Latest News

મુખ્યમંત્રીશ્રીનો રાજકોટમાં જન સુવિધા કેન્દ્રમાં સેવાઓ સુધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય

    ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી હાઇપાવર કમિટિ બેઠકમાં લેવાયા નિર્ણયો

    • શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની ટેમ્પરરી કોવિડ હોસ્પિટલ ઊભી કરવા થશે
    • ભવિષ્યમાં લાંબાગાળાના આયોજન રૂપે ૪૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરાશે
    • બિનઉપયોગી અને જર્જરિત સ્થિતીમાં રહેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમની કુલ ૩૬૭૦ ચો.મીટર જમીન આરોગ્ય વિભાગ હસ્તક આપી પી.ડી.યુ. હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણાયક અભિગમ
    • ઐતિહાસિક કરણસિંહજી હાઇસ્કૂલના પ્રવર્તમાન માળખાની ગરિમા જાળવી રાખી PPP ધોરણે નવિનીકરણ કરાશે

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજ હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ કામચલાઉ ૧૦૦ બેડ હોસ્પિટલ કોવિડ-કોરોના રોગી સારવાર માટે ઉપયોગી બનશે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૩૬૭૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આ સેનેટોરિયમની જમીન આરોગ્ય વિભાગ હસ્તક આપીને ભવિષ્યમાં લાંબાગાળાના આયોજન રૂપે ૪૦૦ બેડ હોસ્પિટલ કાયમી ધોરણે ઊભી કરવા હાઇપાવર કમિટીની આજે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નિર્ણય કર્યો છે.

    આ હોસ્પિટલ ઊભી થવાથી હાલની પી.ડી.યુ હોસ્પિટલની બેડ સુવિધાઓમાં વધારો થશે અને દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા મળતી થશે.

    શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલ જર્જરિત સ્થિતીમાં અને વપરાશ વિના બિનઉપયોગી હાલતમાં હોઇ તેનો જનઆરોગ્ય સુવિધા વૃદ્ધિ માટે ઉપયોગ થાય તેવા સંવેદનાત્મક અભિગમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજકોટની ઐતિહાસિક શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ તેમજ બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલના મૂળ માળખાની ગરિમા જાળવી રાખી શૈક્ષણિક હેતુસર તેનું પૂન: નવિનીકરણ કરવામાં આવશે.

    રાજકોટ મહાનગરમાં આ ઐતિહાસિક શાળાના PPP ધોરણે નવિનીકરણ કરી અદ્યતન બનાવવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.

    આ શાળાઓ હાલ તેના જૂના માળખા-સ્ટ્રકચરમાં કાર્યરત છે અને સરકારી કુમાર શાળા તરીકે શ્રી કરણસિંહજી હાઇસ્કૂલમાં ર૪૪ વિદ્યાર્થીઓ ધો- ૯ થી ૧ર માં અભ્યાસ કરે છે તેમજ બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧રમાં ૩૩૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

    શ્રી કરણસિંહજી હાઇસ્કૂલના હાલના મકાનની ઐતિહાસિક ગરિમા જાળવીને તેનું નવિનીકરણ કરવામાં આવનાર છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા શ્રી બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે જેવા વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે.

    શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબ બા હાઇસ્કૂલના PPP ધોરણે નવિનીકરણ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે અને મેદાન સહિતની સુવિધા પણ વધુ વ્યાપક બનશે.

    આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ અધિક મુખ્ય સચિવશ્રી, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, NHMના એમ.ડી. સુશ્રી રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિસીપલ કમિશનર તેમજ રાજકોટના અગ્રણીઓ શ્રી નીતિન ભારદ્વાજ, માધાંતાસિંહ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ જોડાયા હતા.

    Source: Information Department, Gujarat