સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢના ચાંપરડા ખાતે શરૂ થયેલા કુદરતી ઉપચાર કેન્દ્ર- પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર એ ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’ સાબિત થશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ચાંપરડા ખાતે વિવિધ સંતોની ઉપસ્થિતિમાં “પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ”નું ઇ-લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સંતશ્રીઓના આશીર્વાદ મેળવતાં કહ્યું હતું કે, નૈસર્ગિક સૌદર્યં અને ઔષધિયોથી ભરપુર એવા જૂનાગઢ- સૌરાષ્ટ્રના લોકોની આરોગ્ય સુખાકારીમાં આ વેલનેસ સેન્ટરના પ્રારંભથી નવી સુવિધા ઉમેરાઇ છે.
તેમણે કહ્યું હતું કે, પૂ. સંતશ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણા- આશીર્વાદથી શરૂ થયેલા આ પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરમાં આયુર્વેદ, યોગ, ધ્યાન, હોમિયોપથી, નેચરોપથી અને ફિજિયોથેરાપી જેવી કુદરતી સારવાર પદ્ધતિ ધરાવતું ‘વન સ્ટોપ સોલ્યુનેશન’ બની રહેશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે. નૈસર્ગિક ઉપચાર સાથે આધ્યાત્મિક માર્ગદર્શનનો સુભમ સમન્વય પણ આ વિસ્તારના લોકોને પ્રાપ્ત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સંતાનો આશીર્વાદ એટલે દવા અને દુઆ બંને જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી છે કે શરીરની સાથે મન અને આત્માની શુદ્ધિ પણ આવશ્યક છે જ્યારે પશ્વિમી સંસ્કૃતિમાં આ શક્ય નથી. આપણા ઋષિ મુનીઓએ અનેક સંશોધનો પછી આ નૈસર્ગિંક ઉપચાર પદ્ધતિ વિકસાવી છે એટલે આપણે ત્યાં હેલ્થ ઇન્સ્યોરન્સ કરતાં હેલ્થ એસ્યોરેન્સને વધુ મહત્વ આપીએ છીએ. સંપત્તિ કરતાં આપણે સ્વાસ્થ્ય- આરોગ્યને વધુ મહત્વ આપવું જોઇએ.
તેમણે કહ્યું હતું કે ચાંપરડામાં પૂજ્ય મુક્તાનંદજીના આશીર્વાદથી શૈક્ષણિક, આરોગ્ય જેવા અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે જેમાં આ એક વધુ સુવિધા ઉમેરાઇ છે. આપણા વડાપ્રધાનશ્રી મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કર્યા છે. યોગ અને આયુર્વેદે સિદ્ધ કરી આપ્યું છે કે આપણે આ ઉપચાર દ્વારા આપણી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરી શકીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર વધુ ભાર મુક્યો છે. વધુમાં વધુ વેક્સિનેશન આપણે કરી રહ્યા છીએ. ગુજરાતમાં આયુર્વેદ કોલેજોનો વ્યાપ વધારવા અને આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વધુને વધુ ઉજાગર કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીશ્રીએ ચાંપરડા ખાતે આ પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન આપી આ સેન્ટરનો વધુમાં વધુ લોકો લાભ મેળવી સ્વસ્થ્ય રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેલનેસ સેન્ટરની તક્તીનું ઇ-અનાવરણ કર્યું હતું.
બ્રહ્માનંદ વિદ્યા સંકુલના અધ્યક્ષ શ્રી અર્જુનસિંહ રાઠોડે આભારવિધિ કરી હતી.
આ લોકાર્પણ પ્રસંગે ચાંપરડા ખાતે ગોરક્ષનાથ આશ્રમના મહંતશ્રી શેરનાથ બાપુ, સત્તાધાર ધામના મહંતશ્રી વિજય બાપુ, મહંતશ્રી સદાનંદ બાપુ, મહંતશ્રી રાજભારતી બાપુ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરિભાઇ રિબડીયા, પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસના ડાયરેક્ટર શ્રી કમલેશ ધાંધર, CEO ડૉ. સૌરભ ત્રિવેદી તેમજ ગાંધીનગર ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat