Latest News

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની નિરીક્ષણ-મુલાકાતે

  Not Available

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે મુલાકાત લઇને વિવિધ પ્રવાસન સવલતોનું નિરીક્ષણ કર્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રી શુક્રવારે સવારે મુખ્યસચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી રાઠૌર  તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ સાથે કેવડીયા પહોચ્યા હતા.

  તેમણે સાધુબેટ ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા તેમજ સમગ્ર પરિસરની મુલાકાત લઇને બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું.

  વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટસિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ સ્થળ, વોલ ઓફ યુનિટી તેમજ પરિસરના મ્યૂઝિયમ વગેરે સ્થળોએ પ્રવાસન આકર્ષણ સંદર્ભમાં સ્વચ્છતા અને સુવિધાઓની જાળવણી અંગે તેમણે ગહન ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રીએ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેવડીયા ખાતે આગામી ર૦ થી રર ડિસેમ્બર દરમ્યાન દેશના રાજ્યોના પોલીસ મહાનિદેશકો – ડી.જી.પી. કોન્ફરન્સ યોજાશે.

  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેવાના છે.

  આ ડી.જી.પી. કોન્ફરન્સના સંદર્ભમાં પણ પૂર્વતૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા તેમણે કરી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દિવાળીના તહેવારો દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ ૩૦ હજારથી વધુ પ્રવાસીઓ આવતા હતા. આ પ્રવાસીઓને વ્યવસ્થામાં જે મુશ્કેલી પડી તેનું પણ નિવારણ લાવી પ્રવાસન સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત વિભાગો અને જિલ્લાતંત્રને સ્પષ્ટ  સૂચનાઓ આપી છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ પ્રવાસન સ્થળની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે પણ સહજ વાર્તાલાપ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત દરમિયાન ન્યુઝીલેન્ડ, ન્યુયોર્ક, કેનેડાના પ્રવાસીઓનું ખૂબ જ ઉત્સાહપૂર્વક અભિવાદન તેમણે ઝીલ્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ પણ આ સૌ પ્રવાસીઓને મીઠો આવકાર આપી પ્રવાસીઓના ખબરઅંતર પૂછ્યા હતાં. બનારસ, નૈનિતાલ, બેંગ્લોર, ગૌહાટી, ઓરિસ્સા, કેરાલા, મહારાષ્ટ્રા ઉપરાંત ગુજરાતના આણંદ, ભાવનગર, નડીયાદ, જંબુસર વગેરે શહેરોના પ્રવાસીઓને આજે મુખ્યમંત્રીશ્રીએ સી.એમ. કોમનમેનની જેમ સામે ચાલીને ગૃપ ફોટો આપતાં આ તમામ પ્રવાસીઓ મુખ્યમંત્રીશ્રીના પ્રજા સાથેના સહજ વાત્સલ્ય ભાવથી પ્રસન્ન થયા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત કક્ષના પરિસરમાં પ્રવાસીઓ માટે ગાઇડ તરીકે સેવાઓ આપી રહેલા ગાઇડસ તાલીમાર્થીઓના વર્ગખંડની મુલાકાત લઇ સંવાદ કર્યો હતો. પ્રવાસી મુલાકાતીઓને  અપાતી સમજનું નિદર્શન નિહાળ્યું હતું.

  તેમણે ગાઇડસને ભાવનાત્મક રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અન્ય આકર્ષણોની સમજ પૂરી પાડવા અને પ્રવાસીઓ જાણકારી માટે ગાઇડસ જકડી રાખે તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવાની શીખ આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઇ જવા માટે બસોની સુવિધા વધારવા માટે આગામી જાન્યુઆરી માસથી વધારાની બસો શરૂ કરવા, ફૂડ કોર્ટ ખાતે પ્રવાસીઓને ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડીયન ખાન-પાન મળી રહે, વ્યુ પોઇન્ટ ખાતે ટ્રેડીશનલ વસ્તુઓના વેચાણ સ્ટોલ, બોટીંગની સુવિધા, અન્ય રાજ્ય તથા વિદેશી પ્રવાસીઓને સરદાર સાહેબના જીવનને ભાવાત્મક રીતે સમજાવી શકે તે માટે અંગ્રેજી-હિન્દીના જાણકાર ગાઇડસની વ્યવસ્થા કરવા સહિત જરૂરી કેટલીક રચનાત્મક સૂચનો કર્યા હતાં.

  મુખ્યમંત્રીશ્રીએ આ વ્યવસ્થાઓ વ્યાપક બનાવવા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ પ્રવાસન ધામ વિશ્વ પ્રવાસન કેન્દ્ર બનવાનું છે ત્યારે અહિં વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવા માટે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું.

  જળસંપત્તિ અને પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી એ. કે રાકેશ, નર્મદા નિગમના જોઇન્ટ એમ.ડી. શ્રી સંદીપકુમાર, જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. જે. હૈદર, જિલ્લા કલેક્ટર શ્રી આર. એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. જીન્સી વિલીયમ, નર્મદા યોજના પુનવર્સનના કમિશનરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમીનીસ્ટ્રેટર શ્રી આઇ. કે. પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી જેનુ દેવન વગેરે આ વેળાએ જોડાયા હતાં.

  Source: Information Department, Gujarat