Latest News

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ’ની ૬૦મી નેશનલ કોન્ફરન્સ-૨૦૨૩નું ઉદ્ઘાટન

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી :

    • ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા ‘ફીટ અને સુપરહિટ’ રહેશે
    • ફિઝિયોથેરાપિસ્ટ દરેક ઉંમરના લોકોની વિવિધ શારીરિક મુશ્કેલીઓના નિવારણમાં સહયોગી બને છે
    • આઝાદીના અમૃતકાળમાં આમારી સરકારે ફિઝિયોથેરાપીને એક પ્રોફેશન સ્વરૂપે માન્યતા આપી જે સૌથી મોટી ભેટ

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :

    • ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીની ૬૦મી નેશનલ કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન ગર્વની વાત
    • બદલાયેલી જીવનશૈલીમાં વધતી સમસ્યાઓ વચ્ચે ફિઝિયોથેરાપીનું વિશેષ મહત્વ
    • ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં ૮ ફિઝિયોથેરાપી કોલેજ હતી, આજે ૮૪ થઈ-અગાઉની ૨૪૦ સીટ વધારી ૪,૩૯૦ કરાઈ

     

    સહકાર અને કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માવર્લ્ડ ફિઝિયોથેરાપીના પ્રમુખ અને CEOની પ્રોત્સાહક ઉપસ્થિતિ

    અમદાવાદમાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીની બે દીવસીય કોંફરન્સમાં તબીબો અને નિષ્ણાંતો વિવિધ વિષયો પર પરામર્શ કરશે, ફિઝિયોથેરાપી ક્ષેત્રે વર્તમાન ટેકનોલોજી અને મશીનરીનું નિદર્શન

    ………..

    વર્કઆઉટ ફોર ફીટ ઇન્ડિયાના મધ્યવર્તી વિચાર સાથે અમદાવાદમાં આયોજિત ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ નેશનલ કોન્ફરન્સ- ૨૦૨૩માં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,  બાળ, યુવાન અને વડીલ એમ દરેક ઉંમરના લોકોની વિવિધ શારીરિક મુશ્કેલીઓના નિવારણમાં ફિઝિયોથેરાપિસ્ટ સહયોગી બને છે. તેમણે કહ્યું કે, અચાનક અકસ્માતનો ભોગ બનનાર દર્દીને માત્ર શારીરિક તકલીફ જ નહીં પણ માનસિક આઘાતમાંથી ઉગારવાનું કામ પણ ફિઝિયોથેરાપીસ્ટ કરે છે. કેન્દ્ર સરકારે ફિઝિયોથેરાપીને એક પ્રોફેશનના રૂપમાં માન્યતા આપી દેશભરના ફિઝિયોથેરાપિસ્ટને આઝાદીના અમૃતકાળમાં સૌથી મોટી ભેટ આપી છે. જેની તેઓ ૭૫ વર્ષથી રાહ જોતા હતા. તેમણે કહ્યું કે, હવે ફિઝિયોથેરાપીસ્ટના માન-સન્માનમાં વધારો થવાની સાથે તેમને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના સાથે પણ ફિઝિયોથેરાપીસ્ટને જોડવામાં આવ્યા છે. સરકારના આવા વિવિધ પગલાઓથી ભારત સહિત વિદેશમાં ફિઝિયોથેરાપીસ્ટને દર્દીઓની સારવારમાં સરળતા થઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું

    શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમસ્યાથી વધુ મજબૂત હોય છે આપણી ‘આંતરિક શક્તિ’. ફિઝિયોથેરાપીની આ પ્રેરણા ગવર્નન્સમાં પણ એટલી જ ઉપયોગી બને છે. ગરીબોને બેંક ખાતા, શૌચાલયની સુવિધા, નલ સે જલ યોજના થકી દેશવાસીઓને સોશિયલ સિક્યુરિટીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના પરિણામે આજે દેશના નાગરિકો પોતાના સપના પુરા કરવાનું સાહસ કરી રહ્યા છે. ફિઝિયોથેરાપીના મૂળમાં આત્મનિર્ભરતાનો વિચાર હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, વિકાસને જન આંદોલન બનાવવા માટે બેટી બચાઓ-બેટી પઢાઓ, સ્વચ્છ ભારત મિશન, આયુષમાન ભારત યોજના, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જેવા અભિયાનોમાં જનભાગીદારી વધતી દેખાય છે. નાના શહેરોમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધવાની સાથે ફિઝિયોથેરાપીસ્ટની ભૂમિકા પણ વધુ મહત્વની બની રહી છે. તેમણે કહ્યું કે, ફેમેલી ડોક્ટર રાખવાની સાથે હવે ફેમીલી ફિઝિયોથેરાપીસ્ટનું ચલણ પણ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ તમામ ફિઝિયોથેરાપીસ્ટને આહવાન કરતા કહ્યું કે,  આપ સૌ ‘રાઈટ પોશ્ચર, રાઈટ હેબીટ્સ, રાઈટ એક્સરસાઇઝ’ માટે દેશવાસીઓને શિક્ષિત કરો. સાથોસાથ ફિઝિયોથેરાપી સાથે યોગ શીખવાથી સારવારમાં ગતિ આવશે. એમ તેમણે ઉમેરી, ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા ‘ફીટ અને સુપરહિટ’ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ તકે પ્રધાનમંત્રીશ્રીએ ફિઝિયોથેરાપીસ્ટને સ્વાનુભવોનું દસ્તાવેજીકરણ કરવાની પ્રેરણા આપતા સોશિયલ મીડિયા થકી જ્ઞાન વહેંચવાની અપીલ પણ કરી. તેમણે જણાવ્યું કે, દર્દીઓમાં એક મોટો વર્ગ વડીલો છે. દુનિયાભરમાં વડીલોની સારવાર જટિલ અને પડકારજનક બનતી જાય છે. તેવામાં ટેલી મેડિસિન થકી યોગ અને ફિઝિયોથેરાપી ઉપચારની તકો વધી છે. તાજેતરમાં તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપથી આવેલા સંકટમાં પણ ટેલી મેડિસિન ખૂબ ઉપયોગી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

