Latest News

વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭ના પૂર્વાધરૂપે મહાત્મા મંદિરમાં “ઇન્ટરનેશનલ કોન્કલેવ ઓન હાયર એજ્યુકેશન”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

  • ૧૦ દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના શિક્ષણ તજ્જ્ઞોની પ્રેરક ઉપસ્થિતી
  • કોન્કલેવ માનવજાતના કલ્યાણની ભાવના સાથેના આધુનિક જ્ઞાન સંગમનું નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બનશે: મુખ્યમંત્રીશ્રી
  • કોમ્પીટીટીવ નોલેજ સેન્ચ્યુરીમાં યુવાશકિતના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણમાં થતું રોકાણ રાષ્ટ્રનિર્માણ કાર્ય છે: મુખ્યમંત્રીશ્રી
  • લોકશાહી અને લોકશકિતની બે સ્પેશ્યલ સ્ટ્રેન્થના વિનિયોગથી ગુણાત્મક શિક્ષણ દ્વારા સબકા સાથ સબકા વિકાસ સાકાર કર્યુ છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ઈન્ટરનેશનલ કોન્કલેવ ઓન હાયર એજ્યુકેશન-ક્વોલિટી,ગવર્નન્સ એન્ડ ઈનોવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, બે સ્પેશ્યલ સ્ટ્રેન્થ લોકશાહી અને લોકશક્તિ બેયના વિનિયોગથી ગુણાત્મક શિક્ષણ દ્વારા ગુજરાતમાં ‘‘સબ કા સાથ, સબ કા વિકાસ’’ની નેમ સાકાર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, માત્ર ટ્રેડિશનલ પરંપરાગત શિક્ષણથી આગળ વધીને રોજગાર અવસર સાથે જ્ઞાનપ્રાપ્તિના વૈશ્વિક અવકાશ મળે તેવી શિક્ષા-દિક્ષા પ્રણાલિથી ગુજરાતને એજ્યુકેશન હબ બનાવ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૭ના પૂર્વાધરૂપે રાજ્યના શિક્ષણ વિભાગે આ કોન્કલેવનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ આ કોન્કલેવ નોલેજ શેરિંગનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, વિશ્વની માનવજાતના કલ્યાણની ભાવના સાથેનું આધુનિક જ્ઞાન સંગમ કરતું શિક્ષણ જ નોલેજ ઈકોનોમીનું અધિષ્ઠાતા બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ સ્કિલ, સ્કેલ એન્ડ સ્પીડની આજની કોમ્પિટિટિવ નોલેજ સેન્ચ્યુરીમાં અનિવાર્યતા વર્ણવતા જણાવ્યું કે, યુવાશક્તિના ભવિષ્ય માટે શિક્ષણમાં થતું રોકાણ એ રાષ્ટ્રનિર્માણનું જ કાર્ય અને દાયિત્વ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે અખૂટ પ્રતિભાથી થનગનતા યુવાઓ માટે યુનિવર્સિટી એજ્યુકેશનમાં સ્પેશ્યલાઈઝેશન, ઈનોવેશન અને એકસલન્સના મોડેલરૂપ યુનિવર્સિટીઓ ફોરેન્સીક સાયન્સથી યોગ યુનિવર્સિટી સુધીના સર્વગ્રાહી શિક્ષણ વિકાસ માટેની ગુજરાતની અભિનવ પહેલ છે. મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપના આધારે યુવાશક્તિના સામર્થ્યને નિખાર આપી નવા આવિષ્કારો સાથે ગુજરાતને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે દ્રષ્ય-શ્રાવ્ય  સંદેશામાં જણાવ્‍યું હતું કે, નાલંદા અને તક્ષશિલાના સમયથી ભારતની ઉચ્ચ શિક્ષણ શ્રેષ્ઠસ્ત હોવાનું સ્વીકાર્યું છે ત્યારે હાલ વૈશ્વિક ફલક ઉપર ભારતની શૈક્ષણિક સંસ્થાઓએ સ્પર્ધાત્મકતા જાળવવા વધુ સજ્જ બનવું પડશે. સાતત્યૈપૂર્ણ સમૃધ્ધિ માટે શિક્ષણ પ્રણાલી શ્રેષ્ઠ હોય તે આવશ્યક છે તેમ જણાવી શ્રી જાવડેકરે પ્રાથમિક શિક્ષણને ઈનોવેશન માટેનો પાયો ગણાવ્યો  હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે સરકાર સહયોગ આપીને મેઇક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સપનાને સાકાર કરશે. મુખ્યમંત્રીશ્રીએ સંશોધનો અને નૂતન આવિષ્કાર ક્ષેત્રે સ્વાતંત્ર્યની હિમાયત પણ કરી હતી અને ગુજરાત ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સંશોધન વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહેશે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી.

અહીં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું  હતું કે, ઉચ્‍ચ શિક્ષણના વિકાસ માટે રિસર્ચ, ટ્રેનિંગ અને ઇનોવેશન ઉપર ભાર મુકવો જરૂરી છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કવોલિટી, કવોન્ટિટી અને ઈકવાલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષણના વિકાસ માટે ટ્રેનિંગ રિસર્ચ અને ઇનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે પી.ડી.પી.યુ., જી.ટી.યુ., સેપ્ટ, એફએસયુ, જીએનએલયુ અને આરએસયુ જેવી શૈક્ષણિક ક્ષેત્રની શ્રેષ્ઠ યુનિવર્સિટી-સંસ્થાઓની સ્થાપના કરી છે. આજના એક દિવસીય શૈક્ષણિક સેમિનારમાં નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયનની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગુજરાત સરકારે સ્ટુડન્ટલ એન્ડ ફેકલ્ટી  એકસચેન્જ પ્રોગ્રામ સહિત વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં કરાર કર્યા છે. આજના સેમિનારથી ગુજરાતને શૈક્ષણિક ક્ષેત્રે નવી વૈશ્વિક તકો ઉપલબ્ધ  થશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રી ચૂડાસમાએ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે ઉચ્ચ  અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી અંજુ શર્માએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે યુરોપિયન યુનિયન પ્રતિનિધિમંડળના વડા, બ્રિટીશ કાઉન્સીલ ઇન્ડીયાના કન્ટ્રી ડાયરેકટર ડેન્માર્કના રાજદૂત, ઓસ્ટ્રેલિયન કાઉન્સીલ જનરલ તેમજ યુનાઇટેડ કિંગડમના ડેપ્યુટી હાઇકમિશ્નર સહિત પ્રાથમિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી નાનુભાઇ વાનાણી, માર્ગ-મકાન અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબહેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરી, વિવિધ યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રીઓ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ અને શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat