Latest News

કોરોનાના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૧૧૦૦ છે તેમાં રૂ. ૨૦૦ નો ઘટાડો કરી રૂ.૯૦૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૮૦૦ છે તેમાં રૂ. ૧૦૦ નો ઘટાડો કરી રૂ. ૭૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૨૦.૦૪.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.

રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, તા.૧૮.૦૪.૨૦૨૧ ના રોજ RT-PCR ના ૭૩,૭૧૧, એન્ટીજનના ૯૨,૦૦૦ ટેસ્ટ મળી કુલ-૧,૬૫,૭૧૧ જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના ૪૦,૯૯,૫૭૮ અને એન્ટીજનના ટેસ્ટ ૧,૧૯,૧૬,૯૨૭ મળી કુલ – ૧,૬૦,૧૬,૫૦૫ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સવલતો સત્વરે મળી રહે તે માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની ૧૧ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૦૦ એલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે ૧૨૦૦ એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે ૭૦૦ એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૦મી જૂન-૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા વિનંતી છે.

Source: Information Department, Gujarat