Latest News

ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે રાજ્યની ઇજનેરી કોલેજીસના પ્રાધ્યાપકોએ મેળવી યુ. કે. યુનિવર્સિટીની તાલીમ: મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર વિતરણ

મુખ્યમંત્રીશ્રી:

  • કૌશલ્યવાન યુવાધનથી ગુજરાતને જ્ઞાનશકિતનું ઊર્જાકેન્દ્ર બનાવીને જ્ઞાનનો વૈશ્વિક પ્રકાશપૂંજ ફેલાવવો છે
  • વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે રાજ્યના યુવાનો માટે ટેકનીકલ નોલેજ સહિત આધુનિક જ્ઞાનની નવી ક્ષિતીજો ખૂલી છે
  • તાલીમ-જ્ઞાનનો વિનિયોગ છાત્રશકિતના સર્વાંગી વિકાસમાં કરીને વૈશ્વિક પડકારો સામે સજ્જ યુવાધન નિર્માણ કરવા પ્રાધ્યાપકોને પ્રેરક આહવાન આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યુવા વિદ્યાર્થીઓને પાઠયક્રમ કે પુસ્તકીયા જ્ઞાન કરતાં વૈશ્વિક કક્ષાના જ્ઞાન-નોલેજ માટે અધ્યાપકો-ફેકલ્ટીઝના અપગ્રેડેશન, ડેવલપમેન્ટને મહત્વના ચાલકબળ ગણાવ્યા છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે નવા ભારતના નિર્માણની સંકલ્પના વ્યકત કરી છે તેમાં મેઇક ઇન ઇન્ડીયા, ડિઝીટલ ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડીયાના અભિયાનોથી ટેકનોલોજી સેવી યુવા સંપદા તૈયાર કરી ગ્લોબલ યુથ તૈયાર કરવા છે.

આવા કૌશલ્યવાન યુવાધનથી ગુજરાતને જ્ઞાનશકિતનું ઊર્જા કેન્દ્ર બનાવી જ્ઞાનનો વૈશ્વિક પ્રકાશપૂંજ ફેલાવવા સક્ષમ કરવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ટેકનીકલ એજ્યુકેશન કવોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ- TEQIP અંતર્ગત રાજ્યની સાત ઇજનેરી કોલેજીસના અધ્યાપકોના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે યુ.કે.ની યુનિવર્સિટીમાં તાલીમ દક્ષતા મેળવેલા પ્રાધ્યાપકોને સર્ટીફિકેટ-પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા.

મહાત્મા મંદિર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટેકનીકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, અમદાવાદ સ્થિત બ્રિટીશ હાઇકમિશનરશ્રી જીયોફ વેઇન, ટ્રેઇનરશ્રી એન્ડ્રયુ ફેઇરહસ્ટ તેમજ અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમર, ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી એસ. બી. રાવલ અને તાલીમ પ્રાપ્ત પ્રાધ્યાપકો, ઇજનેરી કોલેજના વિવિધ ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિગમ ગુજરાતના યુવાધનને વૈશ્વિક જ્ઞાનના પડકારો સામે સજ્જ થવાનો અવસર ગણાવતાં ઉમેર્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે હવે વિશ્વભરના ઉદ્યોગો ગુજરાતમાં આવતા થયા છે.

આના પરિણામે રાજ્યના યુવાનો માટે ટેકનીકલ નોલેજ સહિતના આધુનિક જ્ઞાનની નવી ક્ષિતીજો ખૂલી છે. રાજ્યમાં સ્પેશ્યલાઇઝડ યુનિવર્સિટીઝ શરૂ કરીને આપણે યુવાઓને સમાજને નવા આવિષ્કરણો આપી શકે તેવા સક્ષમ બનાવ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, હોનહાર યુવાધનની એ સક્ષમતાને પોતાના આધુનિક વૈશ્વિક જ્ઞાનથી પ્રાધ્યાપકો-અધ્યાપકોએ ગુરૂ દ્રોણાચાર્ય જેમ નિખારવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને શિક્ષીત-દિક્ષિત કરવાનું દાયિત્વ નિભાવીને ગુજરાતને મેન્યુફેકચરીંગ હબ જેમ જ નોલેજ હબ અને જ્ઞાનશકિતમાં નંબર-૧ બનાવવાની પ્રેરણા આ પ્રાધ્યાપકોને આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શકિત પંચામૃતની વિભાવનાથી જ્ઞાનશકિત, ઊર્જાશકિત, જનશકિત, જળશકિત, રક્ષાશકિત દ્વારા રાજ્યના વિકાસમાં આધુનિક વૈશ્વિક શિક્ષણને મહત્વપૂર્ણ ગણાવતાં ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં તાલીમ પ્રાપ્ત પ્રાધ્યાપકોને તેમણે મેળવેલા જ્ઞાનનો મહત્તમ વિનિયોગ છાત્રશકિતના સર્વાંગી વિકાસમાં કરવાનો અનુરોધ કર્યો હતો.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કેન્દ્રીય પુરસ્કૃત Technical Education Quality Improvement Program-II (TEQIP-II) એ રાષ્ટ્રીયસ્તરે ટેકનીકલ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેનો વિશ્વબેંકની સહાયથી શરૂ થયેલ કાર્યક્રમ છે.

જેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય તેમજ સારી રોજગારીની તકો મળે, સંસ્થાઓ ખાતે અનુસ્નાતક શિક્ષણ અને માંગ આધારિત સંશોધન-વિકાસ તેમજ નવીનતા પ્રદાન થાય, સંશોધનને વેગ આપવા સેન્ટર ઓફ એકસલન્સની રચના, ટીચીંગ-લર્નીંગ પ્રક્રિયાને મજબુત અને અસરકારક બનાવવા અધ્યાપકોને શ્રેષ્ઠ તાલીમ, અધ્યાપકોને ક્ષમતા નિર્માણ માટેની તાલીમ તેમજ સીસ્ટમ મેનેજમેન્ટને અસરકારક બનાવવા જેવા મુળભુત હેતુઓને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યની પાટણ, રાજકોટ, ગાંધીનગર, વિદ્યાનગર, મોરબી, ભાવનગર એમ કુલ ૭ ઇજનેરી કોલેજીસના પપર અધ્યાપકોએ આ કાર્યક્રમ તહેત સફળતાપૂર્વક તાલીમ મેળવી છે.

ઉચ્ચશિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે આ તાલીમ યુવાનોને સ્ટાર્ટઅપ-ઇનોવેટીવ આઇડીયાઝ માટે ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે રાજ્યમાં ઇજનેરી કોલેજોની બેઠકમાં પાછલા દોઢ દાયકામાં થયેલી વૃધ્ધિની છણાવટ કરી હતી.

શિક્ષણ અગ્રસચિવ શ્રીમતી સૂનયના તોમરે સ્વાગત પ્રવચન કર્યુ હતું. બ્રિટીશ હાઇકમિશનર જીયોફ વેઇન, ટ્રેઇનર એન્ડ્રયુ એ પ્રસન્નતા વ્યકત કરી હતી.

આભારદર્શન ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી એસ. બી. રાવલે કર્યુ હતું.

Source: Information Department, Gujarat