Latest News

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના બાયપાસ તરીકે પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરના બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

  આ પાલજ-બાસણ-શાહપૂર માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે તે સંદર્ભમાં આ માર્ગના મજબૂતીકરણ માટેની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ-મકાન વિભાગનો હવાલો પણ ધરાવે છે અને તેમણે રૂ. ર૪.૪૭ કરોડની દરખાસ્તને અનુમોદન આપતાં આ માર્ગના મજબૂતીકરણનું કામ હવે હાથ ધરી શકાશે.

  આ રસ્તાનું મજબૂતીકરણ થવાને પરિણામે પાલજ-બાસણ જેવા ગાંધીનગર સાથે જોડાયેલા ગામો તેમજ આઇ.આઇ.ટી ગાંધીનગર માટે સુવિધાયુકત કનેક્ટિવીટી ઉપલબ્ધ થશે.

  એટલું જ નહિ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ તરફથી આવતા વાહનોને ગિફટ સિટી જવા માટે તથા ગાંધીનગર બાયપાસ કરવા માટે સરળ અને સારો રસ્તો મળશે.

  Source: Information Department, Gujarat