Latest News

સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના સપનાને સાકાર કરી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્ર સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઊંચો લઈ જઈ શકે : મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન : બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ પડતર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે

ક્રેડાઇ -ગાયહેડના પ્રોપર્ટી-શોના સમાપન સમારોહમાં મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા પણ સહભાગી થયા

*********

અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે , સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના  સપનું સાકાર કરવામાં સહયોગ આપી બાંધકામ-ઉદ્યોગક્ષેત્ર સમાજમાં હેપીનેસ ઈન્ડેક્સ ઉંચો લઈ જવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમની પડતર જમીનમાં  પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતોને તે અંગેનું મોડલ પૂરું પાડી શકે.

તેમણે પ્રાકૃતિક કૃષિ ની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન વેગવાન બન્યું છે ત્યારે આપણે સૌ તે મહાયજ્ઞમાં જોડાઈ સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમથી વિચારશે તેમ પણ જણાવ્યું હતું.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી કહ્યું કે  “ઓછું બોલવું અને કામ વધુ કરવું ” એ આ રાજ્ય સરકારની વિશેષતા  છે. તેમણે આ તબક્કે રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી રાજેન્દ્રભાઈએ આ અવસરે ગાયહેડના પદાધિકારીઓ અને સભ્યોને કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો.

રાજ્યકક્ષાના શહેરી વિકાસમંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, શ્રી ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર મક્કમ રીતે આગળ વધી રહી છે .તેમણે વધુમાં જણાવ્યું હતું, કે ભુપેન્દ્રભાઈ ની સાથે કામ કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ તે ગૌરવની લાગણી અનુભવે છે.

આ પ્રસંગે  ઔડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ડી. પી. દેસાઈ, ક્રેડાઇ -ગાયહેડના પ્રમુખ શ્રી તેજસભાઈ જોશી, શ્રી જક્ષયભાઈ શાહ ,શ્રી શેખર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat