• આ વર્ષ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઇ પટેલની જન્મશતાબ્દી વર્ષ તરીકે ઉજવાશે.
• દેશી કાંકરેજી એ-૨ દૂધનું લોકાર્પણ
• બનાસ મધ પ્રોજેકટનો શુભારંભ
• કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેકટનો શુભારંભ તેમજ કાંકરેજ ગાય સંવર્ધન પુસ્તિકાનું લોકાર્પણ
• બનાસ બેંકની મોબાઇલ અને ઇન્ટરનેટ એપ સુવિધાનું લોકાર્પણ
• બનાસ ડેરીના રૂ.૩૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચીઝ અને વ્હે પ્લાન્ટનું ઉદઘાટન
મુખ્યમંત્રીશ્રીઃ
• નર્મદાના નીર દ્વારા પાક ઉત્પાદનમાં વૃદ્ધિ થકી બનાસકાંઠા જિલ્લો રાજ્યનો સમૃદ્ધ જિલ્લો બનશે.
• કાંકરેજી ગાયની ઓલાદના સંવર્ધન માટે રાજ્ય સરકારે એમ.ઓ.યુ કર્યા છે.
• વડગામ,પાલનપુર,ધાનેરા અને ડીસાને નર્મદાના નીર પૂરા પડાશે.
• રાષ્ટ્ર અને રાજ્યની સર્વાંગી વિકાસ યાત્રામાં રોડા નાખવાની વિરોધીઓની નીતિને પ્રજાએ જાકારો આપ્યો છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોને લોકાર્પિત કરી બનાસકાંઠાના કિસાનોના કઠોર પુરૂષાર્થની સાફલ્યગાથાને દોહરાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના હિંમતભર્યા નિર્ણયો માત્ર ને માત્ર રાષ્ટ્રહિત અને દેશના સામાન્ય નાગરિકોના હિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું
નોટબંધીના નિર્ણયને દેશહિત માટેનો હિંમત ભર્યો નિર્ણય ગણાવતાં વડાપ્રધાનશ્રી મોદીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સવા સો કરોડ નાગરિકોના સર્વાંગી હિત માટે હિંમ્મત ભર્યા કપરા નિર્ણયો લઇ રહી છે. ત્યારે વિરોધીઓ વિરોધ કરવા ખાતર વિરોધ કરીને અંતરાયો ઉભા કરી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની ટીકા કરવી એ લોકશાહીમાં વિરોધપક્ષની મહત્વની ભુમિકા છે.પરંતુ પ્રજા વિકાસના કાર્યો સામે રાજનીતીના ભાગ રૂપે થતો વિરોધ બરાબર નથી. રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ અને રાજકીય દળથી મોટો દેશ હોય છે એ વાત ધ્યાને રાખવી પણ જરૂરી છે.
બેન્કમાં લાઇન લગાવવાની જરૂર નથી ઇ-પેમેન્ટ અને ઇ-વોલેટના સહારે હવે બેન્કો મોબાઇલ પાછળ લાઇનો લગાવશે હવે હાર્ડ કેશ નહી સોફ્ટકેશની નવી દુનિયા ભષ્ટ્રાચાર, આંતકવાદ અને કાળાબજારની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિને જમીન દોસ્ત કરશે. નોટોના પહાડ તળે દેશના અર્થતંત્રને દબાતું અટકાવવું પડશે. વડાપ્રધાનશ્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, આતંકવાદ, ભષ્ટ્રાચાર અને કાળા નાણાં જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ સામેના જંગમાં દેશભરના લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર સામાન્ય જનના વિકાસ માટે કઠોર પગલાં ભરે છે. આ માટે રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ ભાવની જરૂર છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ બનાસની ધરતી પર બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઇની જન્મશતાબ્દી ઉત્સવને આવકારતાં કહ્યું કે, ખેડુતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે બનાસ ડેરી દ્વારા આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે જેના કારણે બનાસકાંઠા જિલ્લો આગામી સમયમાં ગુજરાતનો સૌથી સમૃદ્ધ જિલ્લો બનશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઉત્તર ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિર્ઘ વિઝનથી આજે જ્યોતિગ્રામ યોજના અને નર્મદાના નીર છેવાડાના વિસ્તાર સુધી બનાસકાંઠાને પૂરા પાડ્યા છે જેના પગલે પછાત ગણાતો જિલ્લો સમૃદ્ધ થયો છે. જિલ્લામાં ૨૮૦૦થી વધુ ચેકડેમો અને ૭૦૦થી વધુ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બટાટા અને દાડમના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠાના ખેડુતોના ઉત્પાદનને મૂલ્યવર્ધન દ્વારા વધુ આવક મળે તે માટે બટાટાની ચીપ્સ, ફ્રાય બનાવી વેચાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. તેમણે કહ્યું કે નાબાર્ડ દ્વારા રૂ.૪૦૦ કરોડનું રોકાણ કરાશે તે માટે રાજય સરકાર પાંચ કરોડની સહાય પ્રતિવર્ષ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, મધમાખીના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર રૂ.૨૬ કરોડની સહાય કરશે સાથે કાંકરેજી ગાયની ઓલાદનું સંવર્ધન થાય તે માટે જમીન માટે આજે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે જેનાથી કાંકરેજી ગાયની ઓલાદનું સંવર્ધન થશે.
