Latest News

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું છે કે, જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે.

        ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા છે.

        રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે તે દેશ માટે ગર્વ અને આનંદની વાત છે.

        અમદાવાદને આ બિરુદ આપસી સૌહાર્દ, પુરાતન ધરોહર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વમાં અમદાવાદ અહિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે તે પણ છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને સામાજિક સૌહાર્દ અને અહિંસા જીવનમાં ઉતારવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

        અમદાવાદની ધરતી પર તાજેતરના વર્ષોમાં ચીન, જાપાન અને ઇઝરાયેલના રાષ્ટ્રવડાઓ આવી ચૂક્યા છે તેમ જણાવી તેમણે કહ્યું કે, અહીં આવનાર મહાનુભાવો અમદાવાદની સંસ્કૃતિ – વિરાસતને જોઇ પ્રભાવિત થાય છે તે સાથે અહીં વિકાસનું જે વાતાવરણ છે તે પણ તેઓને આકર્ષિત કરે છે તેથી જ ગુજરાત દેશમાં વિકસિત રાજ્ય તરીકે રાષ્ટ્રમાં અગ્રેસર છે.

        તેમણે ડૉ. અબ્દુલ કલામ જો સ્પેસ સાયન્ટીસ્ટ છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સોશિયલ સાયન્ટીસ્ટ છે તેમ જણાવી કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટી માટે આનંદની વાત છે કે, વડાપ્રધાન આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે તો, ડૉ. અબ્દુલ કલામ આ કર્મભૂમિમાં બે વર્ષ સુધી સંશોધન કાર્ય કરી ચૂક્યા છે. આ બંનેએ સામાન્ય પરિવારમાંથી આવતું વ્યક્તિત્વ છે અને છતાં બંને ઉંચાઇ પર પહોંચ્યા છે તેમાંથી પ્રેરણા લેવા તેમણે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં સાંસ્કૃતિક વિરાસત અને નૈતિક મૂલ્યોના મૂળ દૃઢ બનાવ્યા હતા તો તેની સાથે ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહિત કરતા આઇ-ક્રિએટ જેવા સંસ્થાનોની સ્થાપના કરી ઉદ્યોગ સાહસિકતાને બળ મળે તેવા વાતાવરણનું ગુજરાતમાં સર્જન કર્યું છે. વિદ્યાર્થીઓ માટે આ સાનુકૂળ તક છે કે, પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધે અને એટલી ઉંચાઇ હાંસલ કરે કે આ મહાનુભાવોને પણ પાછળ છોડી દે, તેમ તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરતાં જણાવ્યું હતું.

        ડૉ. વિક્રમ સારાભાઇ અને ડૉ. કસ્તુરીરંગન જેવા વૈજ્ઞાનિકોની પણ અમદાવાદ કર્મભૂમિ રહી છે તેનું સ્મરણ કરતા તેમણે કહ્યું કે, સ્વ-રોજગાર તો ગુજરાતની સંસ્કૃતિ રહી છે તે જ કદાચ ગુજરાતના વિકાસનું મુખ્ય કારણ છે.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સ્ટાર્ટઅપ – સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા યુવાનોને આગળ આવવા માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ તક ઝડપી લેવી જોઇએ, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

        રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, તમે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ જે લોકો હજુ શિક્ષણ અને વિકાસથી વંચિત છે તે અંગે વિચારવું તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

        યુનિવર્સિટીમાંથી ચંદ્રકો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓની વધુ સંખ્યા જોઇને હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં ખરેખર મહિલા સશક્તિકરણ થઇ રહ્યું છે તેવું આ જોતા લાગે છે. તેમણે હળવા સૂરમાં કહ્યું કે, જો આમ જ આગળ ચાલતું રહેશે તો એવું પણ બને કે મહિલાઓને બદલે યુવાનોને અનામત માંગવી પડે.

        તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી લોકશાહીના પ્રતિક સમા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા માટેનું ઇજન આપ્યું હતું.

        રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું કે, ભારતની ગણતરી આજે વિકાસશીલ રાષ્ટ્ર તરીકે થાય છે, પરંતુ યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર થનાર યુવાનોના જ્ઞાનથી ભારત વિકસિત રાષ્ટ્રની દિશામાં અગ્રેસર બને તે જરૂરી છે.

        તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીઓનું કાર્ય જ્ઞાનનું સર્જન કરવાનું છે અને આ જ્ઞાનનો સમાજ શ્રેયાર્થે પ્રસાર કરવાનો છે. આપણી યુનિવર્સિટીઓ વૈશ્વિક ઊંચાઇ હાંસલ કરે તે માટે સંકલ્પબદ્ધ થવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

        શિક્ષણથી દેશની વિષમતા દૂર થશે, ગરીબી દૂર થશે અને રોજગાર ઉપલબ્ધ બનશે, તેમ જણાવી તેમણે આધુનિક શક્તિથી યુક્ત વિદ્યાર્થી તૈયાર કરવાની જવાબદારી યુનિવર્સિટીની છે. જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે તેમણે સાથે લઇને ચાલવાની જવાબદારી નવા તૈયાર થનાર યુવાન વિદ્યાર્થીઓની છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

         મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી ૬૮ વર્ષ જૂની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીએ અનેક નામાંકિત મહાનુભાવો સમાજને આપ્યાં છે.

        તેમણે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ દેશના કાયાકલ્પ માટે વાપરી નયા ભારતના નિર્માણમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.

        ગુજરાત યુનિવર્સિટીએ જે પાયો નાંખ્યો છે તેની બૂલંદી પરથી શિક્ષણનો વ્યાપ રાજ્યભરમાં વધ્યો છે તેમ જણાવી તેમણે શિક્ષા સાથે દિક્ષા મેળવી પોતાના સાથે કુટુંબ, સમાજને ઉપયોગી થવા ઉપસ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

        અત્યારે જ્ઞાનનો યુગ છે, સ્પર્ધા પણ ખૂબ છે ત્યારે નવા વિચારો સાથે દુનિયાના પડકારો ઝીલવા વિદ્યાર્થીઓને સક્ષમ બનાવે છે, તેમ પણ જણાવ્યું હતું.

        ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી હિમાંશુભાઇ પંડયાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ અનેક નામાંકિત લોકોની સમાજને ભેટ આપી છે. જે પોતાના જ્ઞાનથી પોતાના ક્ષેત્રને સુશોભિત કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલ વિદ્યાર્થીઓ સ્વ સાથે રાષ્ટ્ર વિકાસમાં પણ જોડાશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

        ગુજરાત યુનિવર્સિટીના ૬૬ માં પદવીદાન સમારોહમાં જુદી જુદી વિદ્યાશાખામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓને ૨૪૨ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં લો ફેકલ્ટીની એક વિદ્યાર્થીને સૌથી વધુ ૧૦ મેડલ કાયદા વિદ્યાશાખામાં એનાયત કરવામાં આવ્યા હતા. વિનયન વિદ્યાશાખામાં ૧૬૨૬૨, વિજ્ઞાન વિદ્યાશાખામાં ૭૪૭૩, ઇજનેરીમાં ૧૮૬, કાયદામાં ૧૦૨૩, મેડિકલમાં ૧૦૯૬, કોમર્સમાં ૨૫૯૦૩, ડેન્ટલમાં ૯૦ અને શિક્ષણ વિદ્યાશાખામાં ૪૧૨૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૫૬૧૫૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

        આ અવસરે રાષ્ટ્રપતિના પત્ની શ્રીમતી સવિતા કોવિંદ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી પી. એમ. પટેલ, વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat