મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, સમાજના ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકારે ગરીબો-વંચિતો-શોષિતો અને પીડિતોને એફોડેબલ હાઉસીંગ તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સુવિધાસભર આવાસો પુરા પાડીને ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વડોદરા શહેરના અટલાદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એફોડેબલ હાઉસીંગ અંતર્ગત બી.એસ.યુ.પી. તથા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અંદાજે રૂા. ૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૪૨૧૭ આવાસોની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા ફાળવણી કરી લાભાર્થીઓને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરતી ખુશીઓની ચાવી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બાળકો માટે સાંસદ અનુદાનમાંથી રૂા. ૫૦ લાખના ખર્ચે નિર્માણ થનાર બાળકો માટેના તરણ હોજ (બેબી સ્વીમીંગ પુલ)નું ખાતમુહૂર્ત સંપન્ન કરવા સાથે વડોદરા શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ શહેરના ભવ્ય વારસો અને ઇતિહાસની જાણકારી મેળવી શકે તે માટે સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ સાંસદ અનુદાનમાંથી રુા. ૩૧.૮૮ લાખના ખર્ચે તૈયાર થયેલ વડોદરા દર્શન બસ સેવાને પ્રસ્થાન કરાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબ આવાસ યોજના હેઠળ શહેરના તરસાલી, કપુરાઇ, સયાજીપુરા, અટલાદરા અને બાપોદમાં રુા. ૬૭ કરોડના ખર્ચે ૧૨૭૬ આવાસો, મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ EWS, LIG, MIG યોજના હેઠળ રૂા. ૩૩૩ કરોડના ખર્ચે શહેરના તાંદલજા, ગોત્રી, સયાજીપુરા, અટલાદરા, હરણી, સમા, સૈયદવાસણા, માંજલપુરમાં નિર્માણ થયેલ ૨૯૪૧ આવાસોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ સરકાર ગરીબો માટે સમર્પિત અને સંવેદનશીલતાના ભાવ સાથે કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યભરમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં ઘરવિહોણા તમામ પરિવારોને પોતીકુ ઘર આપવા માટે સરકાર પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, પ્રવર્તમાન સરકાર માત્ર વોટ બેંકની રાજનીતિ નહીં પરંતુ ગરીબો-શોષીતો-પીડિતોના સર્વાંગી વિકાસ માટેની સતત ચિંતા કરી ગરીબ પરિવારોના સમુચિત વિકાસ માટે નક્કર યોજનાઓ સાથે તેમની આશાઓ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે કટિબધ્ધ છે.
સરકાર માત્ર વાતો કે વાયદા નહીં પરંતુ ગરીબલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા ગરીબોની ભલાઇ માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં માત્રને માત્ર ગરીબોને ઘર આપવાની વાતો કરી ગુમરાહ કરવામાં આવતા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજ્ય સરકારની એફોડેબલ હાઉસીંગ યોજનાઓ હેઠળ ગરીબ પરિવારોને સસ્તા અને નજીવા દરે આવાસો પુરા પાડવામાં આવી રહ્યા છે. આ વર્ષની દિવાળી સરહદ પર તૈનાત સેનાના જવાનો સાથે ઉજવી તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ પેદા થાય તે માટે પ્રવાસન નિગમના સહયોગથી ડિસેમ્બરના અંત સુધીમાં સરકાર દ્વારા સીમા દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, આઝાદીના ૭૦ વર્ષો બાદ આ સરકાર નોંધારાનો આધાર બની સમાજના ગરીબ અને મધ્યમ પરિવારના દરદીઓને ૪૦ થી ૮૦ ટકા રાહતદરે જેનેરીક દવાઓ પુરી પાડવાની સુવિધાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં રાજ્યમાં ૫૨ જેટલી મોટી હોસ્પિટલોમાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી ભંડારનો પ્રારંભ કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદને સાચા અર્થમાં સાકાર કર્યો છે. બીજા તબક્કામાં રાજ્યમાં ૫૦૦ જેટલા દીનદયાળ ઔષધી ભંડાર શરૂ કરાશે. વર્ષ ૨૦૧૭માં રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦૦૦થી વધુ જન ઔષધી ભંડાર શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરામાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉપરાંત સામાજીક જવાબદારી નિભાવવા બદલ મહાનગરપાલિકાના શાસકોને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ બદલ મુખ્યમંત્રીશ્રીએ શહેરીજનો અને શાસકોની કામગીરી બિરદાવી હતી.
ઘર એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે એવી લાગણી વ્યક્ત કરતા ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ કે શહેરના હજારો લોકોનું આજે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે. રાજ્યમાં એકપણ ગરીબ પરિવાર ઘરવિહોણો ન રહે તે માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું તેમણે જણાવ્યુ હતું.
પ્રારંભમાં મેયરશ્રી ભરતભાઇ ડાંગરે સહુનો આવકાર કર્યો હતો.
આ અવસરે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ સુખડિયા, યોગેશભાઇ પટેલ, મનીષાબેન વકીલ, પુરવઠા નિગમના ચેરમેનશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, અગ્રણીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, નાયબ મેયરશ્રી યોગેશભાઇ પટેલ, પદાધીકારીઓ, મ્યુ. કમિશનરશ્રી ડૉ. વિનોદ રાવ, કલેકટરશ્રી લોચન સેહરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૌરભ પારઘી, નગરસેવકો સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.
Source: Information Department, Gujarat