    ઇન્ડિયન એસોસિયેશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા આયોજીત ૬૦મી રાષ્ટ્રીય કોંફરન્સના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતા મુખ્યમંત્રી અને સત્રના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યો તથા વિદેશમાંથી ગુજરાત પધારેલા મહેમાનોનું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ તથા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીની ધરતી પર સ્વાગત છે. તેમણે કહ્યું કે, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીની ૬૦મી નેશનલ કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન થવા પર તમામ ગુજરાતીઓને ગર્વ છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન
    શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં છે. અમૃતકાળ અમૃતકાળના પ્રારંભે જ ભારતને G20ની અધ્યક્ષતા મળી છે. જે સમગ્ર દેશ માટે ગૌરવનો પ્રસંગ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વ એક પરિવાર અને પરિવાર ત્યારે જ સુખી રહી શકે જ્યારે પરિવારના સભ્યો તંદુરસ્ત હોય, ફીટ હોય અને ફિટનેસ માટે ફિઝિયોથેરાપીનું મહત્વ સૌથી વધુ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીની બે દીવસીય કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન ફિઝિયોથેરાપી ક્ષેત્રના તબીબો અને નિષ્ણાંતો વિવિધ વિષયો પર પરામર્શ કરશે. સાથોસાથ ફિઝિયો થેરાપી ક્ષેત્રે વર્તમાન ટેકનોલોજી અને મશીનરીનું નિદર્શન પણ રાખવામાં આવ્યું છે.

    આ તકે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં લોકોની જીવનશૈલી  બદલાઈ છે, સ્ટ્રેસ અને લાંબો સમય બેસવાને કારણે સ્પાઝમ, ઘૂંટણનો દુખાવો, સ્નાયુઓની પીડા સહિતના પ્રશ્નો વધવા લાગ્યા છે. તેવામાં શરીરને ચુસ્ત રાખવા ફિઝિયોથેરાપીનું મહત્વ વધ્યું છે. ભૂતકાળમાં ફિઝિયોથેરાપી આટલી પ્રચલિત ન હતી. ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર ૮ ફિઝિયોથેરાપી કોલેજ અને ૨૪૦ સીટ હતી. સરકારના દૂરંદેશી નેતૃત્વને પરિણામે આજે ૮૪ કોલેજ અને ૪,૩૯૦ સીટ છે. આમ, ગુજરાત સરકાર પણ ફિઝિયોથેરાપીનું મહત્વ સમજી આગળ વધી રહી છે.

    G20 સંમેલન અને અમૃતકાળના સમન્વય પ્રસંગે આ કોંફરન્સને અતિ મહત્વની ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે ફીટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. સ્વસ્થ જીવન અપનાવવા માટે લોકોને પ્રેરણા આપી છે. તેમણે માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રત્યે સજાગ કરવા માટે યોગનું મહત્વ પણ સમજાવ્યું છે. યુનાઇટેડ નેશન્સ સમક્ષ તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો અને માત્ર ૯૦ દિવસમાં જ UNO દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૨૦૦૮માં રણોત્સવની શરૂઆત વેળાએ વડાપ્રધાન શ્રીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે દુનિયાભરના લોકો રણોત્સવમાં આવશે. તાજેતરની ધોરડો ખાતે યોજાયેલી U20ની પ્રવાસન બેઠકમાં તેમનો આ સંકલ્પ ચરિતાર્થ થયો હોવાની સાબિતી મળી. આ બેઠકમાં વિશ્વના અનેક દેશના લોકો હાજર રહ્યા. જે વડાપ્રધાનશ્રીના શક્તિશાળી વિઝનની તાકાત છે. અંતે તેમણે ‘વર્ક આઉટ ફોર ફીટ ઇન્ડિયા’ના મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલી કોન્ફરન્સ માટે એસોસિએશનને અભિનંદન પણ પાઠવ્યા હતા અને ‘સર્વે સંતુ નિરામયા’ દરેકને સ્વસ્થ રાખવાની ભારતની ભાવનાને સાકાર કરવા ફિઝિયોથેરાપી ક્ષેત્રના તબીબો, તજજ્ઞો અને વિદ્યાર્થીઓ સતત યોગદાન આપતા રહેશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી

    કોન્ફરન્સમાં રાજ્ય કક્ષાના કુટીર અને લઘુઉદ્યોગ તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી. આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રીના આહવાનને પગલે ૩૩ જિલ્લામાં વડીલોની સારવાર માટે અલાયદા સેંટર્સ ૬ મહિનામાં ઉભા કરવાનો સંકલ્પ IAPના પ્રેસિડેન્ટ શ્રી સંજીવ ઝા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. આ તકે વર્લ્ડ ફિઝિયોથેરાપીના પ્રેસિડેન્ટ ડો. ઇમા સ્ટોકસ અને CEO ડો.જોનાથને આમંત્રણ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. કોંફરન્સમાં દેશભરના ફિઝિયોથેરાપીસ્ટ, વિષય નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    Source: Information Department, Gujarat