તેમણે ઉમેર્યું કે, આજે બનાસકાંઠા જિલ્લાના વિકાસનો દિવસ છે. આવનાર સમયમાં વડગામ, પાલનપુર, ધાનેરા, અને ડીસાને પણ નર્મદાના નીર મળી રહે તે માટે રાજ્ય સરકાર બજેટમાં જોગવાઇ કરનાર છે.
રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે નિર્ધાર કરીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ત્યારે રાજ્યના પ્રત્યેક ખેડૂતને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા આપણે સહિયારો પ્રયાસ કરવો પડશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વ.ગલબાભાઇની જન્મજ્યંતિ ઉજવણીમાં વિરોધીઓએ પોતાની માનસિકતા છતી કરી છે જેમને પ્રજાએ તેમની જગ્યા બતાવી દીધી છે. યુ.પી.એ સરકારમાં દેશની સરહદ પર હુમલા થતા હતા ત્યારે ભારતીય સેના મજબુર હતી પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મજબૂત માનસિકતાને ધ્યાને લઇને ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા દેશને રાષ્ટ્રભક્તિનું બળ પૂરું પાડ્યું છે. કાંગ્રેસ દેશના હિતમાં રાજનીતિ કરવાનું બંધ કરે તે અનિવાર્ય છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નોટબંધી નિર્ણય કરવા માટે મજબૂત માનસિકતા જરૂરી છે ત્યારે વડાપ્રધાનશ્રીએ કઠોર નિર્ણય કરીને કાળાં નાણાંને બહાર લાવવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. વડાપ્રધાનશ્રીના નોટબંધીના નિર્ણયને દેશની પ્રજાએ સ્વીકાર્યો છે ત્યારે ગુજરાત પણ અગ્રીમ હરોળમાં ઉભું રહી કેશલેસ ઇકોનોમી ક્ષેત્રે દેશને નવો રાહ આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રના કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રમાં સબળ અને દ્રષ્ટિવંત નેતૃ્ત્વના કારણે આજે દેશ અને રાજ્યમાં વિકાસ વેગવંતો બન્યો છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખેડુતો અને ગ્રામજનોના વિકાસને ગુજરાત સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય સરકારની આ ખેડૂતલક્ષી નીતિ અને મજબૂત સહકારી માળખાને કારણે સ્થાપક ગલબાભાઇના અથાગ પ્રયાસોથી બનાસ ડેરી એશિયાભરમાં અગ્રેસર બની રહી છે. ત્યારે સ્વ.ગલબાભાઇની જન્મશતાબ્દી વર્ષથી હર્ષભેર ઉજવણી કરવા બનાસકાંઠા વિસ્તાર થનગની રહ્યું છે તેની પણ તેમણે નોંધ લીધી હતી. દૂધ સિવાયના ક્ષેત્રો જેવા કે મધ, પશુસંવર્ધન, મગફળી ખરીદી જેવા ક્ષેત્રે બનાસ ડેરીએ કરેલ કામગીરીની તેમણે નોંધ લીધી હતી. બનાસડેરીની આ વિકાસગાથામાં કેન્દ્ર સરકાર પૂરતો સહયોગ આપશે, તેમ પણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડુતોને માત્ર એક ટકાના નજીવા દરે ધિરાણ મળે તેવો ખેડૂતલક્ષી નિર્ણય લઇ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરી જિલ્લાને વિવિધ લાભો આપ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરાયું તે વિકાસની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને વિકાસની હરોળમાં લાવવા માટે છેલ્લા બે વર્ષમાં રૂ.૧૦૨૮ કરોડના ૧૦૫૨ રસ્તાઓના કામો મંજુર કર્યા છે. આજના દિવસે વાવ-ભાભર રોડ રૂ.૧૪.૫૦ કરોડના ખર્ચે મંજુર કરી જિલ્લાને ભેટ આપ્યો છે જેના પગલે જિલ્લાના વિકાસની ગતિ અવિરત વધશે તેમ જણાવ્યું હતુ્.
