Latest News

વડાપ્રધાનશ્રીએ ભરૂચ સિવિલ હોસ્પિટલના PSA ઓક્સિજન પ્લાન્ટનું ઋષિકેશથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

  પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતે કોરોના સામેની લડાઇમાં વેક્સિનેશન, ઓક્સિજન પ્લાન્ટ અને અદ્યતન સારવાર સુવિધાથી વિદેશી રાષ્ટ્રોની તુલનાએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:

  • ભારત સરકારની રાહબરીમાં વિવિધ રાજ્ય સરકારોએ પણ કોવિડ કાળમાં દર્દીઓ માટે ઉમદા આરોગ્ય સેવા ઉભી કરી
  • રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આકલન કરીને સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે
  • વડાપ્રધાનશ્રીએ કંડારેલી સુશાસનની પગદંડી પર ચાલી પ્રજાજનોને ગુડ ગવર્નન્સ આપવાની રાજ્ય સરકારની નેમ
  • લોકપ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે, જનતાની આશા-અપેક્ષા, સૂચનો સરકાર માટે હંમેશા સ્વીકાર્ય છે

  ……..

  • મુખ્યમંત્રીએ ગામોમાં ૧૦૦ ટકા વેક્સીનેશન પૂર્ણ કરનાર સરપંચશ્રીઓ અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાસુશ્રુષા કરનારા કોરોના વોરિયર્સને સન્માનિત કર્યા
  • ૫૮ કરોડના ખર્ચે નવનિર્મિત અંકલેશ્વર રેવેન્યુ સ્ટાફ ક્વાર્ટર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ લોકાર્પણ

  ……..

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતે કોરોના સામેની લડાઇમાં વેક્સિનેશન, ઓક્સિજન પ્લાન્ટ, અને અદ્યતન સારવાર સુવિધાથી વિદેશી રાષ્ટ્રોની તુલનાએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત સરકારની રાહબરીમાં રાજ્ય સરકારે પણ કોવિડકાળમાં દર્દીઓ માટે ઉમદા આરોગ્ય સેવા ઉભી કરી છે.

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ભરૂચ સિવિલ હોસ્પિટલના PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના નાગરિકોની આરોગ્ય સુખાકારીની દરકાર કરીને અત્યાર સુધી PM કેર્સ ફંડમાંથી કુલ ૧૫ ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે.  સી.એસ.આર. હેઠળ ૩ ઓક્સિજન પ્લાન્ટ મળી કુલ ૧૮ પ્લાન્ટ્સ રાજ્યને ઉપલબ્ધ થયા છે. આ પ્લાન્ટસ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અને સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લાભદાયી નિવડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં આવા ૩૫ PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતા.

  PM કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપુર, ગરુડેશ્વર, નવી સિવિલ હૉસ્પિટલ-સુરત, સ્મીમેર હૉસ્પિટલ-સુરત, સોલા સિવિલ અને ગાંધીધામ જ્યારે ગુજરાત CSR ઑથોરિટી દ્વારા રાજપીપળા, ઝાલોદ તથા મોરબી ખાતે નવા સ્થાપિત PSA પ્લાન્ટ્સ પણ લોકોને સમર્પિત થયા છે.

  ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે PM કેર્સ ફંડમાંથી રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૧.૮૭ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ સહીત સમાવેશ થાય છે. આ અંગેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આયોજિત કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આકલન કરીને સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથથી સૌના વિકાસ અને સૌના વિશ્વાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું કે, કોરોનાકાળમાં સામાન્ય માણસને પરવડે એવી આરોગ્ય સુવિધાઓ સરકારે ઉભી કરી છે. ખાનગી હોસ્પિટલોમાં રિઝર્વ બેડની વ્યવસ્થા કરીને હજારો દર્દીઓને નિ:શુલ્ક કોવિડ સારવાર આપી હતી જેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ હતી. વિદેશી રાષ્ટ્રોમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે તેવા ભ્રમને ભાંગીને ભારત અને ગુજરાતે કોરોના સામેની લડાઈમાં આગવું મોડેલ સ્થાપિત કર્યું છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિને સમર્પિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કંડારેલી સુશાસનની પગદંડી પર ચાલી રાજ્ય સરકાર પ્રજાજનોને ગુડ ગવર્નન્સ આપવાની નેમ ધરાવે છે.

  તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, લોકપ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે, જનતાની આશા-અપેક્ષા, સૂચનો સરકાર માટે હંમેશા સ્વીકાર્ય છે અને ગુડ ગવર્નન્સ-સુશાસનની કામગીરીમાં લોકોના સહયોગની અપેક્ષિત છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ છોડે તે માટે તેમના રહેવા, જમવા, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવા સરકારે આયોજન કર્યું છે, તેમજ તેમને રોજગાર દ્વારા સ્વનિર્ભર બનાવવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે. રસ્તા પર રખડતી ગાયો માટે પણ યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી  રહી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કોરોના મહામારી દરમિયાન ગામોમાં ૧૦૦ ટકા વેક્સીનેશન પૂર્ણ કરનાર સરપંચશ્રીઓ અને દિવસ-રાત ખડેપગે રહી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાસુશ્રુષા કરનારા કોરોના વોરિયર્સ તબીબો, મેડિકલ સ્ટાફને સન્માનિત કરાયા હતા.

  આ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ.૯.૫૮ કરોડના ખર્ચે અંકલેશ્વર ખાતે નવનિર્મિત રેવેન્યુ સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ લોકાર્પણ કર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નવા પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું.

  આ તકે ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્મૃતિચિહ્નન અને ફુલહારથી અભિવાદન કર્યું હતું.

  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં ૯૮.૩૯ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૮૫ ટકા લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે ૪૦ ટકા લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે. છેવાડાના લોકોને રસીકરણનાં કવચથી સુરક્ષિત કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.

  આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, ઈ.કલેકટરશ્રી યોગેશ ચૌધરી, જિલ્લા પોલિસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, આરોગ્ય અને ૫રિવા૨ કલ્યાણ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે, GMSCLના મેનેજિંગ ડિરેકટરશ્રી પ્રભાવ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી અમિત ચાવડા, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી મારૂતિસિંહ અટોદરીયા, અગ્રણીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, જનકભાઈ બગદાણાવાળા સહિત આમંત્રિત શહેરીજનો, રેસિડન્ટ તબીબો, મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

  Source: Information Department, Gujarat