મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઉજાલા યોજના અન્વયે LED બલ્બને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પગલે એક મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લઇ LED બલ્બની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ LED બલ્બના રહેણાંક અને બિન-રહેણાંક ગ્રાહકો માટેના ભાવ એકસમાન રાખીને હવે આ બલ્બ રોકડેથી રૂ. ૬૫ પ્રતિ બલ્બ અને હપ્તેથી રૂ. ૭૦ પ્રતિ બલ્બના ભાવે અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના ડોમેસ્ટિક એફિશિયન્ટ લાઇટિંગ પ્રોગ્રામ અન્વયે LED ટ્યુબલાઇટ અને ફાઇવસ્ટાર રેટેડ એનર્જી એફિશિયન્ટ ફેનનું વેચાણ રાજ્યમાં શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર કેન્દ્ર સરકારે ૨૦ વોટ LED ટ્યુબલાઇટની નિર્ધારિત કરેલી કિંમતમાં રૂ. ૨૦નો ઘટાડો કરીને રોકડેથી ખરીદનારને રૂ. ૨૧૦ની કિંમતે આવી ટ્યુબલાઇટ અપાશે.
ફાઇવ-સ્ટાર રેટેડ એનર્જી એફિશિયન્ટ પંખાની સમગ્ર દેશ માટે નક્કી થયેલી કિંમતમાં રૂ. ૪૦નો ઘટાડો કરીને રૂ. ૧,૧૧૦ની કિંમતે રોકડ વેચાણથી અપાશે. LED ટ્યુબલાઇટની હપ્તેથી વેચાણની કિંમત રૂ. ૨૩૦ અને પંખાની કિંમત રૂ. ૧,૨૬૦ રહેશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતે ઓગસ્ટ ૨૦૧૬ સુધીમાં ઉજાલા યોજના અન્વયે બે કરોડ LED બલ્બનું ૪૨ લાખ હાઉસહોલ્ડમાં વિતરણ કર્યું છે.
Source: Information Department, Gujarat