મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ભાવિ સુદ્રઢ અને સંતુલિત સર્વગ્રાહી વિકાસના દસ્તાવેજ સમાન ગુજરાત સ્પ્રિન્ટ ટુ ર૦રરનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે, આ એક માઇલ સ્ટોન નહિં પરંતુ માઇલ સ્ટોનનું કલેકશન છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડલ શેપિંગ એ ન્યૂ ઇન્ડિયાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપીને આપણે આવતીકાલના ગુજરાતનું સર્જન કરવાની નેમ ધરાવીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, સ્પ્રિન્ટ ર૦રર એ માત્ર સરકારની કામગીરી પૂરતું સિમીત નથી તે સામાન્ય માનવીની જીંદગીને પણ સ્પર્શનારો વિષય બની રહેવાનું છે.
તેમણે ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના બાદ વિકાસને નવી ઊંચાઇ ર૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને પગલે મળી છે તેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનને આપ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ઇન્ક્લુઝિવ સ્ટેટ અને લેન્ડ ઑફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે તેનું ગૌરવ કરતા કહ્યું કે, રાજ્યના અર્થતંત્રની મજબૂતી અને નવી નીતિઓને કારણે વિકાસદર ર૦૦૦થી ર૦૧૭ દરમિયાન ૧૦ ટકાને આંબી ગયો છે.
ગુજરાત નિતી આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્ષમાં ર૦૧૮માં ભારતના ટોપ થ્રી રાજ્યોમાંનું એક બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત રોકાણકારો માટે પણ એક મહત્વનું પરિબળ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની ધરતીએ હીરા કરતા પણ કઠોર આત્મબળ ધરાવનારા અને સિંહની ત્રાડ કરતા પણ વધુ શક્તિશાળી અભિગમ ધરાવનારા, રેશમ કરતા પણ મુલાયમ ભાષા બોલનારા લોકોને જન્મ આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત નામના વિચારની ભેટ આપી છે. વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ના ઉદઘાટન પ્રસંગે ગુજરાત અને ભારતને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવાનું આહવાન કર્યું છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ઊંચા સપનાં અને ઊંચું લક્ષ્ય રાખવાનો મંત્ર આપીને સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા સફળતાપૂર્વક પાર પાડવાની સૌને અદભુત પ્રેરણા આપી છે.
પ્રધાનમંત્રીશ્રીના નયા ભારતના નિર્માણના સંકલ્પનો ઉલ્લેખ કરી ગુજરાતની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ખાતરી આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા અને ગુજરાતઝ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ના માધ્યમથી તેને સાકાર કરવા પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડેલ શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારું મહત્વનું અંગ બની રહ્યું છે. હવે સ્પ્રિન્ટ ૨૦૨૨ દ્વારા આવતીકાલના ગુજરાતનું સર્જન થવા જઇ રહ્યું છે. ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ એ માઇલસ્ટોન નથી પણ માઇલસ્ટોનનું કલેક્શન છે. સ્પ્રિન્ટ ૨૦૨૨ એ સરકારની કામગીરી પૂરતું સીમિત નથી પણ તે સામાન્ય લોકોની જિંદગીને સ્પર્શનારો પરિણામલક્ષી વિષય છે. પ્રગતિની યાત્રામાં સૌના સાથ અને સૌના વિકાસનો અભિગમ તેમાં સમાયેલો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત એક ઇન્ક્લુઝિવ સ્ટેટ હોવાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અવસરો વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને ગુજરાત જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાના પાયા મજબૂત બનાવી રહ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અફોર્ડેબલ હાઉસિંગ, સરળ આરોગ્ય સેવા વિશ્વ કક્ષાની રમતગમત સુવિધા તમામ ક્ષેત્રે ગુજરાતે વિકાસની ગતિશિલતા જાળવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા બાદ ૨૦૦૩માં શ્રી નરેન્દ્રભાઈના વિઝનના કારણે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત તરીકે પ્રગતિના પંથે આગળ વધ્યું છે. આયોજનપૂર્વકના બુનિયાદી વિકાસ અને નીતિવિષયક પગલાઓને કારણે રાજ્યના અર્થતંત્રને મજબૂત કરી રાજ્યના વિકાસ દર ૨૦૦૦થી ૨૦૧૭ દરમિયાન ૧૦ ટકાને આંબી ગયો.
