Latest News

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સમગ્ર ભારતમાં પ્રથમ સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુર્હુત કર્યું

  કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી

  • સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરી હતા
  • રાજ્યમાં જળક્રાંતિથી વિકાસક્રાન્તિની નેમ દેશના પ્રધાનમંત્રીશ્રીએ સાકાર કરી છે
  • સાગર સૈનિક સ્કૂલ જ્ઞાન, રક્ષા, બહાદુરી અને રાષ્ટ્રસેવાથી બાળકોના જીવનમાં નવો ઉજાસ લાવશે
  • દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથેના નાગરિકો સૈનિક સ્કૂલમાંથી મળશે
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૯ વર્ષના સુશાસનમાં સહકારી સંસ્થાઓ-એન.જી.ઓ.-સેવાભાવી સંગઠનો-વ્યક્તિઓ સૌને દેશના વિકાસમાં સહભાગી કર્યા છે
  • દેશમાં પી.પી.પી. ધોરણે ૧૦૦ સૈનિક સ્કૂલ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્થપાશે

  મુખ્યમંત્રીશ્રી

  • રાષ્ટ્રહિત અને રાષ્ટ્રરક્ષા સર્વોચ્ચ ગણીને રાષ્ટ્રસેવા માટે સજ્જ પેઢી તૈયાર કરવાની પ્રધાનમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા
  • સુ-રાજ્યની દિશામાં દેશ માટે જીવી જાણવાનો રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ લોકોમાં જાગ્યો છે

  મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં દૂધસાગર ડેરી સંચાલિત સૈનિક સ્કૂલ ૧૧ એકરમાં ૭૫ કરોડના અંદાજિત ખર્ચે આકાર પામશે


  કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
  ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસહકારી સંસ્થા દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીના જન્મશતાબ્દી મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં આ સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.

  અંદાજે ૭૫ કરોડના ખર્ચે ૧૧ એકર વિસ્તારમાં આકાર પામનારી આ સૈનિક સ્કૂલ પી.પી.પી. ધોરણે કાર્યરત થનારી દેશની ૨૦મી અને સહકારી સંસ્થા દ્વારા નિર્માણ પામનારી દેશની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે.

  કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે આવી સૈનિક સ્કૂલ જ્ઞાન સાથે રક્ષા, બહાદૂરી અને રાષ્ટ્રસેવાનો ભાવ બાળકોના જીવનમાં લાવી નવો ઉમંગ, નવી ચેતના જગાવશે. એટલું જ નહીં, દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથેના નાગરિકો આ સૈનિક સ્કૂલમાંથી તૈયાર થશે.

  શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૯ વર્ષના સુશાસનમાં સહકારી સંસ્થાઓ, એન.જી.ઓ., સેવા સંગઠનો અને સેવાભાવી વ્યક્તિઓ સૌને દેશના વિકાસમાં જોતર્યા છે અને ભારત દિન દૂની રાત ચોગુની વિકાસગતિથી આગળ વધી રહ્યું છે.

  તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશમાં પી.પી.પી. ધોરણે ૧૦૦ સૈનિક સ્કૂલ સ્થપાવાની છે, તેમાંની ૨૦મી અને સહકારી સંસ્થા સંચાલિત પ્રથમ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત એ ગુજરાત માટે ગૌરવ ઘટના છે.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીનું ભાવભર્યું સ્મરણ કરતા જણાવ્યું કે, સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ મોતીભાઈ ચૌધરી હતા. લોકપ્રતિનિધિએ સાદગી અને સરળ જીવનથી કેવી રીતે લોકસંપર્ક કરવો તેનું ઉત્તમ અને આદર્શ દૃષ્ટાંત મોતીભાઈ હતા.

  કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું કે, કટોકટીની લડાઈ, સહકારી ક્ષેત્રના વિકાસની ગતિ સહિત પશુપાલકોના હિત માટે મોતીભાઈ ચૌધરીએ પ્રેરણાદાયી કામ કર્યું છે. સતત ૩૦ વર્ષ સુધી અવિરત સેવા કરીને મોતીભાઈએ દૂધ સાગરના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ત્રિભુવનદાસ પટેલ સાથે મોતીભાઈએ ખભાથી ખભો મિલાવી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા ત્રણેય જિલ્લામાં દૂધ ઉત્પાદનનો મોટો યજ્ઞ શરૂ કરવાનું કામ કર્યું હતું, તેની પણ યાદ ગૃહમંત્રીશ્રીએ તાજી કરી હતી.

  કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં જળક્રાંતિથી વિકાસ ક્રાન્તિની નેમ દેશના પ્રધાનમંત્રીશ્રીએ પાર પાડી છે. જળક્રાંતિથી ખેતીની સમૃદ્ધિ સાથે પશુપાલકો પણ સમૃદ્ધ થયા છે. તેનો શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના ફાળે જાય છે.

  તેમણે ઉમેર્યું હતું કે, “શબ્દ મોતી” પુસ્તિકા એ મોતીબાપુના જીવન ઝરમરનું પ્રેરણાદાયી પુસ્તક છે. મોતીબાપુએ શરૂ કરેલી દૂધસાગર ડેરી ૫ લાખ પશુપાલકોની આજીવિકા બની છે. ડેરીએ શરૂ કરેલ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કારકિર્દી ઘડીને યુવાનો આજે રાષ્ટ્રને ગૌરવ આપી રહ્યા છે. ડેરી દ્વારા દૈનિક ૫ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ, માર્કેટિંગ કરી પશુપાલકોને આજીવિકા આપવાનું મોટું કાર્ય થઈ રહ્યું છે, તેમ જણાવી સાગર ડેરીના અવિરત વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

  મુખ્યમંત્રીશ્રી

  સૈનિક સ્કૂલના ઈ ખાતમુર્હૂત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ દેશમાં રચ્યો છે. વિકાસની આ રાજનીતિમાં રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર રક્ષા સર્વોચ્ચ ગણીને રાષ્ટ્ર સેવા માટેની સજ્જ પેઢી તૈયાર કરવાની તેમની નેમ છે.
  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને અને બાળકો રાષ્ટ્રને સમર્પિત થાય તે માટે દેશમાં પ્રધાનમંત્રીશ્રીએ ૧૦૦ સૈનિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંરક્ષણ સાથે સહકારની આગવી પ્રણાલીના ધ્યેય સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી અને દેશના સહકાર મંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનો નિર્ધાર રહ્યો છે કે સરકારના પ્રયાસો સાથે સમાજના પ્રયાસોને જોડવામાં આવે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્રીય સહકારમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી આમુલ પરિવર્તન આવ્યું છે. દેશના વિકાસમાં ૨ લાખ ગ્રામીણ ડેરીઓ જોડી દૂધના વિકાસમાં પાંચ ગણો વધારો થાય એવા સંનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સહકારીતા ક્ષેત્ર આજે રાષ્ટ્રમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામ્યું છે. વિવિધ સહકારી મંડળીઓથી સહકારી ક્ષેત્રે સંકળાયેલા લોકોના વિકાસથી ભારત આર્થિક સમૃદ્ધિના શ્રેષ્ઠ મોડલ તરીકે દુનિયાભરમાં ઉભરી આવ્યું છે.

  તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતની સીમાઓ અખંડ રહી છે તેનો શ્રેય પ્રધાનમંત્રીશ્રીને અને કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીને જાય છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દૂધસાગર ડેરીએ શ્વેત ક્રાંતિ સાથે રક્ષા ક્રાંતિની આગવી પહેલ ઊભી કરી છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલ ગુજરાતમાંથી રાષ્ટ્રને મળવાની છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ખેરવા, રાધનપુર, ખેરંચા અને સુરતના ઉમરપાડામાં સૈનિક સ્કૂલો શરૂ થઈ છે. રાજ્યમાં વધુ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલો સામાજિક ભાગીદારીથી શરૂ કરવાની સરકારની નેમ છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ, સામાજિક ન્યાય અધિકારીતાની શાળાઓ અને આદિજાતિ વિભાગની શાળાના બાળકો બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ પામે તો સરકાર દ્વારા વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે.

  તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની દીકરીઓ સૈનિક સ્કૂલમાં પ્રવેશની છુટ આપીને મોટી ભેટ આપી છે.જેનાથી આજે રાષ્ટ્રની દીકરીઓ “અફસર બિટિયા” બની રહી છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની અફસર બિટિયા આસ્થાનું ઉદાહરણ આપી દીકરીઓને પ્રેરણા આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી અને દેશના ગૃહ મંત્રીશ્રી નેતૃત્વમાં સુ-રાજ્યની દિશામાં દેશ માટે જીવી જાણવાનો સર્વોપરીનો ભાવ રાષ્ટ્રમાં જાગ્યો છે.

  આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સાગર સૈનિક સ્કૂલ મહેસાણા ખાતે નિર્મિત થઈ રહી છે એ મહેસાણા માટે ગૌરવની વાત છે. ભવ્ય મકાન,ભવ્ય સગવડોથી ભવ્ય વિદ્યાર્થીઓ નિર્મિત થશે અને એના થકી રાષ્ટ્ર ભાવના પ્રબળ બનશે. દૂધ સાગર ડેરીના દ્વારા આ સૈનિક સ્કૂલ બનાવવામાં આવી રહી છે એ માટે દૂધ સાગર ડેરી અભિનંદનને પાત્ર છે.

  આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, દેશમાં સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયા થકી યુવાનો માટે નવી તકો પેદા થઈ છે. મેક ઇન ઇન્ડિયા થકી આજે રક્ષા ઉપકરણો ભારતમાં બનતા થયા છે તેમજ આજે ભારત રક્ષા ઉપકરણોનો નિકાસ કરનાર દેશ બન્યો છે. આજે દેશના ગૃહ મંત્રીના કારણે દેશની સીમાઓ સુરક્ષિત બની છે.

  આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન હતું કે દેશમાં ૧૦૦ કરતા વધારે સૈનિક સ્કૂલો હોય જે અંતર્ગત ગુજરાતમાં આ બીજી સૈનિક સ્કૂલ નિર્માણ થવા જઈ રહી છે જે ખરેખર સરાહનીય વાત છે. પશુપાલન થકી સમૃદ્ધિ અને હવે શિક્ષણ થકી સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત બન્યો છે.

  આ પ્રસંગે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધ સાગર ડેરી માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. આ સાગર સૈનિક સ્કૂલ થકી શિસ્તબદ્ધ અને સંસ્કારી વિદ્યાર્થીઓ તૈયાર થશે જે આગળ જઈને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. દૂધ સાગર ડેરીએ પશુપાલનની સાથે સાથે હવે પ્રાકૃતિક ખેત પેદાશો દેશી ચણા, ઘઉં, બાજરી વગેરે ખરીદવાની શરૂઆત કરી છે. જેથી કરીને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને તેનું ઉત્પાદન કરી રહ્યા છે.

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું સહકારી સંસ્થાઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત “શબ્દ મોતી” બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાગર સૈનિક સ્કૂલના ઈ ખાતમુર્હુત પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, પાટણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય સર્વેશ્રીઓ કીરીટભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, સરદારભાઇ ચૌધરી, સુખાજી ઠાકોર, કરશનભાઇ સોલંકી, જી.એસ.પટેલ, લક્ષ્મણજી ઠાકોર, અગ્રણી હરીભાઇ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, અગ્રણી ગીરીશભાઇ રાજગોર, અગ્રણી મયંકભાઇ નાયક, સાગર ડેરીના વાઇસ ચેરમેન જશીબેન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, દૂધ સંઘના બોર્ડ ઓફ ડાયરેકટર, સૈનિક સ્કૂલના કર્નલ, દૂરડાના ડિરેકટરો, બોરીયાવી ગામના ગ્રામજનો,સહકારી આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

  Source: Information Department, Gujarat