Latest News

રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટથી આગળ વધી રહી છે:- મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે.

એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી ૧૦૪ ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના ૭૦ ટકા બેડ ખાલી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૪ મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે. આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના અનપ્રેડીકટેબલ છે પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય ફરજીયાત માસ્ક અને વેકસીનેશન છે. એટલે સૌ નાગરિકો માસ્ક અવશ્ય પહેરે અને વેકસીન પણ લઇને કોરોનાથી બચે તેવી અપિલ પણ તેમણે કરી હતી.

Source: Information Department, Gujarat