Latest News

મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી તરીકેની કામગીરીનો પ્રારંભ કરતા પૂર્વે સિમંધર સ્વામી દાદા ભગવાનનું સ્તુતિ મંત્ર વંદના ગાનપઠન દાદા ભગવાન પરિવાર અનુયાયીઓ સાથે શ્રદ્ધાપૂર્વક કર્યુ

દિવસ દરમ્યાન ધારાસભ્યોશુભેચ્છકોવરિષ્ઠ અધિકારીઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓએ મુખ્યમંત્રીશ્રીને મળીને શુભકામનાઓ પાઠવી

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા.

તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.

આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.

નવનિયુકત મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી.

Source: Information Department, Gujarat