Latest News

મુખ્યમંત્રીશ્રીએ 144 મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિતભાવ પૂર્વક આરતી અને દર્શન કર્યા હતા.

  રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું 

  ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથના  કૃપા આશિષ વરસતા રહે: મુખ્ય મંત્રીશ્રી 

  ગુજરાત  કોરોના થી ત્વરાએ મુક્ત થાય અને સૌ  સ્વસ્થ  રહે તેવી પ્રાર્થના કરતા શ્રી વિજય ભાઈ રૂપાણી 

  સૌ નાગરિકો ઘરમાં રહીને  દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી  યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા ભગવાન ના દર્શન કરે

  :મુખ્યમંત્રીશ્રી નો અનુરોધ 

  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે ૧૪૪મી જગન્નાથ રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા ની વિગતો મેળવી હતી.

  શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે.  માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અદ્કેરૂ મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા  અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.

  મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે  આ વખતની  રથ યાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને  કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

  નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવા માં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપિલ તેમણે કરી હતી.

  તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના  તેમણે કરી છે.

  મુખ્યમંત્રીશ્રી એ ભગવાન જગન્નાથ ની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારી માંથી ગુજરાત  ત્વરાએ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે એમ ઉમેર્યું હતું.

  આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર શ્રી કીરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ શ્રી હિતેષ બારોટ, શહેર ભા.જ.પના પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ, અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

  Source: Information Department, Gujarat