Latest News

રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ગાંધીનગરથી રૂ. ૧૨૮૯ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ-લોકાર્પણ

  સ્વાસ્થ્ય, તબીબી શિક્ષણ, પાણી પુરવઠા, સિંચાઈ તથા બંદર વિકાસ જેવી વિવિધ પરિયોજનાઓના અમલથી ગુજરાતમાં રોજગારી સહિતની બહુવિધ તકો ઉપલબ્ધ થશેઃ રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ

  *******

  :: રાષ્ટ્રપતિશ્રી ::

  • ૮૫ ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં નિર્માણાધીન ૫૪૦ બેડની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજથી આરોગ્ય સુવિધા-તબીબી શિક્ષણનો મહત્તમ લાભ
  • જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે માર્ગદર્શન આપશે
  • દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે
  • ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો આજે ભારતભરમાં અમલ
  • નીતિ આયોગના કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં છેલ્લા ત્રણ વર્ષથી જળ વ્યવસ્થાપનમાં ગુજરાત પ્રથમ ક્રમે
  • દેશના કુલ પોર્ટ કાર્ગો પરિવહનનમાં ગુજરાતના બંદરોનો ૪૦ ટકા હિસ્સો

  *******

  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

  રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે આજે આરોગ્ય, પાણી, બંદરો અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે થયેલા વિવિધ પ્રક્લ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેના આધાર ઉપર ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

  ******                                                                  

       રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. આપ સૌની કુશળતાની પ્રાર્થના
  કરું છું.’

  રાષ્ટ્રપતિશ્રીએ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં થોડો સમય વીતાવવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શો માનવતા માટે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તા, સિંચાઈ તથા બંદર વિકાસ જેવી વિવિધ પરિયોજનાઓના અમલીકરણથી ખેડૂતો અને નાના-મોટા વ્યાપારીઓને રોજગારી સહિતની બહુવિધ તકો ઉપલબ્ધ થશે.

  શ્રીમતિ મુર્મુએ કહ્યું હતું કે, ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ૮૫ ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. ૫૩૦ કરોડના ખર્ચે  ૫૪૦ બેડની નિર્માણ પામનાર જી.ઈ.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને આરોગ્ય સુવિધાઓનો તથા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી માટે સ્વાસ્થ્ય કાર્ડ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં કોવિડ વેક્સિનના ૧૨ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતના જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે માર્ગદર્શન આપશે.

  રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, નીતિ આયોગના ૨૦૨૦-૨૧ના ટકાઉ વૈશ્વિક લક્ષ્યાંક અંતર્ગત ‘ગોલ નં.૩-આરોગ્ય અને સુખાકારી’ અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ મહત્વ આપ્યું છે. ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો ભારતભરમાં અમલ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો છે. દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે.

  સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ સુરક્ષા જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અગાઉ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી હતી, પરંતુ યોગ્ય જળ વ્યવસ્થાપનના કારણે આજે સરદાર સરોવર કેનાલના ૬૩ હજાર કિલોમીટરના વિશાળ નેટવર્ક દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચ્યું છે. જેના પરિણામે ખેડૂતો સહિત લાખો ગુજરાતીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ’માં છેલ્લા ત્રણ વર્ષથી જળ વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમ મેળવી રહ્યું છે.

  રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યમીઓએ ગુજરાત અને દેશને વિશ્વમાં વિશેષ ઓળખ અપાવી છે. ગુજરાતના લોકોમાં ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશનની સંસ્કૃતિ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા મહાબંદર પર વિકાસના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ નવીન પ્રકલ્પોથી કંડલા મહાબંદરની ક્ષમતામાં વધારો થશે અને આ વિસ્તારના વિકાસને વધુ વગે મળશે. દેશના કુલ પોર્ટ કાર્ગો પરિવહનનમાં ગુજરાતના બંદરો ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રપતિશ્રીએ વિકાસની નવીન પરિયોજનાઓ માટે સૌને અભિનંદન આપ્યાં હતાં.

   

  :- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :- 

  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ છે એમ જણાવતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે વધુને વધુ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે આજે આરોગ્ય, પાણી, બંદરો અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે થયેલા વિવિધ પ્રક્લ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે.

  તેમણે ઉમેર્યું કે, ગુજરાતે અનેક સાહિત્યકારો, ઈતિહાસકારો, સ્વાતંત્ર્ય સેનાનાનીઓ આપ્યા છે અને આજે ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાવંત નેતૃત્વ હેઠળ ભારતનું નામ વૈશ્વિકસ્તરે પહોચ્યુ છે, તે આપણા માટે ગૌરવરૂપ છે. તેમણે તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી છે એે અપ્રતિમ રીતે આજે આગળ વધી છે અને ગુજરાત દેશનું રોલમોડલ પુરવાર થઈ રહ્યું છે. આજે દેશ-વિદેશ સહિત વિવિધ રાજ્યોના લોકો વિકાસની પરિભાષા જોવા અને સમજવા  ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

  તેમણે કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં રસ્તાઓનું વિશાળ નેટવર્ક, અવિરત વીજપુરવઠો, નળથી જળની સુગ્રથિત વ્યવસ્થા પુરી પાડી છે. નર્મદાના નીર છેવાડાના માનવી સુધી પહોચાડવાનું ભગીરથ કામ રાજય સરકારે કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરી છે.

  તેમણે કહ્યું કે, માનવજીવન માટે શ્રેષ્ઠ આરોગ્ય એ પ્રાથમિક જરૂરિયાત છે ત્યારે આરોગ્યક્ષેત્રે પણ ગુજરાતે શ્રેષ્ઠ સેવાઓ આપી છે. આદિવાસી વિસ્તારના  નાગરિકોને વધુ ખાસ આરોગ્ય સવલતો મળે એ માટે રાજપીપળા ખાતે નવીન મેડીકલ કોલેજ-હોસ્પિટલનું નિર્માણ આગવી ઓળખ આપશે. ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણ થનાર સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલ, રેન બસેરા સેન્ટર તથા કાર્ડિયાક સેન્ટર ધ્વારા પણ નાગરિકોને વધુ સુદ્રઢ આરોગ્ય સવલતો મળતી થશે.

   

  :: મુખ્યમંત્રીશ્રી ::

  આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી ગુજરાતની તેમની પહેલી જ મુલાકાતમાં રૂપિયા ૧૩૩૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કર્યા છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેના આધાર ઉપર આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર અને પ્રથમ રહ્યું છે. ગુજરાતમાં આરોગ્ય માળખાને સુદ્રઢ બનાવવા અને સૌની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારે તમામ પગલાં ભર્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, નીતિ આયોગના ડેવલોપમેન્ટ ગોલ થ્રીમાં આરોગ્યને લગતા ઇન્ડિકેટરમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મહત્તમ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ગુજરાતને ભારત સરકાર દ્વારા ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨’ એનાયત કરવામાં આવ્યો છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

  આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં રૂ. ૩૭૨ કરોડના ખર્ચે નિર્માણ થનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ૫૦૦ બેડની સુવિધાથી સજ્જ હશે, તેમજ રેન બસેરાની સગવડ ધરાવતી હશે. આ હોસ્પિટલમાં આઈસીયુ, ઇમેજિંગ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ, યુરોલોજી અને કાર્ડીઆક સેવાઓ મળતી થશે.

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના આદિજાતિ જિલ્લાના યુવાનોને ઘર આંગણે મેડિકલ એજ્યુકેશન આપવા પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનો સરકારનો સંકલ્પ છે. રાજપીપળામાં આવી જ એક નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે. ૫૪૦ બેડની ક્ષમતા ધરાવતી આ ૬ માળની આ હોસ્પિટલ આદિવાસી બહુસંખ્યા ધરાવતા નર્મદા જિલ્લાના નાગરિકો માટે હોલીસ્ટિક હેલ્થ કેરનું વન સ્ટોપ સોલ્યુશન સાબિત થશે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ દાહોદમાં રૂપીયા ૩૬ કરોડના ખર્ચે બનનારી જૂથ પાણી પુરવઠાની ૪ યોજનાના ૬૦ ગામ ૨૫૬ ફળિયાની ચાર લાખની વસ્તીને ૩૬૦ લીટર કરોડ પાણી નળથી પૂરું પાડશે.

  જળ વ્યવસ્થાપન સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ૯૮% ઘરોને સરકાર નળથી જળ આપે છે. રાજ્યના ૩૩ માંથી ૨૦ જિલ્લાઓ ૧૦૦% નલ સે જલ મેળવતા થયા છે, બાકી રહેતા વિસ્તારોને પણ ખૂબ જ ઝડપથી આવરી લેવાનું આયોજન સરકારે કર્યું છે.

  તેમણે ઉમેર્યું કે, સરકાર દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાના ડુંગરાળ વિસ્તારના દૂર સુદૂર ગામો અને ખેતરોને ૩૦-૪૦ માળ જેટલી ઊંચાઇએ લિફ્ટ કરી પાણી પહોંચાડે છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પાણી, આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા સાથે ઔદ્યોગિક વિકાસ અને રોજગાર ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ માટે પાછલા એક દાયકાથી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળે છે. આઝાદીના અમૃતકાળમાં દેશના ગરીબ, વંચિત, છેવાડાના માનવીને પાણી, વીજળી, આરોગ્ય, આવાસ જેવી સગવડો આપી આત્મનિર્ભર, સશક્ત અને સમૃદ્ધ ભારતના સંકલ્પો સાકાર કરવા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુ દ્વારા આરોગ્ય ક્ષેત્રે આ નવીન પ્રકલ્પોના ભૂમિપૂજન-લોકાર્પણ કરવાથી નાગરીકોને વિવિધ સુવિધાઓમાં વધારો થશે અને તેમની શુભેચ્છાઓ-આશીર્વાદ અમને આગળ કામ કરવાની પ્રેરણા આપશે. રાષ્ટ્રપતિશ્રીના આગમનથી અમારી ટીમમાં ઉમંગ, ઉત્સાહ અને અનેરો સંચાર મળશે. તેમના માર્ગદર્શન થકી અમને નાગરીકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વધુ કામ કરવાની પ્રેરણા મળશે.

  તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન થકી ધરતીને બચાવવા માટે સેવ સોઈલ સાથે જ નાગરીકોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે પ્રાકૃતિક ખેતી જેવા પ્રકલ્પો દ્વારા રાજ્ય સરકારને સતત પ્રેરીત કરી રહ્યા છે તે અમારા માટે ગૌરવસમાન છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ વધુને વધુ સુદ્રઢ રીતે પુરી પાડવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તે વિકાસની રાહ ઉપર આજે આપણે  અવિરતપણે આગળ વધી રહ્યા છીએ.

  ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુંના વરદહસ્તે ગાંધીનગર જી.એમ. ઈ.આર. એસ.મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસ ખાતે નવ નિર્માણ થનાર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ,ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય પ્રવાસન અને બંદર, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શ્રીપદ નાયકજી,  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિશ્રી એ આ વેળાએ ગાંધીનગર સીવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નવનિર્માણ થનાર આ પ્રકલ્પોના મોડલનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે સંપૂર્ણ માહિતી આપી હતી.

  રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્તે રૂ. ૧૨૮૯.૮૩ કરોડના વિકાસકામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગર ખાતે રૂ.૩૭૩.૦૦ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ક્રીટીકલ કેર સેન્ટર અને રેનબસેરા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, રૂ.૫૩૦.૦૦ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જી. એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અપગ્રેડેશન, રૂ.૪૯.૦૦ કરોડના ખર્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શામણા શૈયલ લીફ્ટ ઈરીગેશન પ્લાન્ટ, રૂ. ૧૮.૦૦ કરોડના ખર્ચે લુણાવાડા ખાતે મોરલનાકા બાબરી લીફ્ટ ઈરીગેશન પ્લાન્ટ, રૂ. ૯.૦૦ કરોડના ખર્ચે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા ખાતે ફળિયા કનેક્ટિવિટી ઓફ કતવારા પાટાડુંગરી, રીજીયોનલ વોટર સપ્લાય સ્કીમ, ધાનપુર તાલુકાના લીમખેડા ખાતે રૂ. ૧૮.૦૦ કરોડના ખર્ચે ફળિયા કનેક્ટિવિટી ઓફ બાર, રીજીયોનલ વોટર સપ્લાય સ્કીમ પાર્ટ-૧ અને ૨, દાહોદના ઝાલોદ તાલુકા સંજેલી ખાતે રૂ. ૯.૦૦ કરોડ ફળિયા કનેક્ટિવિટી ઓફ મચ્છનાળા, મહાબંદર કંડલા ખાતે રીજીયોનલ વોટર સપ્લાય સ્કીમ, રૂ. ૬૯.૫૧ કરોડ ખર્ચે નિર્માણ થનાર કાર્ગો જેટી વિસ્તારની અંદર નવા ડોમ આકારના ગોડાઉન, રૂ. ૮૦.૦૦ કરોડ કાર્ગો જેટી વિસ્તારની અંદર ૬૬ હેક્ટર વિસ્તારમાં પ્લોટ્સ અને સ્ટોર્મ વોટર ડ્રેઇન્સનું અપગ્રેડેશન, રૂ. ૪૭.૦૦ કરોડ કાર્ગો જેટી વિસ્તારની અંદર ૪૦ હેક્ટર વિસ્તારમાં પ્લોટ, રસ્તા અને સ્ટોર્મ વોટર ડ્રેઇનનું અપગ્રેડેશન રૂ. ૮૭.૩૨ કરોડથી વધુ ટુના રોડને ટુ લેનમાંથી ફોર લેનમાં અપગ્રેડેશન કામોનો સમાવેશ થાય છે.

  આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત  તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat