Latest News

ઈઝરાયેલની ૮૦ વર્ષ જુની નાનદાન ઇરિગેશનનું સફળતાપૂર્વક સંચાલન-સૌથી મોટા કિબુત્ઝની ગતિવિધિઓ નિહાળતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલ યાત્રાના પાંચમાં દિવસે નાનદાન જૈન માઇક્રો ઇરિગેશન કંપનીની સુવિધાની મુલાકાત લીધી હતી.

જૈન ઇરિગેશન ભારતની એક મહત્વની માઇક્રો ઇરિગેશન કંપની છે તેણે ઇઝરાયેલની ૮૦ વર્ષ જુની નાનદાન ઇરિગેશન કંપનીને એક્વાયર કરી છે અને સફળતાપૂર્વક ઈઝરાયેલના સૌથી મોટા કિબુત્ઝનું સંચાલન આ ભારતીય કંપની કરી રહી છે.

સામાન્યતઃ ઇઝરાયેલની કંપનીઓ ભારતમાં તેનો કારોબાર વિસ્તારતી હોય છે પરંતુ ભારતની  જૈન ઇરિગેશને એક આગવું ઉદાહરણ પુરૂ પાડીને ઇઝરાયેલની નાનદાન કંપની એક્વાયર કરી છે તે માટે  મુ્ખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં માઇક્રો ઇરિગેશન ટેકનોલોજીને ઇઝરાયલની ડીઝીટલ અને પ્રિસીઝન ફાર્મીગ સાથે નેક્સ્ટ જનરેશન તરફ લઇ જઇને સિંચાઇ હેઠળનો વિસ્તાર અને પાક ઉત્પાદકતા એટલા જ પાણીના ઉપયોગથી વધારવા અંગે ઇઝરાયેલની આ નાનદાન જૈન માઇક્રો ઇરિગેશન કંપનીના અનુભવ જ્ઞાનનો વિનિયોગ કરવા ચર્ચા વિમર્શ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ચર્ચાઓ દરમિયાન એમ પણ જણાવ્યું કે, ગુજરાતે ઇઝરાયેલ પેટર્ન પર ઓછા પાણીએ વધુ પાક માટેની ટપક અને સ્પ્રીંકલર સિંચાઇ સુવિધાઓ વિકસાવીને ‘પર ડ્રોપ મોર ક્રોપ’નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિઝન સાકાર કર્યું છે.

તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને આદિજાતી વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભિન્ન ભિન્ન એગ્રો ક્લાઇમેટિક ઝોન અને પાણીની ઉપલબ્ધિ પણ જુદી જુદી હોવા છતાં હવે માઇક્રો ઇરીગેશન પ્લસ ટેકનોલોજીનો કઇ રીતે ઉપયોગ કરીને વિપુલ પાક લઇ શકાય તે માટેનો અભ્યાસ ગુજરાત કરશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નાનદાન જૈનના પદાધિકારીઓ સાથેની બેઠકમાં પાકની તંદુરસ્તી ચકાસવા, વોટર સ્ટ્રેસ અને પાકના થર્મલ પ્રોફાઇલિંગ માટે ડ્રોન આધારિત આકલનના વિવિધ પાસાઓ વિષે વિગતો મેળવવામાં ઊંડો રસ લીધો દાખવ્યો હતો.

નાનદાન જૈન માઇક્રો ઇરીગેશનની ડ્રોન આધારિત ટેક્નોલોજી ટ્રાન્સફર વડે ગુજરાતના નાના ખેડૂતો અને ખેડૂત જૂથોને સારા ઉત્પાદન અને સારી ગુણવત્તાનો લાભ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઇઝરાયેલ અને ગુજરાતમાં સમાન ભૌગોલિક પરિસ્થિતિ છે અને સમુદ્રના તટે વસેલી આ બન્ને ભૂમિ સિંચાઇના કુદરતી સ્રોતોની અછતની દૃષ્ટિએ પણ એકસરખી લાક્ષણિક્તા ધરાવે છે. કપરા સંજોગોમાં ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે જે પ્રગતિ સાધી છે તેમાં નાનદાન જૈન જેવી ઇરિગેશન કંપનીઓનો બહુ મોટો ફાળો છે.

તેમણે નાનદાન જૈન માઇક્રો ઇરીગેશનની ગુજરાત સાથેની સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કરતા  ગુજરાતના ધરતીપૂત્રોને ઓછા પાણીએ મહત્તમ કૃષિ પાક  અને તે દ્વારકા આર્થિક સમૃધ્ધિની નવી તકો મળશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિહંજી પરમાર, કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સંજય પ્રસાદ અને ગુજરાત ડેલીગેશનના સભ્યો આ મુલાકાતમાં જોડાયા હતા.

Source: Information Department, Gujarat