Latest News

રાજ્યમાં આંગણવાડી કાર્યકર-તેડાગરો બહેનોને નિમણૂંક પત્રો આપવાનો મુખ્યમંત્રીશ્રીએ વડોદરાથી કરાવ્યો પ્રારંભ

  : મુખ્ય મંત્રીશ્રી :

  • સુપોષિત માતા સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે
  • વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે
  • ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે

  **********************

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૮૦૦ કરોડની ફાળવણી કરી છે. જેમાં સુપોષિત માતા – સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે, દ્રઢ નિર્ણય શક્તિ અને સૌને સાથે લઇ વિકાસની ગતિ કેમ બમણી કરી શકાય. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે.

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત ઝોનના સાત જિલ્લાઓ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪૧૬ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં ૭૦૦૦ જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી ફકત બે માસના ટૂંકાગાળામાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂંક પત્રો આપવાનો મુખ્ય મંત્રીશ્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.

  ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, તેમ કહેતા શ્રી પટેલે ઉમેર્યું કે, વિકાસનું ગ્રોથ એન્જીન ત્યારે જ કહી શકાય કે વિકાસના ફળ છેવાડના માનવી સુધી પહોંચે અને વંચિત વર્ગ પણ તેની અનુભૂતિ કરે. તેથી સૌના વિકાસ માટે આ સરકાર સતત ઉદ્દમશીલ છે.

  મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે. રાજ્યના તમામ બાળકો સુશિક્ષિત બને તે માટે આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોનું પ્રાથમિક શિક્ષણથી જ સ્થાયીકરણ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયત્નોને પરિણામરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે.

  કોરોના મહામારીમાં થયેલા સેવાયજ્ઞની ભૂમિકા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, એ કપરા કાળમાં દુનિયાના વિકસિત દેશોએ પોતાના નાગરિકોની પરવાહ કરી નહોતી. તેની સાપેક્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની ૧૩૦ કરોડની જનતાના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવતા કોરોનામાંથી દેશને ઉગાર્યો છે. દેશનો એક ગરીબ પરિવાર આ મહામારીના કારણે ભૂખ્યો ના સુવે તેની ચિંતા કરીને તમામ ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપી તેમની ખેવના કરી છે.

  દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના એવી આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના જરૂરતમંદ તમામ પરિવારોને રૂ. ૫ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ વડાપ્રધાનશ્રીએ પૂરૂ પાડ્યું છે.

  ગુજરાતમાં મહિલાઓ અભય છે, સુરક્ષિત છે, તેવું સ્પષ્ટપણે કહેતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મધરાતે પણ મહિલા બહાર નીકળી કોઇ પણ ગભરાટ વિના ફરી શકે છે. રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઉચિત પ્રબંધ કર્યો છે.

  મહિલા અને બાળ કલ્યાણ વિભાગને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માત્ર ખૂબ જ ટૂંકાગાળામાં સાત હજાર જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકપત્રો આપી પારદર્શી અને કાર્યદક્ષતાનું કાર્ય કર્યું છે. આગામી એક સપ્તાહમાં પસંદ પામેલી બહેનોને નિયુક્તિપત્રો આપી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નિરાધાર, વૃદ્ધ, દિવ્યાંગો તેમજ મહિલાઓને જરૂરી તમામ લાભ આપી માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

  વડાપ્રધાનશ્રીના આત્મ નિર્ભર ભારતના કોલના પ્રતિસાદરૂપે આત્મ નિર્ભર ગુજરાતના અભિયાનમાં સૌને જોડાવા તેમણે આહ્વાન કર્યું હતું.

  મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલે જણાવ્યું કે, રાજ્યના ભવિષ્યને મજબૂત કરવામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો મહત્વની ભૂમિકા અદા કરે છે. આંગણવાડીમાં આવતા બાળકોમાં સુટેવો સાથે સંસ્કાર રોપવાનું કામ આ યશોદારૂપી આ બહેનો કરી રહી છે. બાળકના ઘડતરમાં તેમનું યોગદાન મહત્વનું છે. તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, સુપોષિત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમારા વિભાગના બજેટમાં ૪૨ ટકાનો માતબર વધારો કરી મહિલાઓ અને બાળકો પ્રત્યે આગવી સંવેદના તેમણે દર્શાવી છે.

  શ્રીમતી વકીલે એમ  પણ કહ્યું કે, જનકલ્યાણની યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓને આપવા માટે અમે કટિબદ્ધ છીએ. એટલે જ ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાયની યોજનામાં ૧૨ લાખથી વધુ મહિલાઓને રૂ. ૧૬૦૦ કરોડ જેટલી સહાય સીધી તેમના ખાતામાં ચૂકવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત શક્તિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. શક્તિ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થશે. આ મેળાની નગરજનો શહેરના નવલખી મેદાન ખાતે તા.૩૦ મે સુધી મુલાકાત લઈ શકશે.

  મુખ્યમંત્રીશ્રીએ સગર્ભા માતાઓને પોષણકીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્રો, ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજૂરી પત્રો, મહિલા ઉદ્યમીઓનું સન્માન, સ્વ.સહાય જૂથોને લોન વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભોનું વિતરણ કરવા સાથે દિવ્યાંગ સાધન સહાય, વડોદરા શહેર જિલ્લામાં રૂ.૪૫૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ ૬૧ આંગણવાડી કેન્દ્રોના ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વડોદરા મહાનગરપાલિકાના જનસુખાકારીના રૂ. ૨૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

  મુખ્ય મંત્રીશ્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય પુસ્તિકા અને યોજનાઓ અંગેના પ્રશ્નો અને ઉકેલની માહિતી પુસ્તિકાનું વિતરણ કર્યું હતું.

  મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર શ્રી કે.કે. નિરાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

  પ્રારંભમાં મેયર શ્રી કેયુર રોકડીયાએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં આઈ.સી.ડી.એસ ના નિયામક શ્રી ડી. એન. મોદીએ આભારવિધિ કરી હતી.

  આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, જીતુભાઈ સુખડીયા, સીમાબેન મોહીલે, કેતનભાઈ ઇનામદાર, અક્ષયભાઈ પટેલ, અગ્રણી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ,કલેકટર શ્રી અતુલ ગોર, સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ સહિત લાભાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.

  Source: Information Department, Gujarat