Latest News

ભારત અને ઑસ્ટ્રેલિયાની ’75 યર્સ ઓફ ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ’ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી

    ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝ એમપીની પ્રોત્સાહનક ઉપસ્થિતિમાં ટેસ્ટ મેચનો પ્રારંભ

    ભારત અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીઓએ હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલ્યું

    બન્ને દેશના વડાપ્રધાનશ્રીઓએ કપ્તાનોને કેપ આપી ઉત્સાહ વધાર્યા બાદ રાષ્ટ્રગીતમાં થયા સામેલ

    —————————

    ભારત અને ઑસ્ટ્રેલિયાની ’75 યર્સ ઓફ ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ’ની ભવ્ય ઉજવણી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝ એમપીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા.

    ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની અંતિમ મેચનો પ્રારંભ વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થયો.

    ટેસ્ટ મેચના પ્રારંભ પહેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બનીઝ એમપીએ આ પ્રસંગે પોતપોતાના દેશની ક્રિકેટ ટીમના કપ્તાન અનુક્રમે શ્રી રોહિત શર્મા અને શ્રી સ્ટીવ સ્મિથને કેપ આપી જુસ્સો વધાર્યો હતો.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી એન્થની અલ્બનીઝે સ્ટેડિયમમાં હાજર હજારો ક્રિકેટરસિકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોના હર્ષઘોષથી સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું હતું.

    બન્ને દેશના વડાપ્રધાનશ્રીઓ અને સ્ટેડિયમમાં ઉપસ્થિત સહુ લોકો ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના ગાનમાં સામેલ થયા હતા. રાષ્ટ્રગીત બાદ બન્ને દેશના વડાપ્રધાનોએ પોતપોતાના દેશની ટીમના પ્લેયર્સ સાથે હાથ મિલાવી ઉત્સાહ વધાર્યો હતો.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી એન્થની અલ્બનીઝે બન્ને દેશોની 75 વર્ષની ક્રિકેટ મૈત્રીની ઝલક દર્શાવતી ગેલેરી પણ નિહાળી હતી.

    બન્ને નેતાઓએ સ્ટેડિયમની પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં બેસીને મેચની શરૂઆતની કેટલીક પળો પણ નિહાળી હતી.

    મેચની શરૂઆત થાય તે પહેલાં ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ પરંપરાગત ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી.

    આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ તથા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, એ ઉપરાંત BCCIના સેક્રેટરી જય શાહ સહિતના પદાધિકારીઓ તેમજ અન્ય ગણમાન્ય અતિથિઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat