મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જ્ઞાન-વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવા ક્રિએશન-ઇનોવેશન માટેનું પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવા ઇનોવેટિવ આઇડિયાઝથી રાજ્ય-રાષ્ટ્રના વિકાસના પ્રોબ્લેમ્સના સોલ્યૂશન્સ શોધે તે માટે તેમને પ્રોત્સાહન આપવું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ અને યુનિસેફના ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઇ વિજેતા થયેલી ૩૦ ટીમ્સનું ગાંધીનગરમાં અભિવાદન કર્યું હતું.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડો. હિમાંશુ પંડ્યા, પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી જગદીશ ભાવસાર, શિક્ષણ અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્મા તથા યુનિસેફના ગુજરાત હેડ ડો. લક્ષ્મી ભવાની પણ આ ગૌરવશાળી સમારોહના સાક્ષી બન્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે બાળકો-વિદ્યાર્થીઓમાં જે જિજ્ઞાસા પડેલી છે, નવું વિચારવાની જે ક્ષમતા છે, સપના છે તેને સાકાર કરવા ચિલ્ડ્રન ઇનોવેશન માટે પ્લેટફોર્મ આવા ફેસ્ટિવલ્સથી રાજ્ય સરકારે પૂરું
પાડ્યું છે.
તેમણે ઉમેર્યું કે શાળા-કોલેજના છાત્રો જેમ મેદાનમાં રમતો રમીને પરસેવો પાડે છે તેમ શોધ-સંશોધન કરવાની ધૂન સાથે ઇનોવેશન્સ માટે દિવસ-રાત મચ્યા રહેશે તો રાષ્ટ્ર-રાજ્યના હિતમાં કંઈક નવું અને હિતકારી પ્રદાન કરી શકે એવું સામર્થ્ય ધરાવે છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ આવા ઇનોવેશન્સ કરનારા બાળકોની પીઠ થાબડતાં કહ્યું કે જે રાજ્યની બાળશક્તિ આવી સક્ષમ વૈચારિક તાકાતવાળી હોય તે રાજ્ય દેશનું રોલ મોડેલ દરેક ક્ષેત્રે બને જ તેવો આત્મવિશ્વાસ હવે થઈ ગયો છે.
મુખ્યમંત્રીશ્રીએ બાળકોને પ્રેરણા આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા સ્લોગન આપ્યાં ત્યારે જેમને એ માત્ર સૂત્રો લાગતા તે લોકો હવે વિકાસની પરિભાષાથી ભારતને વિશ્વગુરુ બનાવવામાં આ સૂત્રો કેટલા સક્ષમ બન્યાં છે તે જોઇ લે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઇનોવેશનથી દેશમાં મેઇક ઇન ઇન્ડિયા સાથે એક નવો સ્પિરીટ ઊભો થયો છે કે આઝાદીના ૭૦ વર્ષ સુધી જે સપનાં સાકાર ન થયા તે હવે પાર પડી રહ્યાં છે.
તેમણે ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે સ્ટાર્ટઅપ નીતિ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સહિત યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો જે વ્યૂહ અપનાવ્યો છે તેની પણ છણાવટ કરી હતી.
ગુજરાત આજે સમગ્ર દેશના ૪૩ ટકા સ્ટાર્ટઅપ સાથે સ્ટાર્ટઅપ હબ બન્યું છે અને ઇઝરાયેલના સહયોગથી શરૂ થયેલા આઇ ક્રિયેટે નવોન્મેષી યુવાઓમાં ‘આઇ ક્રિયેટ – મેં ક્રિયેટ કર્યું’નો ભાવ જગાવ્યો છે તેની પણ પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના બધા જ વિભાગોના પ્રશ્નો-સમસ્યાઓનું સમાધાન આવા હોનહાર ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપની હેકાથોન યોજીને કરવાની પણ નેમ વ્યક્ત કરી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું જે સપનું જોયું છે તેને સ્ટાર્ટઅપ-ઇનોવેશન્સથી ઊંચા લક્ષ્ય સાથે પાર પાડવા પણ આહવાન કર્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમસ્યાઓ, પડકારો સામે સરન્ડર થવાને બદલે તેના સમાધાનના ટેક્નોલોજીયુક્ત ઉપાયો શોધવાની બાળ માનસની કાબેલિયતને બિરદાવી હતી.
Source: Information Department, Gujarat