહામંડલેશ્વર ભારતી બાપુ અને સંત ખેતીયા બાપાએ શુભ ઇરાદાવાળા યાત્રાને આશીષ પ્રદાન કર્યા હતા. માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણે સહુને આવકાર્યા હતા. સંસદીય સચિવશ્રી ભરતસિંહજી ડાભી તથા સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat