મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂત હિતકારી અભિગમ દર્શાવતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં લેન્ડ એકવીઝીશન હેઠળના લોકઅદાલતના કેસોમાં સમાધાનની નાણાંકીય મર્યાદા રૂ. બે લાખથી વધારીને રૂ. પાંચ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. લોકઅદાલતના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પડતર કાનૂની કેસોમાં લોકોને ઝડપી ન્યાય મળે તે માટે પ્રતિબધ્ધ છે. તદ્દનુસાર મહેસૂલ વિભાગે જમીન વળતરના કેસોમાં સ્થળ પર સમાધાન હેતુથી અગાઉ પેટી કલેઇમની રકમ રૂ. બે લાખ કરી હતી. આના પ્રોત્સાહજનક પરિણામે પડતર કેસો પૈકી ૩૮૮પ જેટલા કેસોનો ઝડપી નિકાલ થઇ ગયો હતો.
રાજ્ય સરકારે આ પ્રોત્સાહજનક પરિણામો ધ્યાને લઇને હવે જમીન સંપાદન હેઠળના પડતર કાનૂની કેસોના વધુ ઝડપી નિકાલ માટે સ્થળ પર સમાધાનની પેટી કલેઇમ રકમમાં ૧પ૦ ટકાનો વધારો કરી રૂ. ર લાખથી રૂ. પાંચ લાખની રકમ કરી છે. રાજ્ય સરકારના આ કિસાન કલ્યાણ નિર્ણયને પરિણામે ખેડૂતોને જમીન વળતરમાં આવા પેટી કલેઇમ લોકઅદાલતના માધ્યમથી ઝડપથી પ્રાપ્ત થશે. કાનૂની પડતર કેસોમાં બાકી કેસો પૈકી પાંચ લાખ સુધીના કેસોનું સ્થળ પર સમાધાન થતાં ખેડૂતોને મોટી રાહત મળશે.
Source: Information Department, Gujarat