બનાસડેરીના ચેરમેન અને મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પંદર વર્ષના અથાગ પ્રયાસો કરીને તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાની આમુલ કાયાપલટ કરી છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે છેલ્લા દોઢ દાયકામાં બનાસકાંઠામાં થયેલ અભુતપૂર્વ વિકાસની તેમણે વિગતો આપી હતી. મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી બનાસકાંઠામાં નર્મદાના નીરની પધરામણી થતાં જિલ્લો હરિયાળો અને સમૃદ્ધ બન્યો છે. તેમણે કહ્યું કે જ્યોતિગ્રામ યોજનાથી ચોવીસ કલાક વીજળી મળવાથી વિકાસકૂચ વેગવંતી બની છે. મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીએ બનાસડેરીની પ્રગતિની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીની આ મુલાકાતથી જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી ઉત્સાહ અને હરખનો માહોલ છવાયો છે. તેમણે કાળુ નાણું બહાર લાવવા લેવાયેલ નોટબંધીના નિર્ણયનો પ્રતિભાવ આપવા લોકોને અપીલ કરતાં લાખોની જનમેદનીએ ઉભા થઇને હાથ ઉંચા કરી જબરદસ્ત હકારત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જિલ્લાને કેશલેસ કરવા પણ અપીલ કરાઇ હતી, જેનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
કેન્દ્રીય સુક્ષ્મ અને લઘુ અને મધ્મમ ઉધોગ રાજ્યમંત્રી શ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૨૮ વર્ષ પછી બનાસકાંઠાની ધરતી પર વડાપ્રધાન પધારી રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવા અને સાંભળવા લાખોની જનમેદની અહીં ઉપસ્થિત છે. તેમણે બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ.શ્રી ગલબાભાઇ નાનજીભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે ગામડાની બહેનો પશુપાલન વ્યવસાય થકી સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે બનાસડેરીની સ્થાપના કરી હતી તે બનાસડેરીનલ વિક્રમજનક વિકાસ થયો છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી શ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃ્ત્વ અને માર્ગદર્શનથી દેશમાં વિકાસકૂચ ઝડપી બની છે. તેમણે કહ્યું કે, આપણે કેશલેસ વ્યવહાર કરીએ.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો ઝડપભેર વિકસતો જિલ્લો બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરાહનીય પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સૌનો સાથ સૌનો વિકાસ અને સુશાસનના ફળ દેશભરમાં છેવાડાના વિસ્તારોમાં અને વ્યક્તિઓ સુધી સરળતાથી સારી રીતે પહોંચી રહ્યા છે.
કાર્યક્રમમાં લાખોની જનમેદની વડાપ્રધાનશ્રીને સાંભળવા ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીશ્રીનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બનાસડેરી ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી અને તેમની ટીમે પરંપરાગત પાઘડી અને કોટી પહેરાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીને મા અંબાની તસ્વીર તથા કાંકરેજી ગાયની પ્રતિકૃતિ અર્પણ કરીને તથા ભારતના નકશાની પ્રતિકૃતિનો ફુલહાર અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. જિલ્લાની સખીમંડળની પાંચ બહેનોએ વડાપ્રધાનશ્રીના ઓવારણા લીધા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઇની જન્મશતાબ્દીના વર્ષ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અમુલ એ-રના કાંકરેજ ગાયના દુધ પ્રોજેક્ટ ઉત્પાદન પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં મધ દ્વારા સુવર્ણક્રાંતિ થાય તે હેતુથી બનાસ મધ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાનશ્રીએ કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. કાંકરેજ ગાયના સંવર્ધનની માહિતી ધરાવતી પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. બનાસ હની અને એ-૨ દૂધ પ્રોડક્ટનો પ્રત્યક્ષ રીતે શુભારંભ કરાયો હતો. બનાસ બેન્કની મોબાઇલ અને ઇન્ટરનેટ બેન્કીંગનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રૂ.૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચીઝ અને વ્હે પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
Source: Information Department, Gujarat