Latest News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ સંદર્ભે નવી દિલ્હીમાં રાજદ્વારીઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી

• મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આકર્ષિત કરવા રાજ્ય સરકાર ‘મેઈક ઈન ગુજરાત’ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છેઃ શ્રી વિજયભાઈ રૂપાણી
• ગુજરાત VGGS-2017ના માધ્યમથી વિવિધ દેશો સાથે સંબંધોનો સેતુ સુદ્રઢ કરી સહકારને પ્રોત્સાહન આપશેઃ મુખ્યમંત્રીશ્રી
• વિદેશી રાજદૂતો-રાજદ્વારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીનો ફળદાયી વાર્તાલાપ, VGGSની આઠમી કડીમાં જોડાવા ઈજન પાઠવ્યું

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘મેઈક ઇન ઇન્ડિયા’ કેમ્પેઈનથી વિવિધ ક્ષેત્રે રોકાણની તકોના સર્જન માટેના અભિયાનોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણને પ્રોત્સાહન માટે ‘મેક ઇન ગુજરાત’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

નવી દિલ્હી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘ડિપ્લોમેટ્સ મીટ’માં વિવિધ દેશોના રાજદૂતો અને વેપાર સંચાલકોને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સંબોધતા જણાવ્યું હતું કે, વીજીજીએસ ૨૦૧૭ દ્વારા ગુજરાત વિવિધ દેશો સાથેના સંબંધો અને સહકારનો સેતુ મજબૂત બનાવશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૭ આગામી ૧૦થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ‘ગુજરાત-કનેક્ટિંગ ઈન્ડિયા ટુ ધ વર્લ્ડ’ની વિષયવસ્તુ સાથે યોજાવાની છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આ સમિટનું ઉદ્દઘાટન કરવાના છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, ગુજરાતમાં ૧૦૨ ઉત્પાદનોના ક્લસ્ટર્સ, ૨૦૦ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ્સ, ૧૯ જેટલા કાર્યરત સેઝ અને ૧૩ રોકાણ માટેના વિશિષ્ટ ક્ષેત્રો ઉપલબ્ધ છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રોના વિકાસ માટે માળખાગત સુવિધાઓ તેમજ ઇકો-સિસ્ટમ વિક્સાવવા પર રાજ્ય સરકારે ફોકસ કર્યુ છે.

‘‘ભારતનો માત્ર ૬% ભૌગોલિક વિસ્તાર અને કુલ વસતીના માત્ર ૫% વસતી ધરાવતું ગુજરાત ભારતીય અર્થતંત્રનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે ભારત જે પ્રગતિનું સાક્ષી છે, તેના માટે ગુજરાત ટ્રેન્ડ સેટીંગ રાજ્ય બન્યું છે’’ તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, ભારત સરકારના ‘મેઈક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’, ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’, ‘ડિજીટલ ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ જેવા વિવિધ કાર્યક્રમોમાં ગુજરાત વધુને વધુ સહકાર અને લાભ પુરો પાડવા કટિબદ્ધ છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝડપથી બદલાતાં જતાં માર્કેટ સીનારીયોના સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત સરકારે સોલાર પાવર પોલિસી, આઈટી એન્ડ આઈટીઝ પોલિસી, ઈલેકટ્રોનિક પોલિસી, તેમજ આવનારા દિવસોમાં એરોસ્પેસ અને ડીફેન્સ ઈક્વિપમેન્ટ પોલિસી સહિતની ૧૪ જેટલી પોલિસી સાથે બહુવિધ ક્ષેત્રોમાં અનેક નવિનત્તમ પહેલ કરી છે.

ગુજરાતની વર્તમાન સરકાર રોકાણકારોને રાજ્યમાં રોકાણ માટે દરેક સ્તરે જરૂરી સહાયરૂપ થવા ફ્રેમવર્ક ઊભું કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભારતના કુલ સમુદ્ર કિનારાના ૨૫ ટકા કોસ્ટલાઈન ધરાવતા ગુજરાતમાં કોસ્ટલ ઈકોનોમિક ઝોન્સ સ્થાપવા માટે ગુજરાતે નીતિ આયોગ મારફતે ભારત સરકારને રજૂઆત કરી છે. તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, વિવિધ રાષ્ટ્રોના રોકાણકારો માટે આ એક બહુ મોટી રસની તક બનશે.

તેમણે રાજદ્વારીઓને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરવાની અપીલ કરતાં ગુજરાતમાં આ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા ઊભી કરવા માટે તેમના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ એમ બંને પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે જેથી રાજ્યની યુવા પેઢીને આ બંને ક્ષેત્રે પ્રશિક્ષિત કરીને વૈશ્વિક સ્તરનું માનવસંસાધન આપી શકાય.

મુખ્યમંત્રીશ્રીએ જીએસટીના અમલીકરણનો માર્ગ ખુલ્લો થઈ ગયા બાદ યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -૨૦૧૭ એ ‘‘વન નેશન, વન માર્કેટ, વન ટેક્સ, વન ફાઈલિંગ’’ની અપેક્ષાઓ પૂર્ણ કરનારી પ્રથમ સમિટ બનશે તેમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ એક એવું પ્લેટફોર્મ બનવાનું છે જ્યાં વિશ્વના રાજકીય, ઔદ્યોગિક, જ્ઞાનસંપદા સમૃદ્ધ, નાણાં અને નીતિ નિર્ધારકો એક સાથે મળશે. ગુજરાત સરકાર આ તક વધુ વ્યાપક બનાવવા સજ્જ છે.

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ દેશના રાજદૂતોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ પાઠવતા તેમને ગુજરાતની વિકાસયાત્રાના સાક્ષી બનવા આહવાન કર્યુ હતું.

વિદેશ સચિવ શ્રી ડૉ. એસ. જયશંકરે ગુજરાત સરકાર વિવિધ રાજ્યો સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવા માટે જે પ્રયાસો કરી રહી છે તેની પ્રશંસા કરી હતી.

તેમણે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં રોકાણ માટેનું સાનુકુળ વાતાવરણ ધરાવતું પ્લેટફોર્મ ઊભું થયું છે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા માટેની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન. સિંહે ગુજરાતની વિકાસયાત્રાનું વિવરણ કર્યુ હતું અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. તનેજાએ ગુજરાતમાં ઉદ્યોગ વેપારની તકો અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.

વિશ્વના વિવિધ દેશોના ૬૦ જેટલા રાજદ્વારીઓ (ડિપ્લોમેટ્સ) આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા. ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસિડન્ટ કમિશનર શ્રી ભરતલાલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

Source: Information Department, Gujarat