ગુજરાત દેશનું બિઝનેસ બ્રેઇન બની ગયું છે એ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કારોબાર જગતમાં સરળતા વધારવાના પ્રયાસો ઉપરાંત ગુજરાતે હવે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ મોડેલ પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. સસ્ટેનેઇબલ ડેવલપમેન્ટ ૨૦૩૦ના ગ્લોબલ એજન્ડાની સાથે સમન્વય સાધવા ગુજરાતે સામાજિક – આર્થિક અને પર્યાવરણના લક્ષ્યાંકો સાથે પરિણામલક્ષી સુધારા આગળ ધપાવ્યાં છે. રાજ્ય સરકારની આ નેમના પરિણામે જ ગુજરાત નીતિ આયોગના સસ્ટેનેઇબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ ૨૦૧૮માં ભારતના ટોપ થ્રી રાજ્યો પૈકીનું ગુજરાત એક બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત દેશની માત્ર પાંચ ટકા વસતિ ધરાવે છે પણ દેશની નિકાસમાં તેનું યોગદાન ૨૦ ટકા અને ભારતની જીડીપીમાં તેનો ફાળો ૮ ટકાનો છે. ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ ૨૦૦૧-૦૨માં રૂ. ૧.૨ લાખ કરોડ હતું, જે વધીને ૨૦૧૬-૧૭માં રૂ. ૧૧ લાખ કરોડ થયું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતની અર્થવ્યવસ્થા ચાર ગણી વધીને રૂ. ૪૦ લાખ કરોડના સ્તરને સ્પર્શશે. આજે ગુજરાતની ઇકોનોમી વિયેતનામ, ન્યૂ ઝીલેન્ડ અને યુક્રેન જેવા દેશના અર્થતંત્ર કરતા પણ મોટી છે. ગુજરાતના લોકો હવે વધુ આવક મેળવતા થયા છે અને તેમની ખર્ચશક્તિ પણ વધી છે. ગુજરાતીઓની માથાદીઠ આવક વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩.૫ ગણી વધીને રૂ. ૫.૨ લાખ થશે. આજે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ધરાવતા રાજ્યો પૈકીનું એક છે એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ૨૦૧૬-૧૭માં ગુજરાત દેશમાં સૌથી વધુ એફડીઆઇ મેળવનારા ટોપ થ્રી રાજ્યો પૈકીનું એક હતું. ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર જ વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યના જીએસડીપીમાં ૩૦ ટકાનું યોગદાન આપતું હશે. ભૌગોલિક દૃષ્ટિએ સંતુલિત વિકાસના ગુજરાત મોડેલમાં ધોલેરા, માંડલ બેચરાજી, પીસીપીઆઇઆર અને ગિફ્ટ જેવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનો પણ સમાવેશ થાય છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજ્યમાં પેસેન્જર ટ્રેક- માલસામાનના પરિવહન-વેપારમાં અસામાન્ય સરળતા લાવશે. ધોલેરામાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યાન્વિત થશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી – ગિફ્ટ આજે દુનિયાના સૌથી ઝડપી ઊભરી રહેલા બિઝનેસ હબ્સ પૈકીનું એક છે. બીએસઈ અને એનએસઇ જેવા એક્સ્ચેન્જની ઉપસ્થિતિ ધરાવતા ગિફ્ટ સિટીમાં સક્રિય એકમો અને કારોબારોની સંખ્યા અત્યારે ૨૦૦ છે, જે વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી થઈને ૪૦૦ થશે. ગિફ્ટ સિટીના કુલ ૧૬૦ લાખ ચોરસફીટ એલોટેડ એરિયાનો ૨૦ લાખ ચોરસફીટ એરિયા અત્યારે વપરાશ હેઠળ છે, જે આગામી ૪ વર્ષમાં અઢી ગણો વધશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, ગુજરાત’ઝ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨માં યુવા સાહસિકો પાસે સારો બિઝનેસ આઇડિયા છે, તો ગુજરાતમાં એમની પ્રતિક્ષા છે. ગુજરાત એમના માટે આદર્શ સ્થળ છે. કારોબાર નાનો હોય, મધ્યમ કદનો હોય કે વિશાળ સ્તરનો હોય, ગુજરાતે હંમેશા પોતાના લોકોના અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા ઇચ્છતા સૌ કોઈનું સ્વાગત કર્યું છે.
