Latest News

તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના વેપાર–ઉધોગના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને સહભાગી થવા નિમંત્રણ

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉધોગ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે, તે માટે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટે
    આગ્રહપૂર્વક પાઠવેલું આમંત્રણ પણ આપ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને એગ્રિકલ્ચર, માઇનિંગ અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય સહભાગી થશે તેમ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત ડેલિગેશનની તાજેતરના ભૂતકાળની ઉઝબેકિસ્તાનની
    મુલાકાતના સંદર્ભમાં ઉઝબેકિસ્તાન સાથે ગુજરાતના ઉદ્યોગકારોએ વિવિધ ક્ષેત્રે જે ૫૯ જેટલા પ્રોજેક્ટ માટે સહભાગીતા કરી છે, તેની પ્રગતિની વિગતો પણ શ્રીયુત અદ્ખમ અર્કમોવ એ મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

    ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રીને મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યુ કે, આ પ્રોજેકટ ઝડપથી કાર્યરત થાય તે માટે ગુજરાત સરકાર પણ ફોલોઅપ કરશે. તેમણે તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના ડેલિગેશનની બી-ટુ-બી અને
    બી-ટુ-જી બેઠકો યોજવા માટે પણ શ્રીયુત અદ્ખમ અર્કમોવને અનુરોધ કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીએ તેમના ફળદાયી ઉઝબેકિસ્તાન પ્રવાસના સંદર્ભમાં તાશ્કંદ, સમરકંદ બુખારાના ગવર્નરશ્રીઓને સ્નેહયાદ આપી હતી તેમજ ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ દ્વારા ગુજરાત ડેલિગેશન અને તેમના કરવામાં આતિથ્ય સત્કાર માટે પણ હૃદયપૂર્વકનો અભાર વ્યક્ત કર્યો હતો.
    ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રીએ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતના પગલે ઉઝબેકિસ્તાનમાં જે ડેવલપમેન્ટ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, તેની પણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ વેળાએ ઇન્ડેક્ષ્ટ-બીના એમ.ડી. શ્રીમતી નીલમ રાની ઉપસ્થિત રહ્યા હતાં.

    Source: Information Department, Gujarat