Latest News

અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્ય અને સુશાસનની દેશમાં શરૂઆત કરી : મુખ્યમંત્રીશ્રીએ અટલજીને આપી આદરસભર અંજલિ

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, મેયર તરીકેના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ શાસનના એ દિવસોમાં ભ્રષ્ટાચારે રાજ્યની તિજોરીને ભરડો લીધો હતો એના લીધે રાજ્યની તિજોરીમાં છીંડા પડી ગયા હતા. એટલે રાજ્ય સરકાર વિકાસ કામો માટે ફૂટી કોડી આપી શકતી ન હતી. તે પછી હાલના  પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમની હું ખાતો નથી અને ખાવા દેતો નથીની નીતિનો મજબૂત અમલ કરીને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગુજરાતને ભેટ આપી. તેના પગલે આજે દર ત્રણ કે છ મહિને નગરપાલિકાઓ કરોડો રૂપિયાની કિંમતના વિકાસ કામોના

    વિકાસ પર્વો યોજી શકે છે. એમની નીતિઓના લીધે આજે રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું વળતર મળતું થયું છે.

    ભંડોળની પૂરતી ઉપલબ્ધિને લીધે રાજ્ય સરકારે રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી શહેરી વિકાસને વેગવાન બનાવ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત અટલ સુશાસન દિવસને અનુલક્ષીને યોજવામાં આવેલા વિકાસ પર્વમાં રૂ.૧૬૯.૫૪ કરોડની કિંમતના વિકાસ કામોના લોકાર્પણ, શુભારંભ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ કામોમાં ભાયલીમાં નવીન એસ.ટી.પી. પાણી પુરવઠા, આરોગ્ય અને પરિવહનના કામોનો સમાવેશ થાય છે .૨૦ નવી શહેરી બસ સેવા માટે રાજ્ય સરકાર સહાયિત બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમના હસ્તે વડોદરા અગ્નિશમન સેવાના કર્મયોગીઓનું સન્માન અને તુલસીવાડી

    વિસ્તારના રહીશોને મકાનોના દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ વડોદરા અભિયાનના ભાગરૂપે યોજવામાં આવેલી સ્પર્ધાના વિજેતા ગણેશ મંડળોને ઇનામોનું વિતરણ કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે શહેરી વિકાસની વિવિધ નીતિઓ અમલમાં મૂકીને તમામ શહેરોના સમતોલ વિકાસને અગ્રતા આપી છે. પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે, પૂરતા આવાસો મળે, શહેરી કચરાની સફાઇ અને નિકાલ થાય એ પ્રકારની વિવિધ યોજનાઓનો ઝડપભેર અમલ કરવામાં આવી રહ્યો છે.

    આજે પાણી બચાવવા અને પર્યાવરણની રક્ષા કરવાની તાતી જરૂર છે, તેને અનુલક્ષીને રીડયુસ, રીસાયકલ અને રીયુઝની નીતિ હેઠળ મલીન જળના શુદ્ધિકરણ અને પુન: વપરાશ શકય બનાવતા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવી જળબચત અને પર્યાવરણ રક્ષણમાં નાગરિકોના યોગદાનની હિમાયત કરી હતી.

    વડોદરાને ભારે પૂરનો સામનો કરવો પડે છે અને વિશ્વામિત્રીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી વડોદરાના લોકોની લાગણી છે એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાવાગઢથી છેક દરિયાકાંઠા સુધી વિશ્વામિત્રીના સર્વગ્રાહી વિકાસની રૂપરેખા રાજય

    સરકારે ઘડી છે તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાને તેના અમલીકરણ માટે ખૂબ ઝડપથી ડીપીઆર તૈયાર કરવા સૂચના આપી છે. હાલમાં મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવી આદર્શ સ્થિતિ છે એટલે ભારત સરકારની જરૂરી મંજૂરીઓ પણ સત્વરે મળી જશે. વિશ્વામિત્રીને શુદ્ધ અને સ્વચ્છ બનાવવાનો અમારો સંકલ્પ છે તેથી મહાનગરપાલિકા ડીપીઆર રજૂ કરે તેની સાથેજ ટેન્ડર પ્રક્રિયા રાજય સરકાર ઝડપથી હાથ ધરશે અને આર્થિક પીઠબળ પણ આપશે એમ તેમણે ઉમેર્યું હતું.

    સુશાસન દિવસની ઉજવણી માટે વડોદરા આદર્શ સ્થળ છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડોદરાના મહારાજા

    સયાજીરાવ ગાયકવાડે સુશાસન વ્યવસ્થાના ઉજજવળ વારસાની ભેટ આપી છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના શહેરો રહેવા અને માણવાલાયક બને તેટલું જ નહીં પરંતુ જીડીપી સાથે હેપીનેસ ઇન્ડેકસ વધે તે દિશામાં પર્યાવરણની જાળવણી સાથે શહેરોનો સાતત્યપૂર્ણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના શહેરોની વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ગણના થઇ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આગામી છ મહિનામાં વડોદરા મહાનગરપાલિકા શહેરી વિકાસના સંખ્યાબંધ કામોનું આયોજન અને અમલીકરણ કરશે એવો સંકેત આપવાની સાથે સૌને આવકારતાં વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જીગીષાબેન શેઠે શહેરી વિકાસમાં રાજય સરકારના સહયોગી અભિગમને બિરદાવ્યો હતો અને શહેર માટે છ ફલાયઓવર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવા માટે રાજય સરકારનો આભાર માનવાની સાથે એની રૂપરેખા સત્વરે તૈયાર કરવાની તત્પરતા વ્યકત કરી હતી.

    આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન, ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષભાઇ મહેતા સીમાબેન મોહિલે, મનીષાબેન વકીલ, નાયબ મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, નગરસેવકો, પાલિકા પદાધિકારીઓ, પક્ષ પદાધિકારી શ્રી ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મંત્રી શ્રી લાખાવાલા, પૂર્વ મેયરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલિન ઉપાધ્યાય અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ આત્મીય બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડા દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવના ભાગરૂપે શહેરીજનોને સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું.

    આ પ્રસંગે સંસ્થાના સંતો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજય મંત્રી
    શ્રી યોગેશભાઇ પટેલ, પૂર્વ મેયર શ્રી ભરત ડાંગર, ડેપ્યુટી મેયર શ્રી જીવરાજ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા
    શ્રી ચંદ્રકાંત વાસ્તવ હાજર રહ્યા હતા

    Source: Information Department, Gujarat