Latest News

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટમાં સ્માર્ટ સિટી રાજકોટ હેકાથોન સ્પર્ધા-ર૦૧૭નો પ્રારંભ

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય-પ્રદેશ કે મહાનગર-નગરની સમસ્યાઓના પરંપરાગત નિરાકરણને બદલે ટેકનોલોજીયુકત અને ઝડપી તથા લાંબાગાળાનું નિવારણ-પારદર્શી ઉકેલ આજના સમયની માંગ છે.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનહિત સ્પર્શતી આવી સેવાઓમાં ઝડપ, પારદર્શીતા અને સાતત્યપૂર્ણ ઉકેલ માટે અદ્યતન ટેકનોલોજી, આઇટી. સોલ્યુશન્સનો વિનિયોગ ડિજીટલ ઇન્ડીયાની પ્રધાનમંત્રીશ્રીની નેમને પાર પાડશે.

  મુખ્યમંત્રીશ્રી રાજકોટ મહાપાલિકા દ્વારા આયોજિત સ્માર્ટ સિટી રાજકોટ હેકાથોન-ર૦૧૭નો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેકાથોન-ર૦૧૭ને અદ્વિતીય ગણાવતાં જણાવ્યું કે, ગત તા. ર૯ જુને   રાજકોટમાં નર્મદા નીરના આજી ડેમમાં અવતરણ-વધામણા કરવા આવેલા વડાપ્રધાનશ્રીએ આ હેકાથોન સ્પર્ધા યોજવાની જાહેરાત કરી હતી તે આજે સાકાર થઇ છે.

  રાજકોટ મહાનગરની ટ્રાફિક, પાર્કીંગ, સ્વચ્છતા સફાઇ જેવી સમસ્યાઓના આઇ.ટી. સોલ્યુશન્સથી નિવારણ માટે દેશભરના ઇજનેરી છાત્રો પાસેથી સૂચનો મંગાવતી આ હેકાથોન-ર૦૧૭માં ૪૮૬ ટીમોએ નામાંકન કરાવ્યું હતું તે પૈકી ર૮પ ટીમોની પસંદગી કરવામાં આવી છે.

  હેકાથોન સ્પર્ધાના આયોજન બદલ મારવાડી યુનિ.ને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત યુવા ઇજનેરી છાત્રોને સામાન્ય નોકરિયાત નહિ, પણ નોકરી સર્જક બનવા હાકલ કરી હતી. નવા નવા રોજગારીના ક્ષેત્રોમાં મંડાણ કરવા શ્રી રૂપાણીએ ઇજનેરોને ઇજન પાઠવતા સંશોધન અને વિકાસના નવા  પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સુચન કર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ ૬પ ટકા વસ્તી ૩પ વર્ષથી નીચેની વયની ધરાવતા વિશ્વના સૌથી યુવા દેશ ભારતની આપણી યુવાશકિતને ટેકનોલોજી, આઇ.ટી. જેવા અદ્યતન શોધ-સંશોધન ક્ષેત્રમાં વિકાસની તક આપવાની સંયુકત જવાબદારી સરકાર અને સમાજની છે તેવો મત દર્શાવ્યો હતો.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા યુવાશકિત એ રોજબરોજ ટેકનોલોજી અપગ્રેડેશનથી સજ્જ રહેવું પડશે તેની આવશ્યકતા સમજાવતાં કહ્યું કે જો ટેકનોલોજી સાથે કદમ નહિં મિલાવીએ તો આપણે પાછા પડી જઇશું.

  જનસામાન્યમાં વધી રહેલા ગુડ ગવર્નન્સ પ્રત્યેના ઝોકને મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય રીતે પિછાણ્યો હતો. આ માટે લાગુ કરવામાં આવેલી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી રૂપાણીએ તેમના વકતવ્યમાં વણી લીધી હતી.

  મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજય સરકાર દ્વારા કાર્યરત કરાયેલી નવતર અભિગમ સાથેની ફોરેન્સિક,  રક્ષા, પેટ્રોલીયમ, મરીન, ટીચર્સ, ચાઇલ્ડ, યોગ, સ્પોર્ટસ વગેરે યુનિવર્સિટીઓને આજ દિશાનું સમયસરનું પગલું ગણાવ્યું હતું. અને તેનો મહતમ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

  તેજસ્વી ભારતના નિર્માણ માટે સંસ્કારયુકત શિક્ષણની મહત્તા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ સવિસ્તર સમજાવી હતી અને એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે, જેમ ભુતકાળમાં વિદેશોથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા નાલંદા, વલ્લભી, તક્ષશિલા વગેરે વિદ્યાપીઠોમાં આવતા એમ જ આધુનિક ભારતના વિકાસનો અભ્યાસ કરવા વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવશે.

  મુખ્યમંત્રીશ્રીએ મારવાડી યુનિવર્સિટીની પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી, અને સમગ્ર પરિરસનું નિરીક્ષણ કર્યું હતું.

  રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય મહેમાનોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું બહુમાન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા વતી મુખ્યમંત્રીશ્રીને હેકાથોન સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું.

  મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્યવિધિ સંપન્ન થઇ હતી. આમંત્રિતોનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું.

  મ્યુનિ. કમિ.શ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની સવિસ્તર વિગતો રજૂ કરી હતી.

  મારવાડી યુનિ.ના ચેરમેનશ્રી કેતનભાઇ મારવાડીએ હેકાથોન સ્પર્ધાના યજમાન બનવા બદલ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી તથા સંસ્થાનો ટુંકો પરિચય આપ્યો હતો. મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે દેશની યુવાશક્તિને ટેકનોલોજીના સર્વોચ્ચ શિખર સર કરવા આહવાન પાઠવ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો.

  હેકાથોન સ્પર્ધા અંગેની ટુંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટેની હેકાથોન સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી ૭000થી વધુ ઇજનેરી છાત્રોએ નોંધણી કરાવી હતી. જે પૈકી ૪૮૬ ટીમને પસંદ કરવામાં આવી હતી અને ૨૮૫ ટીમના સૂચનો આખરી સ્પર્ધા માટે લાયક ગણાવાયા હતા.

  આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયતની સ્થાયી સમિતીના અધ્યક્ષ શ્રી પુષ્કરભાઇ પટેલ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, શિક્ષણવિદ શ્રી ડી.વી.મહેતા, મારવાડી યુનિ.ના તથા દેશભરની યુનિવર્સિટીઓના તજજ્ઞો, મારવાડી યુનિ.ના છાત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

  Source: Information Department, Gujarat