Latest News

માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા રાહત સહાય પેકેજની મુખ્ય વિશેષતાઓ :-

 • બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના ૫૦ ટકા અથવા રૂ. ૩૫,૦૦૦ સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર
 • અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦  સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
 • નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે
 • અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય
 • આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા પાંચ લાખ સુધીની લોન મેળવે તો તેના પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય ૨ વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
 • પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. પાંચ લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે
 • ઉપરાંત માછીમાર રૂપિયા ૧૦ લાખ સુધીની લોન મેળવે તો તેના પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
 • ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા ૮૨૦૦ પ્રમાણે સહાય અપાશે.
 • નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે
 • દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. ૮૦ કરોડનો ખર્ચ થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૧૦૫ કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.

નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને મુખ્ય સચિવશ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, એસી.એસ.શ્રી પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ શ્રી નલિન ઉપાધ્યાય અને કમિશ્નરશ્રી ડી.પી.દેસાઇએ આ કોર કમિટીમાં રજૂ કરેલા વિસ્તૃત પ્રેઝેન્ટેશનની વિવિધ બાબતોનો અભ્યાસ કરીને આ ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉતે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂર્ન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ ૧૦૫ કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના ૨૨૦ કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો.

આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ, ફિશનેટ-જાળ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૬૦૦ કિ.મીનો સૌથી લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે.

તાજેતરમાં આ વિનાશક તાઉતે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ દરિયાકાઠાંના અસરગ્રસ્ત વિસ્તારોની તેમની પોતાની મુલાકાત દરમ્યાન પણ અનેક સાગરખેડૂ પરિવારોએ આ તાઉતે વાવાઝોડાને કારણે તેમનો આજીવિકાનો આધાર એવી મત્સ્ય પ્રવૃતિઓ માટેના મુખ્ય આધારસ્તંભ એવી ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને થયેલા મોટા નુક્શાનનો વેદનાપૂર્ણ ચિતાર આપ્યો હતો.

રાજ્ય સરકાર સાગરખેડૂ પરિવારોની આ વેદનામાં પૂરી સંવેદનાથી સહભાગી બનીને તેમને ફરી બેઠા કરવા, દરિયો ખેડી મત્સ્યપ્રવૃતિ દ્વારા આર્થિક આધાર મેળવતા કરવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેના પરિણામે આ રૂપિયા ૧૦૫ કરોડનું સર્વગ્રાહી રાહત પેકેજ આપત્તિગ્રસ્ત માછીમાર પરિવારો માટે જાહેર કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેતીપાકો, બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા નુક્સાનીનો સર્વે ત્વરાએ હાથ ઘરીને અસરગ્રસ્તોને કેશડોલ્સ, ઘરવખરી સહાય ૧૦0 ટકા ચૂકવી આપી છે.

એટલું જ નહીં, બાગાયતી પાકોના નુક્સાનમાંથી ખેડૂતોને બેઠા કરી અને પડી ગયેલા, નમી ગયેલા, ઉખડી ગયેલા ફળાઉ પાકોના ઝાડ પૂર્ન:જીવત કરવા સહિતના લાભો આપવાના હેતુસર રૂપિયા ૫૦0 કરોડનું વાવાઝોડા રાહત સહાય પેકેજ અગાઉ જાહેર કરેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વે રાજ્યના મત્સ્યદ્યોગ-બંદર વિભાગના મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને સચિવશ્રી નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓના, મોટીબોટના, ટ્રેલરના તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.

મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇએ આ નુક્શાની સર્વે અને માછીમોરોની રજૂઆતો અંગેનું વિસ્તૃત પ્રેજન્ટેશન કોર કમિટીમાં કર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા આપવાની થતી સહાય અંગે મુખ્યમંત્રીશ્રી અને કમિટી સાથે ચર્ચા વિમર્શ કરી પેકેજને આખરી ઓપ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર માછીમાર પરિવારો પર તાઉતે વાવાઝોડાના કારણે આવેલી આ વિપદામાં પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદના સાથે આ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ૨૫ કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ ૮૦ કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા ૧૦૫ કરોડનું આ પેકેજ છે.

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા મત્સ્યોદ્યોગ રાહતસહાય પેકેજની મુખ્ય બાબતો મુજબ છે:-

 • બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના ૫૦ ટકા અથવા રૂ. ૩૫,૦૦૦ સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
 • અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦  સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
 • જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તેઆપવામાં આવશે.
 • અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.
 • આ ઉપરાંત રૂપિયા પાંચ લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય ૨ વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
 • પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦ ટકા અથવા રૂપિયા પાંચ લાખ બેમાંથી જે ઓછું હશે તે રાજ્ય સરકાર ઉચ્ચક આપશે.
 • આ ઉપરાંત રૂપિયા ૧૦ લાખ સુધીની લોન પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય ૨ વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
 • ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા ૮૨૦૦ પ્રમાણે સહાય અપાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલા પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો:-

 • નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.
 • જો માછીમારો અંશત: નુકશાન પામેલ મોટી બોટની મરામત માટે રૂ. ૫.૦૦ લાખ સુધીની બેંક લોન મેળવે તો તેના પર વાર્ષિક ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.
 • તેજ રીતે પૂર્ણ નુકશાન પામેલી મોટી બોટની મરામત માટે રૂ. ૧૦.૦૦ લાખ સુધીની બેંક લોન માછીમારો દ્વારા મેળવવામાં આવે તો તેના પર વાર્ષિક ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.

આમ, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં આશરે ૧૦૦૦ નાની મોટી બોટને થયેલા નુકશાન સામે રાજ્ય સરકાર રૂ. ૧૦૫ કરોના સહાય પેકેજમાં સુચવેલા ધારાધોરણ અનુસાર માછીમારોને રૂપિયા ૨૫ કરોડ સહાય ચૂકવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, તાઉતે વાવાઝોડા દરમ્યાન દરિયાકાઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુકશાનની મરામત અને નવિનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે.

તદઅનુસાર રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે તે આ મુજબ છે.

જાફરાબાદ

 • હયાત જેટીનું વિસ્તરણ કરી ૫૦૦મી. લંબાઈની નવી જેટી બનાવવી.
 • બ્રેક વોટરની દુરસ્તી.
 • લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
 • ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
 • હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત

શિયાળબેટ

 • નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ.
 • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.

સૈયદ રાજપરા

 • વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ.
 • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.

નવાબંદર

 • જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ.
 • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
 • મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.

રાજ્ય સરકારે જાહેર કરેલા કુલ ૧૦૫ કરોડ રૂપિયાના રાહત સહાય પેકેજમાંથી તાઉતે વાવાઝોડાના કારણે માળખાકીય સુવિધાઓને થયેલા નુક્સાનમાંથી માળખાકીય સુવિધા પુન: કાર્યરત કરવા અને  સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા મજબુતીકરણ માટે રૂ. ૮૦ કરોડનો ખર્ચ થશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સાગરખેડૂ-માછીમારોને તાઉતે વાવાઝોડાના પરિણામે જે નુક્સાન સહન કરવાનું આવ્યું છે તેમાંથી બેઠા કરી મત્સ્યદ્યોગ પ્રવૃત્તિઓમાં પૂર્વવત કરવા અને માછીમારી દ્વારા આર્થિક આધાર મેળવવામાં આ પેકેજ મોટી રાહતરૂપ બનશે.

Source: Information Department, Gujarat