યુવાઓને જોબ સીકરમાંથી જોબ ગિવર બનાવીને ગુજરાત દેશમાં ટોચના રોજગાર કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન સતત મજબૂત બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના યુવાલક્ષી અભિગમના લીધે ૨૦૧૮માં ગુજરાત ડીઆઇપીપી દ્વારા બેસ્ટ સ્ટેટ ફોર સ્ટાર્ટ-અપ્સ ઇન ઇન્ડિયા જાહેર થયું હતું. રાજ્યમાં અત્યારે ૭૬૪ સ્ટાર્ટ-અપ્સ છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં અમે રાજ્યમાં ૨૦૦૦થી વધુ નવા સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન પોષણ આપીશું. IIT, IIM, NID અને સેપ્ટ જેવી લબ્ધ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ નવા કારોબાર માલિકો માટે પ્લગ એન્ડ પ્લે સુવિધાઓ પ્રદાન કરવામાં રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે. ગુજરાતના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવામાં રાજ્યના પોર્ટસના વ્યાપક નેટવર્કની ભૂમિકાનો કોઇનાથી ઇનકાર ન થઈ શકે. સમગ્ર દેશમાં સૌથી લાંબી કોસ્ટલાઇન ધરાવતા ગુજરાતમાં ૪૯ પોર્ટસ છે. સમગ્ર દેશમાં કોઇ એક રાજ્યમાં જો સૌથી વધુ સંખ્યામાં સક્રિય પોર્ટસ હોય તો તે ગુજરાત છે. ભારતના કુલ કાર્ગોનો ૪૦ ટકા હિસ્સો ગુજરાતના પોર્ટ્સ હેન્ડલ કરે છે. પોર્ટ કનેક્ટિવિટી કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોને ડાયનેમિક ઇન્ડસ્ટ્રિયલ હબમાં પરિવર્તિત કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારતની સૌપ્રથમ મેરિટાઇમ યુનિવર્સિટી પણ ગુજરાતમાં કાર્યરત થઇ જવાની છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં કુલ પાંચ એલેનજી ટર્મિનલ હશે, જેની તુલનાએ અત્યારે બે એલએનજી ટર્મિનલ છે. જ્યારે પ્રત્યેક બાળકને ગુણવત્તાયુકત શિક્ષણ મળે ત્યારે જ એક રાષ્ટ્રનો સાચો વિકાસ થાય છે.
તેમણે કહ્યું કે, ગુજરાત’ઝ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨માં સ્કીલ-આધારિત, ઇંડસ્ટ્રી-સંલગ્ન અને સંશોધન અભિમુખ શિક્ષણ વ્યવસ્થાને પણ ગુજરાતે સ્થાન આપ્યું છે. ઇન્ટરેક્ટિવ લર્નિંગ સાથે સર્જનાત્મક અને ઇનોવેટિવ પદ્ધતિઓ શાળાઓને સ્માર્ટ સ્કૂલ્સમાં પરિવર્તિત કરી રહી છે. ૨૦૨૨ સુધીમાં ગુજરાતની તમામ ૪૩,૦૦૦ શાળાઓ વાઇ-ફાઇ અને ICT ઇનેબલ્ડ હશે. ગુજરાત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની અનોખી પહેલ કરનારું રાજ્ય છે. સમાજના વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોની જરૂરિયાત સંતોષવા ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી સ્પેશ્યલ યુનિવર્સિટી સ્થાપિત થઇ રહી છે. રાજ્યની કોલેજો-યુનિવર્સિટીઝમાં પ્રવેશનો રેશિયો ૨૦૨૨ સુધીમાં વધીને ૩૦ ટકા અને આવનારા ૧૦ વર્ષમાં અઢી ગણો વધીને ૫૦ થઈ જશે. સેન્ટર્સ ફોર એક્સેલન્સની સંખ્યા પણ ૨૦૨૨ સુધીમાં વધીને ૪૦ થઈ જશે અને આગામી ૧૦ વર્ષમાં તે ૧૦૦ના સીમાચિહ્નને સ્પર્શી જશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત માતા અને શિશુ મૃત્યુદર નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ એક સર્વસમાવેશક હેલ્થકેર યોજના છે, જે સરકાર દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં બાળ અને નવજાત શિશુ મૃત્યુદરને ૮૦ ટકા ઘટાડવાની નેમ છે.
આવનારા ૧૦ વર્ષોમાં માતા મૃત્યુદરને પણ અડધોઅડધ ઘટાડવા ગુજરાત સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે, મેડિકલ ટુરિઝમ એ ગુજરાતઝ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨નો એક મહત્વનો હિસ્સો છે. સંખ્યાબંધ મલ્ટિ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સસ્તા દર અને વૈશ્વિક સ્તરના સારવાર ધોરણોથી ગુજરાતને ગ્લોબલ હેલ્થ ડેસ્ટિનેશન બનાવી રહ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, સરકારની દીર્ઘ દ્રષ્ટી અને અતિ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આજે ગુજરાતના શહેરો અને નગરો સમગ્ર દેશમાં “બેસ્ટ અર્બનલિવિંગ એક્સ્પિરિયન્સ” આપનારા શહેરો બન્યાં છે. ગુજરાત હવે માત્ર કહેવા પૂરતા ઘરોનું નિર્માણ કરતા નથી, ગુજરાત વેલ-કનેક્ટેડ હોમ્સનું નિર્માણ કરે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં એર ટ્રાવેલ દ્વારા કનેક્ટ થનારા યાત્રીઓની સંખ્યા ૪ ગણી વધશે, જે અત્યારે ૩૦,૦૦૦ છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં અમદાવાદ અને મુંબઈને જોડનારી ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન પણ યાત્રા માટે તૈયાર થઈ જશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે ગુજરાત એનર્જી ગ્રીન સ્ટેટ બન્યું છે. વર્ષો પહેલાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત એનર્જી સરપ્લસ સ્ટેટ બની ગયું હતું. આદિવાસી હોય કે શહેરમાં વસનારો નાગરિક, સૌને ગુજરાતમાં ચોવીસે કલાક વીજળી મળે છે. ક્લિન એનર્જી પર ગુજરાતનું ફોકસ છે એમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આગામી ચાર વર્ષમાં રિન્યૂએબલ એનર્જીનો હિસ્સો ૩૦ ટકા થઈ જશે અને આવનારા ૧૦ વર્ષમાં આ હિસ્સો જર્મની અને જાપાન કરતા પણ વધુ એટલે કે ૫૦ ટકાના સ્તરે લઇ જવાની નેમ છે. ગુજરાતમાં ધોલેરા એસઆઇઆરમાં ૫૦૦૦ મેગાવોટનો સોલારપાર્ક સ્થાપાઇ રહ્યો છે, જેના પરિણામે ગુજરાતની સોલાર કેપેસિટી વધીને ૬૨૦૦ મેગાવોટ થઈ જશે, જે ભારતની કુલ સોલાર કેપેસિટીનો પચીસ ટકા હિસ્સો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચેકડેમ અને તળાવનું ડિસિલ્ટિંગ અને નદીઓને ઊંડી કરવાની કામગીરી કરીને ગુજરાતને વોટર એફિશિઅન્ટ સ્ટેટ બનવાની દિશામાં આગળ ધપાવવામા આવે છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ દુષ્કાળ ભૂતકાળ બનશે. ગુજરાત સમગ્ર રાજ્યમાં – ખાસ કરીને સૌરાષ્ટ્રના વરસાદની ઉણપ ધરાવતા વિસ્તારોમાં પાણીના પૂરવઠામાં વધારો કરવા ઉપર ભાર આપી રહ્યું છે. કચ્છ – દહેજ- જામનગર સહિતના વિસ્તારોમાં ચાર નવા સૂચિત ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને જામનગરના જોડીયાના કિનારે એક મેગા ડિસેલિનેશન પ્લાન્ટ આકાર પામી રહ્યાં છે. જામનગરનો પ્લાંટ ૨૦૨૨ સુધીમાં કાર્યાન્વિત થશે અને તેની ક્ષમતા રોજની 10 કરોડ લિટરની હશે, જેને પછીના પાંચથી ૧૦ વર્ષમાં વધારીને દૈનિક ૧૫૦ કરોડ લિટરની કરાશે. પાવર સરપ્લસ સ્ટેટ ગુજરાત હવે ડ્રિંકિંગ વોટર સરપ્લસ સ્ટેટ બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતમાં સ્થાનિક તથા વૈશ્વિક પ્રવાસીઓમાં ગુજરાતનો હિસ્સો ચાર ટકા છે. આ આંકડો વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટકા થાય થવાનો છે. તાજેતરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ માત્ર પ્રવાસન આકર્ષણ જ નહીં પણ આદિવાસી વિસ્તારની બદલાયેલી રોનકનું પ્રતીક પણ છે. આ મહાન શિલ્પે પ્રવાસન આકર્ષણની સાથે સાથે સ્થાનિક કલાકારો અને વર્કર્સ માટે ખુબ રોજગાર અવસરો પણ સર્જ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસી વિકાસની કરોડરજ્જુ બનશે અને સ્થાનિક પ્રજાજનોના જીવનના ઉત્થાનનું કેન્દ્ર બનશે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે આપણે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આકાર લેશે એમ તેમણે ઉમેર્યું હતું.
સમિટ-ર૦૧૯ના બીજા દિવસના પ્રથમ ચરણમાં ગુજરાતના ભાવિ વિકાસનું દર્શન કરાવતા સ્પ્રિન્ટ ર૦રર એન્ડ બિયોન્ડ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું બજેટ કદ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં વધારે હોય છે. આ વર્ષે રૂપિયા 1 લાખ ૮૩ હજાર કરોડનું બજેટ રાજ્યના શ્રેષ્ઠ વિકાસના મૂળમાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતે તેની નાણા કોથળી મજબૂત રાખી છે. એટલું જ નહીં ગુજરાત નાણાંકિય શિસ્ત ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.
ગુજરાત સતત બાવીસ વર્ષથી અવિરત વિકાસના માર્ગે પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે. આના મૂળમાં રાજ્યના પ્રત્યેક નાગરિકની અપેક્ષાને સંતોષવા માટે સરકારે કરેલા ભગીરથ પ્રયાસ રહેલો છે.
રાજ્યના ૭પ ટકા કરતા વધુ નાગરિકો રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં સારવાર લે છે એ ગુજરાતનું મજબૂત આરોગ્ય ક્ષેત્ર અને રાજ્ય સરકારના પારદર્શી, શ્રેષ્ઠ સુશાસનનું ઉદાહરણ પુરૂ પાડે છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર સતત નવી હોસ્પિટલો શરૂ કરી રહી છે. અમદાવાદમાં નવી આંખની હોસ્પિટલ, નવી કીડની હોસ્પિટલ ઉપરાંત જામનગર, ભાવનગર, વડોદરા કે સૂરત જેવા શહેરોમાં નવી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એક પણ જિલ્લો મેડિકલ કોલેજ વિનાનો બાકી નહીં રહે તેવુ લક્ષ્ય સરકારે રાખ્યું છે.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજોનો સવિસ્તાર પરિચય આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે શિક્ષણને પ્રાયમરીથી લઇ હાયર એજ્યુકેશન સુધી સમગ્રતયા ગુણવત્તાસભર અને આધુનિક બનાવવા વ્યાપક પ્રયાસો કર્યા છે. ધોરણ-૭/૮ના પ્રાથમિક શાળાના વિઘાર્થી પણ સ્ક્રીન ઉપર અભ્યાસ કરતા થઇ ગયા છે અને વર્ચ્યુઅલ એજ્યુકેશન વિસ્તરતું જાય છે. ગુજરાતના વિઘાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે તૈયાર થઇ રહ્યાં છે. જ્ઞાનકુંજ અને નમો. ટેબ્લેટ જેવા પ્રોજેક્ટ તેમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
વૈશ્વિક સ્પર્ધા માટે ગુજરાતના વિઘાર્થીઓ તૈયાર કરી રહેલા ગુજરાતમાં STEM સાયન્સ ટેકનોલોજી, એન્જિનિયર અને મેથેમેટિક્સમાં ક્ષમતા કેળવવાનું વાતાવરણ નિર્મિત કરી રહ્યા છીએ. એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી જેવા વિભાગોએ ભેગા થઇને વિઘાર્થીઓની ઇનોવેશનની સૂઝબૂઝને બહાર લાવવા હેકાથોન સહિતના વિવિધ આયોજન દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટ અપ માટે સહાય-સપોર્ટ આપવામાં આવે છે. ર૦૦૯માં ૧૬ યુનિવર્સિટી ધરાવતા ગુજરાતમાં આજે ૬ર યુનિવર્સિટીઓ કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણની સુવિધા વિસ્તારવા છેલ્લા દાયકામાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી તથા યોગા યુનિવર્સિટી શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાનની પરિચર્ચાનું સંચાલન કેપીએમજીના સીઇઓ શ્રી અરૂણ કુમારે કર્યું હતું. ગુજરાતના ભાવિ વિકાસલક્ષી આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા, સામાજિક ન્યાયમંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમાર, રાજ્ય મંત્રી સર્વશ્રી વાસણભાઇ આહિર, ઇશ્વરભાઇ પટેલ, જયદ્રથસિંહજી પરમાર, વિભાવરીબેન દવે ઉપરાંત મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસના આ વિઝનરી કાર્યક્રમમાં હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ વિષયક પરિચર્ચામાં મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ.કે.દાસ, ઉપરાંત મારૂતિ સુઝુકી ઇન્ડિયા લી.ના મેનેજીંગ ડીરેક્ટર અને સીઇઓ શ્રીયુત કેનીચી આયુકાવા,(Mr.Kenichi Ayukawa) અને જાયકાના ભારત ખાતેના પ્રતિનિધિ શ્રીયુત કાત્સુઓ માત્સુમોટો એ ગુજરાતના વિકાસલક્ષી મંતવ્યો રજુ કર્યા હતા.
જ્યારે પરિચર્ચાના બીજા ચરણમાં સોફટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સંદર્ભે ઝાયડસ કેડિલાના સીએમડી શ્રી પંકજ પટેલ, સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.ના ચેરમેન શ્રી કેશવ વર્મા, રીવર સાઇડ સ્કૂલના ડીરેક્ટર સુશ્રી કિરણ શેઠી અને અરવિંદ લી.ના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર શ્રી કુલિન લાલભાઇએ ગુજરાતની ભાવિ વિકાસગાથાનો પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. પરંપરાગત રાસગરબા સાથે કાર્યક્રમનો અંત થનગનાટ ભર્યો રહ્યો હતો.
Source: Information Department, Gujarat