સત્યાગ્રહ આશ્રમ (સાબરમતી આશ્રમ)ની સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આઈઆરસીટીસી (IRCTC) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જીવન યાત્રા સાથે સંકળાયેલા અગત્યના સ્થળોને આવરી લેતી આસ્થા સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેનને દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીજીના જીવનમૂલ્યો લોકો જાણે અને સમજે તે હેતુથી કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા ગાંધીદર્શન ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
સાબરમતી-સત્યાગ્રહ આશ્રમથી ચંપારણ્ય સત્યાગ્રહની સમગ્ર ઐતિહાસિક તવારીખ અને આઝાદી સંગ્રામ સાથે સંકળાયેલા દર્શનીય સ્થાનોને આ ટ્રેન ૯ દિવસ ૧૦ રાત્રીના પ્રવાસ રૂટ દરમ્યાન સાંકળી લેવાની છે.
ગુજરાતમાં આ આસ્થા સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત સ્ટેશન થઇને બીજા દિવસે વર્ધા પહોચશે.
વર્ધાના રોકાણ દરમ્યાન જ્યાંથી ૧૯૪૦માં પૂજ્ય બાપૂએ પોતાના અંગત જીવનના પ્રથમ સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે સેવાગ્રામ આશ્રમ અને અંગ્રેજો ભારત છોડો આંદોલનના પ્રેરણા સ્થળની પ્રવાસીઓને મૂલાકાત કરાવવામાં આવશે.
વર્ધાથી બેતિયા-મોતીહારી પહોંચીને ચંપારણ્ય સત્યાગ્રહ મેમોરિયલ તેમજ સ્ટોન પિલ્લર જેના ઉપર ગાંધીજીએ મેજીસ્ટ્રેટ સમક્ષ કરેલા શૌર્યસભર નિવેદનો આલેખ છે તે વિસ્તાર સ્થળોની મૂલાકાત-દર્શન કરાવવામાં આવશે.
આ આસ્થા ટ્રેન ત્યાર બાદ તેના પ્રવાસ રૂટમાં બોધ ગયા, મહાબોધ ટેમ્પલ જેવા સ્થાનોનો પ્રવાસ કરાવીને પરત સાબરમતી આવવાની છે.
આસ્થા સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેનમાં (ગાંધીદર્શન) પ્રવાસીઓને તારીખ ૧૭ જૂન થી ૨૬ જૂન એમ કુલ ૯ રાત્રી અને ૧૦ દિવસ સુધી મુસાફરી કરાવવામાં આવશે.
આઈઆરસીટીસી (IRCTC) દ્વારા ભારતનાં વિખ્યાત મંદિરોના દર્શન માટે સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન દોડાવવામાં આવે છે. આઈઆરસીટીસી (IRCTC) દ્વારા પહેલી વખત ગાંધીદર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
Source: Information Department, Gujarat