Latest News

લોકો સમક્ષ તટસ્થ અને સચોટ માહિતી પહોંચાડવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહેલી છે : મુખ્યમંત્રી શ્રી

અમદાવાદ મિરર ના લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામના પાઠવી નવગુજરાત સમયની સાથે અમદાવાદ મિરર અખબાર મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરીને  ઉત્તરોત્તર પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહીના ચાર સ્તંભ વિરોધ પક્ષ, મીડિયા, ન્યાયતંત્ર, વિપક્ષ હોવાનું જણાવી ચોથી જાગીર સમા મીડિયાની લોકશાહીમાં અતિ મહત્વની ભૂમિકા રહેલી હોવાનું કહ્યું હતુ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, સોશિયલ મીડિયાના સમયમાં પ્રિન્ટ મિડિયાની ભૂમિકા પણ અતિ મહત્વની રહેલી છે. સોશિયલ મીડિયા જ્યારે ખૂબ જ ઝડપભેર ગતિએ સમાચાર લોકો સમક્ષ પહોંચાડે છે ત્યારે સવારે ઊઠીને તે જ સમાચાર વિસ્તારપૂર્વક વિશ્વનીયતા સાથે રજૂ કરવામાં પ્રિન્ટ મીડિયાની મહત્વની જવાબદારી છે. વાંચકો પણ તેવા સમાચાર વિસ્તારપૂર્વક  વાંચવામાં રૂચિ ધરાવતા હોવાનું મુખ્યમંત્રી શ્રીએ ઉમેરીને કહ્યું કે, હવે નવગુજરાત સમય અને અમદાવાદ મિરર એક જૂથ થઈને લોકો સમક્ષ તટસ્થ અને વિશ્વસનીય સમાચારો પહોંચાડતા રહેશે તેવો ભાવ પ્રગટ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શાયોના ગ્રુપ દ્વારા કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સના કરવામાં આવેલા સન્માન પ્રસંગે તમામ સન્માનિત યોદ્ધાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, આજે જ્યારે સમગ્ર ગુજરાત હળવાશની પળો ભોગવી રહ્યું છે ત્યારે તેની પાછળ આ તમામ કોરોના વોરિયર્સની અથાગ મહેનત અને પરિશ્રમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બજાવેલી ફરજો રહેલી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે , ગુજરાત રાજ્ય આ તમામ ફ્રંટલાઇન કોરોના વોરીયર્સની ફરજનિષ્ઠા અને દર્દીઓની સેવા-શુશ્રષાના કારણે જ રાજ્યમાં કોરોના સામે નિયંત્રણ મેળવવા રહ્યું છે.

કોરોનાની કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સ્વાસ્થ્ય સેવાઓના કારણે રાજ્યમાં કોરોનાનો રીકવરી રેટ 97 ટકા જેટલો રહ્યો છે અને અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં કોરોના સામેનો મૃત્યુદર ખૂબ જ ઓછો રહ્યો હોવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યુ કે, વર્ષ ૧૯૨૦માં ગાંધીજીના સમયમાં એક મહામારી આવી હતી . આજે ૧૦૦ વર્ષ બાદ 2020 માં આવેલી કોરોના મહામારીમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી પર દેશભરમાં કાબુ મેળવવામાં સરકાર મદદ અંશે આપણે સફળ રહી છે.

કોરોના મહામારીમાં રાજ્ય દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે કોરોના મહામારીમાં પોતાના વતન પરત ફરવાની ઝંખના સેવતા પરપ્રાંતીયોને વતન મોકલવા રાજ્ય સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન રહી  જાય તે માટે જરૂરિયાત મંદોને ૬-૬ વખત મફત અનાજ સમગ્ર રાજ્યના જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યુ હતુ.

તેઓએ સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી કોરોના સામે જંગ જારી હોવાનું જણાવી નાગરિકોને સરકારી તમામ દિશાનિર્દેશ ચુસ્તપણે પાલન કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર અભિયાનને આગળ ધપાવવા રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું

પ્રોડક્શન પછી પરમિશનની નીતિ અપનાવીને રાજયની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર રાજ્યના ગૃહ ઉદ્યોગ થી લઇ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ ક્ષેત્રે નવી ક્રાંતિ ઊભી કરીને રોજગાર લક્ષી પરિણામો મેળવી રહી હોવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યુ હતુ.

મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને વરેલી રાજ્ય સરકાર પ્રજાજનોની જન-સુખાકારીના કાર્ય કરી રહી હોવાનું મુખ્યંત્રી શ્રી વિજયભાઉ રૂપાણીએ કહ્યું હતુ.

આ કાર્યક્રમમાં ખાનગી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટેના પ્રોસ્થેસિસ લેગ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોવાની દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ બતાવવામાં આવી હતી. જે ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રોસ્થેસિસ લેગની જરૂરિયાત ધરાવતા તમામ દિવ્યાંગ બાળકોને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત સ્કુલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આવરી લઇ મદદરૂપ થવાની બાહેધરી આપી હતી.

આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ પર હાજર રહી કોરોના સામેની જંગમાં રાત-દિવસ કામ કરનારા સિવિલ હોસ્પિટલ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં રાજ્યમાં પ્રજાજનો માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ આઇ.પી.એસ અજય ચૌધરી અને અને વિરેન્દ્રસિંહ યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું

અમદાવાદ મિરરના રી-લોન્ચીંગ કાર્યક્રમમાં અમદાવાદના નવનિયુક્ત મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, ધારાસભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અરવિંદભાઈ પટેલ , રાજ્યના વિવિધ ઉદ્યોગપતિશ્રીઓ અને મોટી સંખ્યામાં મીડિયા જગત ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat